Hindu deities Lord Krishna and Lord Rama in traditional attire, depicted in a divine scene with clouds in the background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

શ્રીભગવાનુવાચ । શ્રી ભગવાન બોલ્યા:

લોકેઽસ્મિન્ દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ ।
જ્ઞાનયોગેન સાઙ્ખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ ॥ ૩॥

લોકે અસ્મિન્ દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનઘ

જ્ઞાનયોગેન સાંખ્યાનામ્ કર્મ યોગેન યોગિનામ્

પુરા - પૂર્વે

પ્રોક્તા - કહેલી છે.

સાંખ્યાનામ્ - જ્ઞાનીઓની

જ્ઞાનયોગેન - જ્ઞાનયોગ વડે

યોગિનામ્ - કર્મયોગીઓની

કર્મયોગેન - (નિષ્કામ) કર્મયોગ વડે.

અનઘ - હે નિષ્પાપ (અર્જુન)

અસ્મિન્ - આ

લોકે - લોકમાં

દ્વિવિધા - બે પ્રકારે

નિષ્ઠા - નિષ્ઠા (બ્રાહ્મી સ્થિતિ)

મયા - મેં

હે નિષ્પાપ ! આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની, (એમ) બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે. (૩)

ભાવાર્થ

આ જગતમાં મનુષ્યજાતિએ જેટલું ચિંતન કર્યું છે તેને બે ધારાઓમાં, બે વિભાગોમાં વહેંચી શકાય.

૧. સાંખ્ય અર્થાત જ્ઞાનયોગ

૨. યોગ અર્થાત નિષ્કામ કર્મયોગ.

ભગવદ્ પ્રાપ્તિના બે મુખ્ય માર્ગો છે: જ્ઞાનયોગ (સાંખ્ય) અને નિષ્કામ કર્મયોગ. ભક્તિયોગ બંનેમાં અનુસ્યૂત છે. ભક્તિ સિવાયનું તો જ્ઞાન પણ નકામું અને કર્મ પણ નકામું. ભક્તિ વગરનું જ્ઞાન માણસને શુષ્ક વેદાંતી બનાવી દે અને તે તો માત્ર અહમ્ બ્રહ્માસ્મિનું તોતા રટણ જ કરતો ફરે. ભક્તિ વગરનું કર્મ માણસને આખી જિંદગી ગદ્ધા વૈતરું જ કરાવે અને તે પાપના પોટલાં જ ઉંચકતો ફરે. ભક્તિની ભીનાશમાં ભીંજવીને પછી તેમાં જ્ઞાનયોગનો સાબુ ઘાલે અને પછી તેની ઉપર કર્મયોગના ધોકા પડે ત્યારે જ અંતઃકરણનું પટ શુદ્ધ થાય.

આ શ્લોકમાં ભગવાન ભક્તિભાવથી ભરપૂર એવા સાંખ્ય (જ્ઞાન) અને યોગ (નિષ્કામકર્મ) એ બે માર્ગ - બે નિષ્ઠાઓનું પ્રતિપાદન કરે છે. બંને વિચારધારાઓની ચિંતન પ્રણાલી, સિસ્ટમ, સાધનાની પદ્ધતિ અલગ અલગ હોવા છતાં બંનેનું લક્ષ્ય, ગંતવ્યસ્થાન, ધ્યેય એક જ છે અને તે છે સત્યનો સાક્ષાત્કાર.

સાંખ્યની નિષ્ઠા છે કે સત્ય માત્ર જ્ઞાનથી જ જાણી શકાય છે. બીજું કઈ કરવાની જરૂર નથી. કૃત્યની, કર્મની કોઈ આવશ્યકતા નથી. પ્રયાસની, પ્રયત્નની, શ્રમની, સાધનાની કાંઈ પણ જરુરીયાત નથી. કારણ કે આપણે જે કાંઈ ખોયું છે તે ખોયું નથી - માત્ર તેની સ્મૃતિ જ ખોઈ છે. એટલા માટે તેની યાદ જ પર્યાપ્ત છે. રીમેમ્બરિંગ જ પર્યાપ્ત છે. કાંઈ કરવાનો તેમાં સવાલ જ નથી.

યોગની માન્યતા છે કે કાંઈ પણ કર્યા વગર કાંઈ પણ થઇ શકતું નથી. સાધન વગર ક્યાંય પહોંચી શકાય જ નહીં. કારણ કે અજ્ઞાનને પણ કાપવું પડશે અને અજ્ઞાનને કાપવા માટે પણ શ્રમ કરવો પડશે.

