કર્મનું (તત્ત્વ) જાણવું જોઈએ; અકર્મનું (તત્ત્વ) જાણવું અને વિકર્મનું (તત્ત્વ) પણ જાણવું જોઈએ; કેમ કે કર્મની ગતિ ગહન છે. (૧૭)
ભાવાર્થ
કિં કર્મ / કર્મ એટલે શું?
આ લોક અને પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેવી શાસ્ત્રવિહિત ઉત્તમ ક્રિયાને કર્મ - Prescribed action કહેવાય.
કિં વિકર્મ / વિકર્મ એટલે શું?
જેનું ફળ આ લોકમાં અને પરલોકમાં દુઃખદાયી હોય તેવી શાસ્ત્રનિષિદ્ધ ક્રિયાનું નામ વિકર્મ - Prohibited action કહેવાય.
કિં અકર્મ / અકર્મ એટલે શું?
જે કર્મ અગર કર્મત્યાગ કોઈ પણ ફળની ઉત્ત્પતિનું કારણ ન બને, જેને લીધે જન્મમરણના ચક્કરમાં ફસાવું ના પડે તેને અકર્મ - Inaction કહેવાય.
તેમ છતાં માત્ર મન, વાણી, અગર શરીરની સ્થૂળ ક્રિયા અગર અક્રિયાનું નામ કર્મ, વિઅકર્મ અગર અકર્મ નથી, પરંતુ કર્તાની ભાવનાને અનુસાર કોઈ પણ ક્રિયા પ્રસંગોપાત કર્મ, વિકર્મ અગર તો અકર્મના રૂપમાં પરિણીત થતી હોય છે.
દાખલા તરીકે:
(A) કર્મ:
સાધારણ રીતે વાણી શરીરથી થતી શાસ્ત્રવિહિત ઉત્તમ ક્રિયાને જ કર્મ (Prescribed action) કહેવાય. પરંતુ શાસ્ત્રવિહિત વિધિપૂર્વકની ક્રિયા પણ કર્તાના જુદા જુદા પ્રકારના ભાવો ઉપર આધાર રાખે છે. અને તેથી તે જ ક્રિયા કરનારની અમુક પ્રકારની ભાવનાને લીધે તે કેટલીક વખત કર્મને બદલે 'વિકર્મ' અગર તો 'અકર્મ' પણ બની જાય છે. જેમ કે -
૧. ફળની ઈચ્છાથી, શુદ્ધ ભાવનાપૂર્વક, જે શાસ્ત્રસંમત વિધિથી કર્મ કરાય તો તે ‘કર્મ’ - Prescribed action કહેવાય, પરંતુ
૨. તે કર્મ, ફળની ઈચ્છાપૂર્વક યજ્ઞ, દાન, તપ, સેવાના રૂપમાં વિધેય કર્મ હોવા છતાં જો ખરાબ દાનતથી પ્રજાનું અગર કોઈનું અનિષ્ટ કરવાની ઈચ્છાથી (પરસ્ય ઉત્સાદનાર્થ - ગીતા - ૧૭/૧૯) કરવામાં આવે તો તે કર્મ તમોગુણ પ્રધાન હોવાથી 'વિકર્મ' - Prohibited action બની જાય, જયારે,
(૩) તે જ કર્મ જો કર્તાપણાના અહંકાર સિવાય, અંગત રાગદ્વેષથી પ્રેરાયા વગર, સમષ્ટિના કલ્યાણ માટે ભગવદ્ પ્રીત્યર્થે નિષ્કામ ભાવે કરવામાં આવે તો તે કર્મ 'અકર્મ' - Inaction બની જાય છે.
