શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ ।
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ ॥ ૮॥

નિયતમ્ કુરુ કર્મ ત્વમ્ કર્મ જ્યાય: હિ અકર્મણઃ

શરીર યાત્રા અપિ ચ તે ન પ્રસિદ્ધયેત્ અકર્મણઃ

(માટે)

કર્મ - કર્મ કરવું

જ્યાય: - શ્રેષ્ઠ છે

ચ - અને

અકર્મણઃ - કર્મ કર્યા વગર

તે - તારો

શરીરયાત્રા - શરીર નિર્વાહ

અપિ - પણ

ન પ્રસિદ્ધયેત્ - સિદ્ધ થશે નહીં.

ત્વમ્ - તું

નિયતમ્ - શાસ્ત્રે નક્કી કરેલા

કર્મ - સ્વધર્મરૂપ કર્મને

કુરુ - કર

હિ - કેમ કે

અકર્મણઃ - કર્મ ન કરવા કરતાં

તું ઇન્દ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર; કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ (કરવું) વધારે સારું છે; અને કર્મ નહીં કરવાથી તારો શરીરનિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. (૮)

ભાવાર્થ

મારે કર્મ કરવું જ નથી અને મારે તેનું ફળ પણ જોઈતું નથી. આ નરાતાર ઊંધાઈ કહેવાય. કર્મ ના કરવું એ તો માત્ર વંચના છે - Deception છે.

દરજી કહે કે હું કપડાં નહીં સીવું. સુથાર, કડિયો, કુંભાર, હજામ વગેરે કહે કે અમે અમારું નિયત કર્મ નહીં કરીએ અને તેનાથી મળતી મજૂરી પણ અમારે નથી જોઈથી તો સમાજમાં અંધાધૂંધી (Chaotic condition, Utter confusion) ફેલાય અને આખા સમાજને પેરેલિસીસ (Paralysis) થઇ જાય.

ચાતુર્વણ્યનું જે વિભાજન કર્યું છે તે Horizontal છે, Vertical નથી. તેમ કોઈ ઊંચ-નીચ નથી. એક ભંગી પણ જો નિષ્ઠાપૂર્વક પોતાનું નિયત કર્મ કરે તો તે શ્રેષ્ઠ છે. અને એક બ્રાહ્મણ જો નિષ્ઠા વગર તેનું નિયત કર્મ કરે તો તે કનિષ્ઠ છે.

અપવાદરૂપે કોઈ એક વિશ્વમિત્ર બ્રાહ્મણ મટીને ક્ષત્રિય થઇ જાય તે જુદી વાત છે. બાકી દરેક અર્જુન ક્ષત્રિય મટીને બ્રાહ્મણ - સંન્યાસી ના થઇ શકે. તેમાંય અર્જુન જેવો ક્ષત્રિય બીજો પૃથ્વી ઉપર ખોળ્યો ના જડે.

વર્ણાશ્રમ - વ્યવસ્થામાં અનંત જન્મોનું વિજ્ઞાન છે. ક્ષત્રિય હોવું તે અર્જુનના બહુ જન્મોનો સ્વધર્મ છે, એક જ જન્મનો નહીં. માણસ મરતી વખતે પોતાના સ્વધર્મને અનુકૂળ ગર્ભને ખોળી કાઢે છે.

તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્ ।

યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન ॥

(ગીતા - ૬/૪૩)

ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે કે શાસ્ત્રવિધિથી નિયત કરેલું શાસ્ત્રસંમત સ્વધર્મ કર્મ કરવું જ જોઈએ. શાસ્ત્રસંમત એ કર્મ તું કર જે અનંત અનંત સમયથી અનંત અનંત લોકો દ્વારા જાણવામાં આવેલા વિજ્ઞાનને અનુસાર છે. તારો આત્મા આજે જ ક્ષત્રિય છે એવું પણ નથી. ક્ષત્રિય હોવું તે તારા ઘણા જન્મોનો સ્વધર્મ છે. અને તેને લઈને તું ક્ષત્રિયકુળમાં પેદા થયો છું. આજે તું અચાનક તારા ક્ષત્રિયધર્મને છોડવાની વાત કરીશ તો તું માત્ર એક અસફળતા બની જઈશ અને તારી જિંદગી એક વિષાદ - Frustration બની જશે.