ભાવાર્થ
ગતસંગસ્ય એટલે આસક્તિ રહિત.
મારાપણાના ભાવમાં મમત્વમાં આસક્તિ છે.
તારું નથી તલભાર આ સઘળું બધું જાનાર છે.
હાથે ચડ્યો હીરો (માનવજીવન) ખુવે તે મૂરખનો સરદાર છે.
તું જાણે છે હું જથાવાળો પુત્ર ને પરિવાર,
ઓચિંતાની ખાવી પડશે જમ કેરી ધાડ;
મૂરખ ! મનમાં વિચાર.
દીવામાં દિવેલ ખૂટ્યું હવે નથી વાર,
મૂરખ ! મનમાં વિચાર.
‘હું’પણામાં અહંકારમાં મારાપણાની આસક્તિ રહેલી છે. ‘હું’ પણું (અહંકાર) મટે તો જ મારાપણાની આસક્તિ હટે. અહંકારરહિત વ્યક્તિ જ આસક્તિરહિત થઇ શકે આસક્તિ - અહંકારનું રેડિએશન (Radiation) - વિકીર્ષણ છે.
મારી માલિકીની જેટલી વસ્તુઓ અગર વ્યક્તિઓ તથા પદાર્થ અગર પ્રાણીઓ ઓછા થાય તેટલા પ્રમાણમાં તેમનામાંનો મારાપણાનો અહંકાર ઓછો થાય; નષ્ટ થાય અને અહંકાર ઓછો થાય, પાતળો થાય તેનું મને દુઃખ થાય. અહંકાર પાતળો - દૂબળો થતો જાય તેટલો હું પાતળો - દૂબળો થાઉં. અહંકાર નષ્ટ થાય તો હું નષ્ટ થઇ જાઉં. એટલા માટે માણસ ‘હું’પણાને, મારાપણાને, અહંકારને મજબૂત કરવા સતત કોશિશ કરતો રહે છે અને એટલા પ્રમાણમાં તે સંસારમાં ડૂબતો જાય છે. અહંકાર ઓગળી જાય તો માણસ સંસાર સમુદ્રમાં તરે. દીવામાં દિવેલ ખૂટે એટલે દીવો નિર્વાણ પામે, રાણો થઇ જાય. જીવનમાં અહંકાર તૂટે, ખૂટે તો જ માણસ નિર્વાણ પામે.
હું પણું, મારા પણું વિલીન થયા પછી જે કર્મ થાય તે કર્મ યજ્ઞ બની જાય. તે કર્મ બંધન ના બને. ‘હું’ પણામાં, મારા પણામાં બંધન પેદા થાય છે. જંજીરો સોનાની બનાવો તો પણ તે જંજીરો જ છે - બંધન છે. જેલની કોટડીની દીવાલોને ગમે તેટલી શણગારો તો પણ તે જેલ જ છે અને તમે તેમાં કેદી જ છો.
પોતાના વર્ણ - આશ્રમ અને પરિસ્થિતિ અનુસાર જે માણસનું જે શાસ્ત્રદ્રષ્ટિથી વિહિત કર્તવ્ય હોય તે તેને માટે યજ્ઞ જ છે. આ શાસ્ત્રવિહિત યજ્ઞનું સંપાદન કરવાના ઉદ્દેશ્યથી જે કર્મોનું આચરણ કરવું અર્થાત્ કોઈ પણ પ્રકારના સ્વાર્થનો સંબંધ રાખ્યા વગર માત્ર લોકસંગ્રહરૂપ યજ્ઞની પરંપરા સુરક્ષિત રાખવાને માટે જ જે કર્મોનું આચરણ કરવું તેને યજ્ઞને માટે કર્મોનું આચરણ (યજ્ઞાય આચરત: કર્મ) કહેવાય.
ઉપર્યુક્ત પ્રકારથી કર્મ કરનાર પુરુષના કર્મ તેને બંધનકર્તા થતા નથી. એટલું જ નહી પરંતુ જેવી રીતે ઘાસની મોટી ગંજીમાં નાખેલું નાનું સળગતું ઘાસનું ઉંબાડિયું સ્વયં બળીને નષ્ટ થઇ જાય છે અને ઘાસની મોટી ગંજીને પણ ભસ્મ કરી દે છે તેવી જ રીતે આસક્તિ, ફલેચ્છા, મમતા અને અહંકારના ત્યાગરૂપ અગ્નિમાં બાળીને કરેલું કર્મ પૂર્વસંચિત સમસ્ત કર્મો સહીત વિલીન થઇ જાય છે. પછી તેના કોઈ પણ કર્મમાં કોઈ પણ પ્રકારનું ફળ આપવાની શક્તિ રહેતી નથી. બળી ગયેલું કાથીનું દોરડું પોટલું બાંધવાના કામમાં આવતું નથી.