એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા; હે પરંતપ ! તે યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે. (૨)
ભાવાર્થ
કર્મયોગની અનાદિતા સિદ્ધ કરવા માટે પહેલા શ્લોકમાં તેને 'અવ્યયમ્' અવિનાશી કહ્યો. એટલા માટે આ બીજા શ્લોકમાં કહ્યું કે આ યોગ બહુ કાળથી નષ્ટ થઇ ગયો છે. તેનો અર્થ એવો નથી કે તદ્દન નાશ પામેલો છે. પરંતુ આ કર્મયોગ નષ્ટપ્રાય:, લુપ્તપ્રાય:, તિરોહિત, અપ્રકાશિત એવો અર્થ છે. કર્મયોગ સનાતન હોવાથી તદ્દન નાશ પામે નહીં. આ યોગ બહુ કાળથી નષ્ટ થઇ ગયો છે તેનો અર્થ એ છે કે બહુ સમયથી આ પૃથ્વીલોકમાં એનું સત્ય તત્ત્વ સમજનારા શ્રેષ્ઠ પુરુષોનો અભાવ થયો હોવાથી આ સનાતન અવિનાશી કર્મયોગ અપ્રકાશિત થઇ ગયો હતો, તેનો તિરોભાવ થઇ ગયો હતો પરંતુ તે તદ્દન નષ્ટ થયો નહોતો.
પ્રમપારનો અર્થી Tradition નહીં. રીત, રૂઢિ, પ્રચલિત એવું નહીં. ગંગાજી ગંગોત્રીમાંથી નીકળીને સમુદ્રમાં મળે છે, પરંતુ વચમાં કેટલી કેટલી નદીઓ અને ઝરણાં તેમાં મળે છે, છતાં ગંગાજી તો એની એ જ રહે છે એ ગંગાની પરંપરા છે. તમે એક દીવો પેટાવો તેની જ્યોત તો દરેક ક્ષણે બુઝાતી રહે છે અને જ્યોતિનો સિલસિલો ચાલુ જ રહે છે, દીવો એનો એ જ રહે છે. આ દીવાની પરંપરા છે. પરંપરાનો અર્થ છે સાતત્ય, સતતપણું, પ્રવાહ, continuity, સિલસિલો. ભગવાન જે પરંપરાની વાત કરે છે તે શાસ્ત્રની પરંપરા નહીં, પરંતુ સત્યની અને સત્યને જાણનારાઓ આર્ષદ્રષ્ટાઓની પરંપરાની વાત છે.
તમે આંખ ખોલી ત્યારે તમને સૂર્ય દેખાયો પરંતુ તે પહેલા પણ જેણે જેણે આંખ ખોલી તેને સૂર્ય દેખાયો અને ભવિષ્યમાં જે જે આંખ ખોલશે તેને સૂર્ય દેખાશે. સૂર્યને આ રીતે દેખનારની પણ એક પરંપરા છે. સૂર્યને દેખનાર કોઈ પણ વ્યક્તિ એમ દાવો ના કરી શકે કે સૂર્યને જોનાર હું જ એક પહેલો હતો, અગર તો સૂર્યને જોનાર હું જ એક છેલ્લો છું. દેખનારાઓની આ અનંત શૃંખલામાં એ તો એક નાનામાં નાની કડી છે.