હે ભારત ! કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કરે છે, તેમ લોકસંગ્રહ કરવા ઇચ્છતા વિદ્વાન પુરુષે અનાસક્ત થઇ કર્મ કરવું. (૨૫)
ભાવાર્થ
જેમ અજ્ઞાની માણસ કર્તાપણાના અભિમાનથી તથા સ્વર્ગાદિક ફળની ઈચ્છાથી વ્યવહારિક કર્મો કરે છે તેમ લોકસંગ્રહ કરવાની ઈચ્છાવાળા જ્ઞાની પુરુષે કર્તાપણાના અભિમાનથી રહિત તથા ફળની ઈચ્છાથી રહિત થઈને શુભ કર્મો કરવા જોઈએ.
એવં કુર્વન્ સ્વયં તીર્ણ: પરાન્ અપિ તારયતિ |
આ પ્રમાણે કરવાથી જ્ઞાની પોતે તરે છે અને બીજાને પણ તારે છે. જ્ઞાનીઓને આચારથી લોકસંગ્રહ કરવો પરંતુ તત્ત્વજ્ઞાનના ઉપદેશથી અજ્ઞાનીઓને (સામાન્ય લોકોને) કર્મથી ચલાયમાન ન કરવા તેવું ભગવાન હવે પછીના શ્લોકમાં કહેશે.
'લોકસંગ્રહ' એટલે કે લોકકલ્યાણ, જનતાનું ભલું, રાષ્ટ્રીય ઉન્નતિ, લોકોનો અભ્યુદય, નિ:શ્રેયસ લોકકલ્યાણની સાધના કરવાના ઉદ્દેશથી જ્ઞાની મનુષ્યે લોકસંગ્રહના કર્તવ્યકર્મ કરવા જોઈએ. આવા જ્ઞાની પુરુષો, આગેવાનો, નેતાઓ જો લોકકલ્યાણના કર્મ કરવાનું છોડી દે તો આવા કર્મત્યાગથી પ્રજાનો નાશ કરવાનો દોષ તેમની ઉપર આવશે. એટલે જ્ઞાની મનુષ્યે કાંઈ સ્વાર્થ સાધવા માટે કર્મ ન પણ કરવા હોય તો પણ લોકોને બુદ્ધિભ્રંશથી બચાવવા માટે પણ તેણે કર્મ કરવા જોઈએ.
અજ્ઞાની (સાધારણ) માણસો ફળની આસકતીથી (સકતા:) કર્મ કરે છે અને તેથી તેઓ સકામ કર્મ ઘણી જ આતુરતા અને તત્પરતાથી કરે છે. જ્ઞાની માણસોએ (આગેવાનો - નેતાઓએ) પણ આવી જ અને એટલી જ તત્પરતાથી નિષ્કામભાવે કર્મો કરતા જ રહેવું જોઈએ અને તે કર્મોમાં તેનો અંગત સ્વાર્થ ના હોય તો પણ 'ચિકીર્ષુ: લોકસંગ્રહં' - લોકકલ્યાણ કરવાની ઈચ્છાથી પણ સતત કર્મ કરતા રહેવું જોઈએ.
મુખ્ય વાત એ છે કે જ્ઞાની પુરુષોએ કર્તાપણાના અહંકારરહિત થઈને લોકકલ્યાણના કર્મ કરવા જોઈએ.
અકર્તા રહીને કર્મ કરો. કર્મ ચાલ્યા કરે, કર્તા ના રહે, કર્તાપણાનો અહંકાર ના રહે.
હજારો માઈલની મુસાફરી કરવા છતાં હું તો મારી અંદર જ્યાં છું ત્યાં મારી જગ્યાએ જ છું. હું જરા પણ ચાલ્યો નથી એવું જ્ઞાની સમજે છે જયારે અહંકાર (ego) કહે છે કે 'હું' ચાલ્યો. આ ભાષની ભૂલ છે.
ભાષાની ભૂલ સાચી વાત
વીજળી ચમકે છે. ચમકવાનું નામ જ વીજળી છે.
વરસાદ વરસે છે. વરસવાનું નામ જ વરસાદ છે.
મને ભૂખ લાગી છે. ભૂખ પેટમાં લાગવાની ક્રિયા છે. હું તો તેનો સાક્ષી છું, દ્રષ્ટા છું.
પરમાત્મામાં અહંકાર નથી. કારણ કે પરમાત્મા એક જ છે. પરમાત્માની સમાન અગર પરમાત્માથી અધિક કોઈ નથી. 'હું' હોય તો જ 'તું' હોય અને 'હું' અને 'તું' બે દ્વંદ્વ હોય તો જ અહંકારનો જન્મ થાય.
માણસ જેટલો એકાંતિક બને તેટલો અહંકાર ઘટે; ઓછો થાય. એકલામાં અહંકારનું વિસર્જન. સુષુપ્તિમાં અહંકાર બિલકુલ નષ્ટ થઇ જાય. માત્ર આનંદ રહે. જાગ્રતમાં, દ્વંદ્વમાં અહંકાર પેદા થાય, આનંદ નષ્ટ થાય.
'હું' અને 'તું' પોલારિટી (polarity) છે. નેગેટિવ ઈલેક્ટ્રીસીટી પોઝિટિવ ઇલેકટ્રીસીટી વગર ના હોય. એકલી ના હોય અને Vice versa. પૃથ્વી ઉપર સ્ત્રીઓ વગર એકલો પુરુષ ના હોઈ શકે અને પુરુષો વગર એકલી સ્ત્રી ના હોઈ શકે. લાકડીના બે છેડાની માફક - એક છેડો ના રહે તો બીજો છેડો ના રહે. 'હું' ના રહે તો 'તું' ના રહે.
પરમાત્મા (અસ્તિત્વ) એક અને અખંડ છે. તેમાં 'તું' નથી એટલે 'હું' (અહંકાર) નથી. 'તું' નો ભાવ પહેલા પેદા થાય છે પછી જ અને તેથી જ 'હું'નો ભાવ પેદા થાય છે, પરમાત્માની જગત સાથે Organic unity છે; તેથી પરમાત્મા કોને 'તું' કહે ? હું મારા હાથને કે પગને 'તું' નથી કહેતો. કારણ કે મારા શરીરના તમામ અંગો સાથે મારી Organic unity તાદાત્મ્ય છે.
એવી જ રીતે જ્ઞાની પુરુષો સમાજના તમામ લોકો સાથે તાદાત્મ્ય કેળવે તો જ તેઓ નિષ્કામ ભાવે લોકકલ્યાણના - લોકસંગ્રહના કામો કરી શકે.
આ શ્લોકમાં 'યથા' અને 'તથા' આ બે શબ્દોનો પ્રયોગ કરીને ભગવાન એમ કહેવા માંગે છે કે અહંતા, મમતા, આસક્તિ અને કામનાનો સર્વથા અભાવ હોવા છતાં પણ જ્ઞાની પુરુષોએ માત્ર લોકસંગ્રહને માટે કર્માસક્ત મનુષ્યોની માફક જ શાસ્ત્રવિહિત કર્મોનું વિધિપૂર્વક સાંગોપાંગ અનુષ્ઠાન કરવું જોઈએ. વિદ્વાન જ્ઞાની પુરુષે અનાસક્ત રહીને અભિનયની માફક નાટકના રૂપમાં માત્ર સાક્ષીપણાથી દ્રષ્ટારૂપે લોકકલ્યાણના કર્મ કર્તાપણાના અહંકારરહિત, રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે કરવા જોઈએ.