શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ ।
સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥ ૧૮॥

કર્મણિ અકર્મ યઃ પશ્યેત્ અકર્મણિ ચ કર્મ યઃ

સ: બુદ્ધિમાન્ મનુષ્યેષુ સ: યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્

અકર્મણિ - અકર્મમાં દેહાભિમાનીની અકર્મણ્યતામાં

કર્મ - કર્મભાવને (જાણે છે)

સ: - તે પુરુષ

મનુષ્યેષુ - મનુષ્યોમાં

બુદ્ધિમાન્ - બુદ્ધિમાન (છે)

કૃત્સ્નકર્મકૃત્ - (અને) સંપૂર્ણ કર્મોનો કરનારો (છતાં)

સ: - તે

યુક્તઃ - યોગી જ છે.

યઃ - જે પુરુષ

કર્મણિ - કર્મમાં (દેહેન્દ્રિયોની ક્રિયામાં)

અકર્મ - આત્માનો અકર્મભાવ

પશ્યેત્ - જુએ છે (જાણે છે);

ચ - અને

યઃ - જે પુરુષ

જે પુરુષ કર્મમાં અકર્મભાવ જુએ છે તેમ જ જે પુરુષ અકર્મમાં દેહાભિમાનીની અકર્મણ્યતામાં કર્મભાવને જાણે છે તે પુરુષ યોગી છે અને સર્વ કર્મ કરનારો છે. (૧૮)

ભાવાર્થ

કર્મમાં અકર્મને જુઓ:

ભમરડો તેની Highest Velocityથી, ખુબ જોરથી ફરતો હોય છે ત્યારે તે ઊંઘે છે તેમ આપણે કહીએ છીએ.

સૂર્યનારાયણ ગાઢ અંધકારને દૂર કરે છે છતાં પોતે કાંઈ કરતા નથી.

અકર્મમાં કર્મને જુઓ:

રેલવે એન્જીનમાં પુરાયેલ સ્ટીમ (steam) - વરાળ જરા પણ હાલતીચાલતી નથી, જરા પણ લીક થતી નથી અને તેનાથી ટ્રેન હજારો મણ વજનના ડબ્બાઓને હજારો માઈલો સુધી ખેંચી જઈ શકે છે.

આપણે મૉટે ભાગે પ્રતિકર્મ - reaction કરતા હોઈએ છીએ અને પ્રતિકર્મને - reactionને કર્મ સમજીએ છીએ. કોઈએ તમને ગાળ દીધી, તમે સામી ગાળ દીધી, આ કર્મ ના કહેવાય, પ્રતિકર્મ કર્યું કહેવાય.

કોઈએ પ્રશંસા કરી - તમે મુસ્કારાયા, આનંદિત થયા. આ કર્મ ના કહેવાય. પ્રતિકર્મ કર્યું કહેવાય.

આપણા કર્મ મૉટે ભાગે આપણી અંદરથી, સહજજાત - Sopntaneous નથી હોતા પરંતુ પરિસ્થિતિજન્ય, સાંયોગિક હોય છે. તે બધા પ્રતિકર્મ - reaction કહેવાય.

કોઈએ ધક્કો માર્યો - તમને ક્રોધ આવી ગયો.

કોઈએ ફૂલનો હાર પહેરાવ્યો - અહંકાર ખડો થઇ ગયો.

કોઈએ પ્રેમના શબ્દો કહ્યા - તમે ગદ્દગદિત થઇ ગયા.

આ બધા પ્રતિકર્મ કહેવાય, કર્મ નહીં.

કોઈએ ગાળ દીધી, તમે સામે ગાળ દીધી નહીં પણ દેવી પડી. ગાળ દીધી તે કર્મ કહેવાય, ગાળ દેવી પડી તે પ્રતિકર્મ કહેવાય.

કોઈએ ગાળ દીધી, તમે સામી ગાળ દઈ શકત છતાં ગાળ ના દીધી તો તે ગાળ ના દેવાનું તમે કર્મ કર્યું કહેવાય. પ્રતિકર્મ કર્યું ના કહેવાય. કર્મનો અર્થ સાહજિક - Spontaneous સ્વયંપ્રેરિત કર્મ. પ્રતિકર્મનો અર્થ પ્રેરિત - inspired, propelled, પરિસ્થિતિજન્ય, સાંયોગિક કર્મ.

બુદ્ધ ઉપર કોઈ થુંક્યો, તેમણે ક્રોધ ના કર્યો, પ્રતિકર્મ ના કર્યું. બીજે દિવસે પેલો માણસ પસ્તાવો કરી પગે લાગ્યો, માફી માંગી. બુદ્ધને માફી આપવાનું પ્રતિકર્મ ના કરવું પડ્યું.

પ્રતિકર્મ ગુલામી છે, જે બીજા ચાહે ત્યારે તમારી પાસે કરાવે છે.

