તેમ જ બીજા તીક્ષ્ણ વ્રતવાળા યત્નશીલ યોગીઓ દ્રવ્યયજ્ઞ કરનારા, તપયજ્ઞ કરનારા, યોગયજ્ઞ કરનારા અને સ્વાધ્યાય (તથા) જ્ઞાનયજ્ઞ કરનારા હોય છે. (૨૮)
ભાવાર્થ
યજ્ઞ એટલે નિષ્કામ કર્મ
રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, કર્તાપણાના અહંકાર સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે, ઈશ્વરપ્રીત્યર્થે, ફલેચ્છારહિત કરેલા એકેએક નિષ્કામ કર્મને યજ્ઞકર્મ કહેવાય.
આ શ્લોકમાં પાંચ પ્રકારના યજ્ઞ (પંચયજ્ઞ) નું વિધાન પરમાત્માએ કહેલું છે અને આ પંચયજ્ઞ કરવા માટેની તમામ સામગ્રી દરેક મનુષ્યને પરમાત્માએ આપેલી જ છે.
આ પંચયજ્ઞો અને તે કરવા માટે પરમાત્માએ આપેલી સામગ્રી નીચે પ્રમાણે છે.
૧. દ્રવ્યયજ્ઞ કરવા માટે ધન આપ્યું.
૨. તપોયજ્ઞ કરવા માટે તન આપ્યું
૩. યોગયજ્ઞ કરવા માટે મન આપ્યું.
૪. સ્વાધ્યાયયજ્ઞ કરવા માટે બુદ્ધિ આપી.
૫. જ્ઞાનયજ્ઞ કરવા માટે આત્મા આપી
આ પાંચ યજ્ઞો ગરીબ તથા તવંગર દરેક માણસ કરી શકે છે. તેને માટે પરમાત્માએ માણસને સંપૂર્ણ સામગ્રી, સામર્થ્ય અને સ્વતંત્રતા આપેલું છે અને તેથી આ પાંચ યજ્ઞો માણસે તેના સમગ્ર જીવનકાળ દરમ્યાન પોતાની પરમાત્મા પ્રત્યેની ફરજના ભાગરૂપે દરરોજ કરવા જ જોઈએ.
કોઈ પણ વ્યક્તિ - કલેકટર અગર પટાવાળો, શેઠ અગર ગુમાસ્તો, મિલમાલિક અગર મિલમજૂર, ગાડી ફેરવનારો અગર લારી ફેરવનારો અગર તો કોઈ પણ વાણિયો, બ્રાહ્મણ, ઘાંચી, મોચી, ગોલો, સુથાર, કુંભાર, હજામ, દરજી, ભંગી કોઈ પણ વ્યક્તિએ આ પાંચ યજ્ઞ હંમેશા કરવા જ જોઈએ. તે તેની મનુષ્ય તરીકેની પવિત્ર ફરજ છે. આ પંચયજ્ઞ જે કોઈ માણસ ના કરે તો તે પરમાત્માનો ગુનેગાર ઠરે છે. જે માણસ આ પાંચ યજ્ઞ બરાબર રીતે કરે તો પછી તેને બીજા સ્થૂળ પ્રતીકાત્મક (symbolic) યજ્ઞો કરવાની અને તેમાં અગ્નિમાં ઘી, જવ, તલ હોમીને ધુમાડાના બુકાટા ભરવાની જરૂર નથી.
૧. દ્રવ્યયજ્ઞ કરવા માટે ધન પરમાત્માએ દરેક વ્યક્તિને તેની લાયકાત અને પ્રારબ્ધ મુજબ ઓછાવત્તા પ્રમાણમાં આપેલું જ છે.
આ ધન માણસે ન્યાય, નીતિ, ધર્મની મર્યાદામાં રહીને સન્માર્ગથી પ્રાપ્ત કરવું જોઈએ. અને તેનો યથાશક્તિ સત્કાર્યમાં ઉપયોગ કરવો જ જોઈએ. આને દ્રવ્યયજ્ઞ કહેવાય. રોકડા પૈસાની સગવડ ના હોય તો તરસ્યાને પાણી પાવું, ભૂખ્યાને ભોજન આપવું તે પણ દ્રવ્યયજ્ઞ કહેવાય. તમારા ઘરમાં એકાદ બૂટ અગર ચંપલની જોડ વધારાની હોય અને તે તમારા ઉપયોગમા ના આવતી હોય તો તે કોઈ ગરીબ માણસ ગરમીમાં ઉઘાડા પગે દાઝતો દાઝતો ચાલતો હોય તેને આપો. તમારા ઘરમાં એકાદ વધારાની છત્રી, પહેરણ, કોટ, ધાબળો હોય અગર તો તમારા છોકરા મોટા થઇ ગયા તેમના બચપણના નકામાં પડેલા ઝભલા, ચડ્ડીઓ હોય જેનો હાલમાં તમે કાંઈ પણ ઉપયોગ ના કરી શકો તેમ હોય તો તે વસ્તુઓ તમે કોઈ ગરીબ અગર જરૂરિયાતવાળા માણસને આપો. આવી અનેક તમારે માટે બિનઉપયોગી ચીજવસ્તુઓ તમારા ઘરમાં ધૂળ ખાતી હોય અગર કાટ ખાતી હોય તે વસ્તુઓ ખાસ જરૂરિયાતવાળા માણસને આપો તો તે પણ દ્રવ્યયજ્ઞ કહેવાય. ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો, પેન્સિલો વગેરે આપીને દ્રવ્યયજ્ઞ કરી શકો.
