હે જનાર્દન ! કર્મ કરતા જ્ઞાનને જો તમે વધારે સારું માન્યું છે, તો હે કેશવ ! તમે મને ઘોર કર્મમાં કેમ જોડો છો? (૧)
ભાવાર્થ
ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સાંખ્યયોગની (એટલે કે જ્ઞાનયોગની) વાત કહી. ભગવાને કહ્યું કે જે (આત્મજ્ઞાન) પ્રાપ્ત કરવા યોગ્ય છે તે તો સદા પ્રાપ્ત જ છે, જે જાણવા યોગ્ય છે તે તો સમીપથી પણ વધારે સમીપ છે, નિકટથી પણ વધારે નિકટતમ છે, જેને આપણે કદાપિ ખોયું જ નથી. કારણ કે તે તો આપણું પોતાનું સ્વરૂપ જ છે.
એટલે હવે અર્જુન પૂછે છે કે જો જે જાણવા યોગ્ય છે, જે પ્રાપ્ત કરવા યોગ્ય છે તે જો ખરેખર મળી જ ગયેલું છે અને જો જીવનની મુક્તિ અને જીવનનો આનંદ માત્ર જ્ઞાન ઉપર જ નિર્ભર છે તો પછી નાહકનો મને આ ઘોર હિંસાયુક્ત યુદ્ધ કાજે શા માટે દબાણ કરો છો?