જયારે અકર્મ બહુ મોટી ક્રાંતિ, ઘટના - mutation છે. કાંઈ પણ ના કરવું તે અકર્મ (Inaction) ના કહેવાય, એ તો અકર્મણ્યતા (Non-action) કહેવાય. કાંઈ પણ ના કરે, આળસુ થઈને પડ્યો રહે, કર્મનો સંપૂર્ણ ત્યાગ કરે તે તો અક્કરમી કહેવાય. (ગીતા - ૩/૪)

Inaction - આળસુ થઈને બેસી રહેવાથી નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થઇ ના ગણાય. એ તો માત્ર કર્મહીનતા કહેવાય, અક્કરમી કહેવાય. (ગીતા - ૩/૬)

રાત્રે પથારીમાં નિષ્ક્રિય પડી રહેલો માણસ કર્મહીન દેખાતો હોવા છતાં મનની અંદર અત્યંત સક્રિયતાથી ઘણા ગહન કર્મની જાળ પાથરતો હોય છે. રાતે ઊંઘમાં નિષ્ક્રિય દેખાતો માણસ અંદર સ્વપ્નાની અનેક જાળો ગૂંથતો હોય છે. દિવસે જે વ્યભિચાર વગેરે કર્મ નથી કરી શકતો તે રાત્રે સ્વપ્નાવસ્થામાં માણસ કરે છે. જયારે તમે બહારની ઇન્દ્રિયોના વ્યાપાર બંધ કરો છો ત્યારે તમે અંદર મનોમન ઘણું કર્મ કરો છો. તમે દેખાઓ છો કર્મહીન, પરંતુ અંદરખાને તમે અત્યંત સક્રિય છો. પલંગમાં હાથપગ લાંબા કરીને સુઈ જાઓ એ અકર્મ ના કહેવાય. તે વખતે તમારું મન બજારમાં ભમતું હોય છે, કોઈને ગાળો દેતું હોય છે, કોઈની પ્રશંસા કરતું હોય છે, ના જાણે કેટલાયે કર્મ કરતું હોય છે. જેટલું કર્મ તમે ભાડા ખર્ચીને, દોડી - દોડીને, ખૂબ વખત બગાડીને પણ ના કરી શકો તેટલું કર્મ તમે પલંગમાં પડ્યા પડ્યા, ભાડું ખર્ચ્યા વગર, દોડધામ કર્યા વગર, ટાઈમ બગાડ્યા વગર કરતા હો છો. એટલે કરીને તે અકર્મ ના કહેવાય,

રાત્રે તમે નિષ્ક્રિય થઈને શરીર ઢીલું કરીને પલંગમાં પડ્યા પડ્યા ઊંઘો છો ત્યારે પણ તમે સ્વપ્નાવસ્થામાં આખી રાત દોડાદોડ કરો છો, રડો છો, ચોરી-વ્યભિચાર-હત્યા વગેરે જે તમે દિવસ દરમ્યાન કરી શકતા નથી તે પણ રાત્રે સ્વપ્નાવસ્થામાં તમે કરો છો. આખી રાત તમારી ચેતના ગહન કર્મ કરી રહી હોય છે. એટલે તે વખતે પણ તમે અકર્મમાં છો એમ ના કહેવાય.

અકર્મ એટલે બાહ્ય ઇન્દ્રિયોથી નિયત કર્મ થતું હોવા છતાં અંતરના મનમાં કર્મફળની કોઈ કામના - વાસના - આસક્તિ - રાગદ્વેષ ના રહે અને માત્ર સમષ્ટિના કલ્યાણ માટે, ઈશ્વર પ્રીત્યર્થે, સ્વધર્મની ભાવનાથી જે કર્મ સ્વાભાવિક રીતે સહજભાવે થયા કરે તેનું નામ અકર્મ કહેવાય. આવી રીતે કર્મ અને અકર્મ વચ્ચેનો નાજુક અને સૂક્ષ્મ વિવેક સમજે છે તે જ બુદ્ધિમાન ગણાય છે એમ ભગવાન કહે છે.

અકર્મ એટલે આંતરિક મૌન. અંતરમાં કર્મના તરંગો ના ઉઠે, કર્મફળમાં આસક્તિ, રાગદ્વેષ, વાસના ના રહે, ના જામે, પરંતુ બહારથી કર્મનો અભાવ ના દેખાય તેનું નામ અકર્મ.

જયારે અંતરમાં કર્મની વાસના ઉઠે ત્યારે કર્તા બની જાય અને કર્તૃત્વ આવે ત્યાં જ ભોક્તૃત્વ આવે - પરંતુ કર્મફળની વાસના, આસક્તિ, રાગદ્વેષ અંતરમાં ના રહે તો કર્મનો કર્તા પણ ના બચે, કર્તા શૂન્ય થઇ જાય, માત્ર નિષ્કામ કર્મ જ રહે તેનું જ નામ અકર્મ.