વિનોબાજીના કહેવા મુજબ તમારા ઘરમાં એક માટલી (દાનકુંભ) રાખો અને તેમાં દરરોજ એક મુઠી અનાજ નાખો અગર તો એક પેટી રાખો તેમાં દરરોજ પાંચ કે દસ પૈસાનો સિક્કો નાખો અને વર્ષની આખરે તેમાં એકઠું થયેલું અનાજ અગર પૈસા કોઈ ગરીબ અગર જરૂરિયાતવાળા માણસને આપો તો તે પણ દ્રવ્યયજ્ઞ કર્યો કહેવાય.
૨. તપોયજ્ઞ કરવા માટે પરમાત્માએ તમને તન (શરીર) આપ્યું છે.
પરોપકારાર્થમ્ ઈદમ્ શરીરમ્ |
આ શરીરથી દીન, દુઃખી, દર્દીઓની તથા વૃદ્ધ માબાપ, સગા - સંબંધી પાડોશીની સેવા કરો અને તેમ કરતા જે શારીરિક કષ્ટ પડે તે તપોયજ્ઞ કહેવાય. રસ્તામાં કાંટા - કાંકરા, ઝૈડાંને આઘા ખસેડો; રસ્તામાં ખાડો પડયો હોય તે શ્રમયજ્ઞથી પૂરી દો (ફોટો પડાવતે પડાવતે નહીં) કે જેથી કરીને કોઈ અજાણ્યા રાહદારીનો પગ ભાંગે નહીં; કોઈ આંધળાને રસ્તો ઓળંગવામાં મદદ કરો, કોઈ વૃદ્ધ અપંગ, બીમાર માણસના માથા ઉપરનો ભાર ઊંચકી લો વગેરે સેવાકાર્યમાં તથા કોઈ પણ સત્કાર્ય માટે કર્તવ્યબુદ્ધિથી શારીરિક કષ્ટ વેઠવું તે તપોયજ્ઞ કહેવાય.
(૩) યોગયજ્ઞ કરવા માટે મન આપ્યું છે.
મનની પ્રસન્નતા, સ્થિરતા, સ્મત્વં (equilibrium) જાળવીને મનને સદ્ વિચારમાં તથા ભગવદ્ ચરણારવિંદમાં રોકી રાખવું તે યોગયજ્ઞ કહેવાય. સ્મત્વં યોગ ઉચ્યતે.
યોગરૂપ યજ્ઞનો એવો પણ ભાવ ગણાય કે કેટલાક સાધકો અષ્ટાંગયોગ રૂપ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. યમ, નિયમ, આસાન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ - આ યોગના આઠ અંગ છે. જેનું વિશદ વર્ણન પાતંજલ યોગદર્શનમાં છે. મનને સ્થિર રાખવા માટે યમ, નિયમ, આસાન, પ્રાણાયામ અને પ્રત્યાહાર વગેરેનું અનુષ્ઠાન કરવાથી માણસના મનનું Tension (તણાવ, વિક્ષિપ્તતા) નષ્ટ થાય છે. અને ત્યાર પછી ધારણા (attention), ધ્યાન (Concentration) અને સમાધિ (meditation)માં મનની સ્થિરતા સિદ્ધ થાય છે.
Meditation means concentration and attention without tension.
૪. સ્વાધ્યાય યજ્ઞ માટે બુદ્ધિ આપી છે.
બુદ્ધિનો લોકકલ્યાણ માટે અને શુભકર્મો માટે ઉપયોગ કરવો અને સદ્શાસ્ત્રોનું અધ્યયન સદ્ બુદ્ધિથી કરવું તે સ્વાધ્યાયયજ્ઞ કહેવાય.
૫. જ્ઞાનયજ્ઞ માટે નિજી આત્મા છે.
વિવેક, વૈરાગ્ય અને ભક્તિભાવથી આત્માના સ્વરૂપનું ચિંતન કરવું તે જ્ઞાનયજ્ઞ છે.
સર્વ કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે || (ગીતા - ૪/૩૩)
આ શ્લોકમાં સ્વાધ્યાયની સાથે 'જ્ઞાન' શબ્દનો સમાસ કરીને એ ભાવ વ્યક્ત કર્યો છે કે સ્વાધ્યાયરૂપ કર્મ પણ જ્ઞાનયજ્ઞ જ છે. એટલા માટે 'ગીતા'ના અધ્યયનને પણ ભગવાને 'જ્ઞાનયજ્ઞ' નામ આપેલું છે.
અહિંસાદિ તીક્ષ્ણવ્રત ધારણ કરનારા (સંશિતવ્રતાઃ:) યત્નશીલ પુરુષો (યતય:) ભગવાનના નામનો જાપ તથા ભગવદ્ પ્રાપ્તિ વિષયક શાસ્ત્રોના અધ્યયનરૂપ જ્ઞાનયજ્ઞ કરતા હોય છે.