(B) વિકર્મ :
સાધારણ રીતે મન - વાણી - શરીરથી કરાતી હિંસા, અસત્ય, ચોરી વગેરે શાસ્ત્રનિષિધ્ધ કર્મ 'વિકર્મ' (Prohibited action) કહેવાય છે. પરંતુ આવા વિકર્મ પણ કર્તાની ભાવના અનુસાર 'કર્મ' અગર 'અકર્મ'માં બદલાઈ જાય છે. જેમ કે -
(૧) આ લોક અને પરલોકમાં ફળ મળવાની ઈચ્છાપૂર્વક, સાચી દાનતથી, શુધ્ધ ભાવથી, જૂઠ, હિંસા, ચોરી વગેરે ક્રિયા (જે દેખીતી રીતે દુનિયાની દ્રષ્ટિએ વિકર્મ ગણાય) તે ગીતાની ભાષામાં 'કર્મ' કહેવાય. શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જૂઠું બોલવાની પ્રેરણા (Abetment) કરી, અર્જુને પોતાના ગુરુ દ્રોણની તથા દાદા ભીષ્મની હત્યા કરી છતાં આ ક્રિયાઓ વિકર્મ નહી ગણાતા તે 'કર્મ'માં બદલાઈ જાય છે.
(૨) કર્તાપણાના અહંકાર સિવાય, રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે કરેલું 'વિકર્મ' પણ 'અકર્મ' બની જાય છે. પ્રતિજ્ઞાનો ભંગ કરવો તે પાપ (વિકર્મ) કહેવાય છતાં શ્રીકૃષ્ણે પ્રતિજ્ઞાનો ભાગ કરીને યુદ્ધમાં શસ્ત્ર (રથચક્ર) પકડીને ભીષ્મ જેવા સત્યપ્રતિજ્ઞને મારવા દોડ્યા તે 'વિકર્મ' નહિ પરંતુ 'અકર્મ' ગણાય.
સ્ત્રીઓ અને બ્રાહ્મણોની હત્યા કરવી તે મહાપાપ (વિકર્મ) ગણાય છે છતાં રામ અને કૃષ્ણ બંનેએ તેમના બાળપણથી જ તાડીકા અને પૂતનાનો વધ કરીને તેમની સંહારક લીલાની શરૂઆત કરી. પવિત્ર પુલસ્ત્ય કુળનો બ્રાહ્મણ અને શિવજીના પરમ ભક્ત રાવણનું કુળસહિત નિકંદન કાઢી નાખ્યું છતાં તેમને જરાય પાપ ના લાગ્યું કારણ કે આ તેમનું 'અકર્મ' ગણાયું.
(C) અકર્મ:
મન - વાણી - શરીરથી તમામ ક્રિયાઓ બંધ કરી દઈએ તેને જ અકર્મ (Inaction) કહેવાય તેવું નથી. તેને તો નિષ્કર્મ (Non-action) આળસુ કહેવાય અને તમામ કર્મોનો ત્યાગ કરનાર તે અક્કરમી કહેવાય અને તેને નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય જ નહિ.
ઉપરોક્ત 'અકર્મ' પણ કરનાર કર્તાના હૃદયની ભાવનાફેરને લીધે કેટલીક વખત 'કર્મ' અગર 'વિકર્મ' બની જાય છે. જેમ કે -
૧. મન - વાણી - શરીરની તમામ ક્રિયાઓનો ત્યાગ કરીને એકાંતમાં બેઠેલો ક્રિયારહિત કોઈ સાધક પુરુષ પોતાને સંપૂર્ણ ક્રિયાઓના ત્યાગી તરીકેનો અહંકાર ધારણ કરીને દેખીતી રીતે તે કાંઈ પણ ક્રિયા નહીં કરતો હોવા છતાં કર્મત્યાગનો અહંકાર હોવાને લીધે તે ત્યાગરૂપ અકર્મ પણ 'કર્મ' બની જાય છે. તેણે કર્મત્યાગ કર્યાનું 'કર્મ' (Negative form of Action) કર્યું ગણાય.
૨, પોતાનું કર્તવ્ય પ્રાપ્ત થયું હોવા છતાં ભય અગર સ્વાર્થને લીધે અગર તો જવાબદારીમાંથી છટકવા માટે કર્તવ્ય કર્મથી મોઢું ફેરવી લે અને વિહિત (Prescribed) કર્મો ન કરે અગર તો ખરાબ દાનતથી લોકોને છેતરવા - ઠગવા માટે કર્મોનો ત્યાગ કરે તો દેખીતી રીતે તે કાંઈ પણ કર્મ નહીં કરતો હોવા છતાં તેનું અકર્મ દુઃખરૂપી ફળ ઉત્પન્ન કરનારું જ બને અને તે 'અકર્મ' પણ 'વિકર્મ' બની જાય.