અજ્ઞાન કાંઈક એવું નથી, જેવું અંધારું છે કે દીવો સળગાવ્યો કે અજ્ઞાન ચાલ્યું જાય. અંધારું કાંઈક એવું છે કે જેમ એક આદમી જંજીરોથી બંધાઈ ગયો છે. માનો કે સ્વતંત્રતા તેનો સ્વભાવ છે તો પણ જંજીરો કાપ્યા વગર સ્વતંત્રતાના સ્મરણ માત્રથી તે મુક્ત ના થઇ શકે.

સાંખ્ય એમ માને છે કે અજ્ઞાન અંધારા જેવું છે, જંજીરો જેવું નથી; એટલા માટે દીવો સળગાવો કે તુરત જ અંધારું ચાલ્યું જાય. જ્ઞાન થયું કે તુરત જ અજ્ઞાન ગયું.

યોગ કહે છે અજ્ઞાનનું પણ અસ્તિત્વ છે તેને કાપવું જ પડે.

સાંખ્ય કહે છે કે જ્ઞાન પર્યાપ્ત છે, પરમ છે, (Ultimate) છે. સોક્રેટિસ કહે છે કે જ્ઞાન જ ચરિત્ર છે. બીજું કાંઈ કરવાનું નથી. જાણી લેવું એટલું જ બસ છે, જે આપણે જાણી લઈએ તેનાથી આપણે મુક્ત થઇ જઈએ.

કૃષ્ણમૂર્તિ કહે છે કે To know the false as false is enough. જ્ઞાન અપને આપમેં પૂર્ણ હૈ. કિસી કર્મકી કોઈ જરૂરત નહીં હૈ. કર્મ સ્વપ્નથી વધારે નથી.

ઘેટું જાણી ગયું કે હું સિંહ છું, પછી સિંહ થવા માટે તેને કોઈ ક્રિયાની, કોઈ વિધિવિધાનની, કોઈ Ritualsની જરૂર જ નથી, કારણ કે અસલમાં તો તે સિંહનું બચ્ચું હતું પરંતુ તેને પોતાના અસલ સ્વરૂપની વિસ્મૃતિ થઇ ગઈ હતી અને તેથી તે અજ્ઞાને કરીને ખોટી રીતે પોતાની જાતને ઘેટું માની બેઠું હતું.

જ્ઞાનીને કોઈ પણ યુદ્ધ જેવું ભયંકર કર્મ પણ ઝંઝટ નહીં લાગે. પરંતુ તેને દરેક કર્મ ખેલ, લીલા લાગશે. જ્ઞાનીને દરેક કર્મ ઉપાધિ નહીં પરંતુ સમાધિ લાગશે. બીજા અધ્યાયના સાંખ્યના ઉપદેશમાં અર્જુનને આ સમજાયું હોત તો ત્રીજા અધ્યાયના પહેલા બે શ્લોકોનો સવાલ થાત જ નહીં.

જ્ઞાનીને બધા સવાલોના જવાબ આપોઆપ મળી જ જાય એમ નહીં પરંતુ જ્ઞાની થતા જ તેના બધા સવાલો, પ્રશ્નો, સંશયો ખતમ જ થઇ જાય. જ્ઞાની થયો પછી સવાલ પૂછનાર અને જવાબ આપનાર કોઈ રહ્યો જ નહીં. જ્ઞાન એટલે મૌન, શૂન્ય, તેમાં કોઈ પ્રશ્ન ઉઠે જ નહીં.

સવાલ - સાંખ્ય અને યોગ બંને સ્વતંત્ર રીતે પોતપોતામાં પૂર્ણ છે કે એકબીજાના પૂરક છે કે એકબીજાના વિરોધી છે?

જવાબ - બંનેમાં વિરોધ નથી. પરંતુ બંનેની દિશા જુદી છે. ફળ એક જ છે. આ જગતમાં બે પ્રકારની વ્યક્તિઓ છે:

૧. અંતર્મુખી - Introverts જેના માટે સાંખ્ય માર્ગ (જ્ઞાનમાર્ગ) બરાબર છે. અને

૨. બહિર્મુખી - Extroverts જેના માટે યોગ (નિષ્કામ કર્મયોગ) માર્ગ બરાબર છે.

