આપનો જન્મ હમણાંનો છે અને સૂર્યનો જન્મ પહેલાનો છે; તો આપે આ (યોગ) પૂર્વે કહ્યો એમ હું શી રીતે જાણું ? (૪)
ભાવાર્થ
આ શ્લોકમાં અર્જુન સવાલ પૂછે છે તેમાં અર્જુનનો દોષ નથી. આ અર્જુનની 'નેચરલ ફેલેસી', પ્રાકૃતિક ભૂલ છે, કારણ કે આખરે તો તે એક (અલ્પજ્ઞ) જીવાત્મા છે, (સર્વજ્ઞ) પરમાત્મા નથી.
અર્જુન બરાબર આપણા જેવો વિચારશીલ આદમી છે. બરાબર તર્કથી, ગણિતથી, હિસાબથી તે પૂછે છે : 'અરે ! તમે, મારી સામે ઉભેલા દેવકીના દીકરા, તમારી જન્મતારીખ તો હું જાણું છું, જયારે સૂર્યની જન્મતારીખ તો કોઈ જાણતું નથી અને તમે જે દિવસે જન્મ્યા તે દિવસે અને તે પહેલા ઘણા ઘણા વર્ષો પહેલાના સૂર્ય તો ઉગે છે. તો તમે આ કર્મયોગ સૂર્યને સૌ પહેલા કહેલો તે હું કેમ મનુ?'
શ્રીકૃષ્ણ જે વાત કરી રહ્યા છે તે આ દેવકીના પેટે જન્મેલા કૃષ્ણની વાત નથી. એ તો એ આત્માની વાત કરે છે કે જે કોણ જાણે કેટલાય અવતારો (વસ્ત્રોની માફક શરીરો) લઈ ચૂકેલો છે અને તેણે તો કેટલાય શરીર (જરાજીર્ણ વસ્ત્રોની માફક) બદલી નાખ્યા છે. કૃષ્ણ એ આત્માની વાત કરે છે જે મૂળમાં પરમાત્માથી એક છે. તે સૂર્યની પહેલા પણ હતો અને સૂર્ય બુઝાઈ જશે ત્યારે પણ હશે જ.
પરંતુ અર્જુનને આનો ખ્યાલ નથી તેથી અર્જુનનો સવાલ અર્જુનના હિસાબે તર્કયુક્ત - સુસંગત છે, પરંતુ કૃષ્ણના હિસાબે તો બિલકુલ મૂઢતાપૂર્ણ અને અસંગત છે. અર્જુનના તરફથી આ સવાલ સાર્થક છે, પરંતુ કૃષ્ણના તરફથી તે અત્યંત મૂર્ખતાપૂર્ણ છે. પરંતુ આ સવાલ પૂછવામાં અર્જુનની મજબૂરી છે તેથી તેનો આ સવાલ તર્કપૂર્ણ છે.
કૃષ્ણ અને અર્જુનની લગભગ સરખી ઉમર છે, જયારે વિવસ્વાન તો આ કલ્પના આરંભમાં થયા હતા. એટલે વર્તમાનકાળના શ્રીકૃષ્ણ દ્વારા કલ્પની શરૂઆતમાં જન્મેલા વિવસ્વાનને ધર્મજ્ઞાનનો બોધ થયો હશે તે વાત અર્જુનના માનવામાં ના આવે એ સ્વાભાવિક છે. સ્થૂળ શરીરની દ્રષ્ટિએ અર્જુનની શંકા સાચી છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તવ્ય કારણ-શરીરની દ્રષ્ટિએ હતું એ વાત સ્થૂળ દ્રષ્ટિવાળા અર્જુનના ધ્યાનમાં આવી નહીં.