શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેઽર્જુન ।
કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમસક્તઃ સ વિશિષ્યતે ॥ ૭॥

ય: તુ ઈન્દ્રિયાણિ મનસા નિયમ્ય આરભતે અર્જુન

કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ્ અસક્તઃ સ: વિશિષ્યતે

અસક્તઃ - આસક્ત ન થતા

કર્મેન્દ્રિયૈઃ - કર્મેન્દ્રિયો વડે

કર્મયોગમ્ - કર્મયોગને

આરભતે - આરંભે છે.

સ: - તે

વિશિષ્યતે - શ્રેષ્ઠ છે.

તુ - પરંતુ

અર્જુન - હે અર્જુન !

ય: - જે પુરુષ

મનસા - મન દ્વારા

ઈન્દ્રિયાણિ - જ્ઞાનેન્દ્રિયોને

નિયમ્ય - વશ કરી

પરંતુ હે અર્જુન ! મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફલાસક્તિરહિત થઈને, જે કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે, તે અતિ શ્રેષ્ઠ થાય છે. (૭)

ભાવાર્થ

કામનાઓ - વાસનાઓથી ભરેલા મનને વશ કરવાથી એટલે કે મનનું શમન કરવાથી કર્મેન્દ્રિયો આપોઆપ વશમાં આવી જશે. કર્મેન્દ્રિયોની ભાંગફોડ કરવાથી અગર તો તેને નિર્બળ બનાવીને વશ કરવામાં કોઈ બહાદુરી નથી. ખરેખર તો આપણે વાસનાઓના ગુલામ બની જઈએ છીએ, ઇન્દ્રિયોના નહીં.

સંકલ્પ - Will power થી વાસનાઓ ઉપર પ્રભુત્વ મેળવો તો મન સહિત કર્મેન્દ્રિયો પોતાની માંગણીઓ તરત જ બંધ કરી દેશે. શરીર માંગે કે મારે ખાવું છે કે ઊંઘવું છે પરંતુ જો સંકલ્પ (Will power) ના પડે તો તરત જ ભૂખ, ઊંઘ ઉડી જાય. કર્મેન્દ્રિયો વાસનાના કહેવા પ્રમાણે દોડે છે. મન એટલે વાસનાઓનું જાળું. પરંતુ જો તમે સંકલ્પથી વાસનાઓને રોકો તો કર્મેન્દ્રિયો જરા પણ વાંધો નહીં લે. પછી તમારો સંકલ્પ કર્મેન્દ્રિયોને જેમ હુકમ કરશે તેમ તે કરશે.

સંકલ્પહીનતા જ નિકૃષ્ટતા છે. સંકલ્પવાન જ આત્મવાન થઇ શકે. આત્મ-અનુભવ સંકલ્પથી જ શરુ થાય છે. સંગઠિત સંકલ્પ (Integrated Will)નું નામ સમર્પણ છે. સમર્પણ એ સૌથી મોટો સંકલ્પ છે. અંતિમ સંકલ્પ તે સમર્પણ, મનનું પરમાત્મામાં સમર્પણ, મનનું અમન થવું. પછી કર્મેન્દ્રિયોના તમે સ્વામી છો, ગુલામ નથી.

સમર્પણ એટલે Total acceptability - Absolute surrender.

મનનું સમર્પણ કરવા માટે મન જોઈએ. ધનનો ત્યાગ કરવા માટે પ્રથમ ધનનું હોવું જરૂરી છે. ધન જ ના હોય તો ધનનો કેવી રીતે ત્યાગ કરો? તેમ મન ના હોય તો સમર્પણ શેનું કરો? સમર્પણમાં મન અમન થઇ જાય.

પરમાત્મા કહે છે કે 'બધું છોડી દે, મારી શરણ આવી જા' પરંતુ જે પાંચ પૈસા છોડી શકતો નથી અગર તો એક ફાટેલું કપડું છોડી શકતો નથી તે મનની કામનાઓ - વાસનાઓ છોડવાનો સંકલ્પ શું કરી શકવાનો? એટલા માટે સંકલ્પ ધર્મની પહેલી સાધના છે. અને સમર્પણ (surrender) અંતિમ સાધના છે.

સંકલ્પ Positive creative act છે જયારે ઇન્દ્રિયદમન Negative destructive Act છે. કલ્પવૃક્ષ સ્વર્ગમાં હશે પણ સંકલ્પવૃક્ષ તો દરેકની પાસે છે જ.