કર્મમાં બહાર જવું જરૂરી છે. જ્ઞાનમાં અંદર જવું જરૂરી છે. કર્મ બહાર થઇ શકે, અંદર ના થઇ શકે. એટલા માટે એવો કર્મઠ વ્યક્તિ ચંદ્રલોક સુધી જાય પરંતુ હૃદયાકાશમાં ના જઇ શકે. આમ બે પ્રકારની વ્યક્તિઓની સાધનાની પદ્ધતિમાં, સિસ્ટમમાં વિરોધ છે. પરંતુ સાંખ્ય અને યોગમાં કોઈ વિરોધ નથી. અંતર્મુખી માટે ધ્યાન એ જ ધર્મ બની જાય અને બહિર્મુખી માટે સેવા એ જ ધર્મ બની જાય. અર્જુન બહિર્મુખી છે, ઉદ્ધવ અંતર્મુખી છે. જૈનોના ચોવીસે તીર્થંકરો ક્ષત્રિય હતા છતાં અંતર્મુખી નીવડ્યા. પરશુરામ બ્રાહ્મણ હતા છતાં બહિર્મુખી નીવડયા. અર્જુન, ક્ષત્રિયનું વ્યક્તિત્વ બહિર્મુખી હોવાથી તે બ્રાહ્મણનું અંતર્મુખી વ્યક્તિત્વ સંન્યાસ લઇ શકે નહીં. એક વ્યક્તિ એકીસાથે બંને માર્ગ ઉપર ના ચાલી શકે. પોતાના નિજી વ્યક્તિત્વ પ્રમાણે ગમે તે એક માર્ગને તેણે સ્વધર્મ બનાવવો પડે.

બહિર્મુખી વ્યક્તિ છેવટે પૂર્ણને પકડે છે. અંતર્મુખી વ્યક્તિ છેવટે શૂન્યને પકડે છે. પૂર્ણ અને શૂન્ય બંને પરમાત્મા છે. મકાનને બહારથી પાડી દો તો અંદરથી પડી જાય અને અંદરથી પાડી નાખો તો બહારથી પડી જાય. બંને રીતે વિશાળ આકાશ ખુલ્લું થઇ જાય. મઠાકાશ મહાકાશમાં ભળી જાય.

બહિર્મુખી માણસ વિધાયક (Positive) ભાષામાં બોલે છે જયારે અંતર્મુખી વ્યક્તિ નિષેધાત્મક નેતિ નેતીની (Negative) ભાષામાં બોલે છે. બંને એક જ પરમાત્માની વાત કરે છે. બંનેના ઢંગ જુદા પરંતુ ઊપલબ્ધી એક જ. કાં તો બધું શૂન્ય થઇ જાય, કાં તો બધું સ્વીકૃત થઇ જાય, વાસુદેવ: સર્વમિતિ. કાં તો બધા બંધન તૂટી જાય, કાં તો બધા બંધન આત્મરૂપ બની જાય. બુદ્ધની સામે પરમાત્મા શૂન્ય(Nothingness) ના રૂપે પ્રગટ થાય જયારે અર્જુનને પરમાત્મા વિરાટ અનંતરૂપે દેખાય.

દીવાની વાટ બધું તેલ બાળી નાખે પછી પોતે પણ બળી જાય. અગ્નિની શીખા આખી વાટને બાળી નાખે પછી પોતે પણ બુઝાઈ જાય, નિર્વાણ પામે, મહાજ્યોતમાં ભળી જાય. તર્ક 'આ નહીં, આ નહીં, આ નહીં' કરતા કરતા શૂન્યમાં ભળી જાય. શ્રદ્ધા 'આ પણ ખરું, આ પણ ખરું, આ પણ ખરું' કરતા કરતા અનંતમાં ભળી જાય. તર્ક અને શ્રદ્ધા બંને ખતમ થઇ જાય ત્યારે એક જ મુકામ ઉપર આવી જાય.

આ શ્લોકમાં ભગવાન અર્જુનને 'હે અનઘ, હે નિષ્પાપ' એમ કહીને સંબોધન કરે છે.

પાપ માણસને જેટલું સતાવતું નથી, તેટલું 'મેં પાપ કર્યું છે' એ વિચાર માણસને સતાવે છે. જેને આપણે છુપાવીએ છીએ તે પાપ છે. જેને આપણે પ્રગટ કરીએ છે, જાહેર કરીએ છીએ પછી તે પાપ પણ પાપ રહેતું નથી.