શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

યજ્ઞશિષ્ટાશિનઃ સન્તો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ।
ભુઞ્જતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાત્ ॥ ૧૩॥

યજ્ઞશિષ્ટાશિનઃ સન્ત: મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ

ભુંજતે તે તુ અઘમ્ પાપા: યે પચન્તિ આત્મકારણાત્

પાપા: - પાપીઓ

આત્મકારણાત્ - પોતાના માટે જ

પચન્તિ - રાંધે છે.

તે - તેઓ

અઘમ્ - પાપને

ભુંજતે - ખાય છે. (ભોગવે છે)

યજ્ઞશિષ્ટાશિનઃ - યજ્ઞ શેષ અન્નને જમનારા

સન્ત: - શ્રેષ્ઠ પુરુષો

સર્વકિલ્બિષૈઃ - સર્વ પાપોથી

મુચ્યન્તે - મુક્ત થાય છે.

તુ - પરંતુ

યે - જે

યજ્ઞથી વધેલું જમનારા સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે, તેઓ પાપ જ ખાય છે. (૧૩)

ભાવાર્થ

યજ્ઞરૂપી કર્મથી દિવ્ય શક્તિઓ પ્રસન્ન થઈને વગર માગ્યે બધુંયે આપે છે. જીવનનું એક મૌલિક રહસ્ય છે કે જો માગશો તો નહીં મળે, જો નહીં માગો તો તે અનાયાસે મળશે. 'રહે જે દૂર માંગે તે, ન માંગે દોડતું આવે.'

જિસસે કહ્યું છે કે, 'First, seek the kingdom of God, and all else shall be added unto you.’ તમે પહેલા પ્રભુના રાજ્યને ખોળો અને બાકીનું બધું પછી તમને આપોઆપ મળી જશે. જીસસ જેને ‘Kingdom of God’ પ્રભુનું રાજ્ય કહે છે તેને જ શ્રીકૃષ્ણ દિવ્યશક્તિ, દેવતા વગેરે કહે છે.

યજ્ઞરૂપી કર્મથી જે કાંઈ પ્રાપ્ત થાય તે વહેંચીને ખાઓ. બીજાઓને પણ તેના ભાગીદાર (co-sharers) બનાવો.

જીવનનો એક નિયમ છે કે આનંદ જેટલો વહેંચો તેટલો વધે છે અને જેટલો રોકો તેટલો સડે છે. આનંદને કંજૂસની માફક તિજોરીમાં પૂરી દેશો તો તે બદબૂ મારશે. આનંદનું જીવન વિસ્તારમાં છે, ફેલાવમાં છે. દુઃખી માણસ સંતાતો ફરે, આનંદમાં માણસ પ્રિયજનો ભેગો ફરે.

બુદ્ધ દુઃખમાં હતા ત્યારે જંગલમાં ગયા. આનંદથી ભરાઈ ગયા ત્યારે શહેરમાં પાછા આવ્યા.

મહાવીર દુઃખી હતા ત્યારે પહાડોમાં ગયા. પરંતુ જીવનમાં આનંદ ભરાઈ ગયો ત્યારે તે જિંદગીના બજારમાં આવ્યા.

મહમ્મદ જયારે દુઃખી થયા ત્યારે પહાડોમાં ગયા પરંતુ જીવનમાં આનંદ ભરાતા દુનિયાની ભીડમાં આવીને ઉભા.

વાદળ જયારે પાણીથી ભરાઈ જાય છે ત્યારે વરસવા લાગે છે એવી જ રીતે આનંદ જયારે પ્રાણોમાં ભરાય છે ત્યારે વરસવા લાગે છે, વરસવું જ જોઈએ, અગર જો ના વરસે તો રોગ બની જાય.

યજ્ઞરૂપી કર્મથી જયારે દિવ્ય શક્તિઓ આપોઆપ અનાયાસે પ્રાપ્ત થાય ત્યારે કંજૂસ નહીં થવું. કબીર કહે છે, બંને હાથે ઉલેચો. ઓરડાની સામસામે આવેલી બંને બારીઓ ખોલી નાખો. એક બારી ખોલવાથી હવા નહીં આવે. Cross ventilation હોવું જરૂરી છે. એક બારીમાંથી પરમાત્મા તરફથી આનંદ પ્રાપ્ત થાય તે સામી બાજુની બારીએથી જગતમાં વહેંચો તો પ્રાણોમાં ચોખ્ખી હવા ફરતી રહેશે.

જીસસ કહે છે, 'જેની પાસે આપવાની હિંમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.' લઈને બેસી રહે, સંતાઈ જાય તે ચોર છે અને તે પોતે જ પોતાનો આત્મઘાતી છે.

આનંદ એક પ્રવાહરૂપે છે. તેને વહેતો રોકો તો તે આવતો બંધ થઇ જશે. જીવનની ગતિ સરકયુલર છે. તેમ આનંદની ગતિ પણ સરકયુલર છે. તે પરમાત્મામાંથી આવે છે અને પરમાત્મામાં મળે છે.

યજ્ઞશિષ્ટ અશિન: - યજ્ઞશેષ અન્નને જમનારા

ઘેર મહેમાન આવે ત્યારે ઘરમાં રાંધેલું ઘરના માણસો પહેલા ખાઈ લે અને પછી વધે તે મહેમાનને ખવરાવે તે પાપી છે. પહેલા મહેમાનને જમાડીને પછી તે ઘરના માણસો ખાય તે પવિત્ર ગૃહસ્થી ગણાય. મહંમદ કહેતા કે ઘરમાં રસોઈ બનાવો ત્યારે તે રસોઈની સુગંધી જ્યાં સુધી ફેલાય તે સર્વેને આપોઆપ જમવાનું આમંત્રણ મળી ગયું સમજો, તેમને બધાને જમાડીને જમજો.

જેણે પોતાના જીવનને યજ્ઞ બનાવી દીધું છે તેના તમામ યજ્ઞાર્થં કર્મ પરમાત્માને સમર્પણ થઇ જાય. પછી તે કર્મના ફળસ્વરૂપે જે પ્રાપ્ત થાય તે પરમાત્માની પ્રસાદીરૂપ ગણાય અને તે પ્રસાદીમાં પરમાત્માના બધા બાળકોનો ભાગ છે. યજ્ઞાર્થં કર્મના ફળસ્વરૂપે જે કાંઈ જ્ઞાન, ધન, અન્ન, શક્તિ જીવનમાં પ્રાપ્ત થાય તે બધું સમાજમાં વહેંચો અને તેમાં બચે તે પ્રસાદી રૂપે ભોગાવો. વધ્યું-ઘટ્યું રામલાને આપો છો તે રીતે નહીં.

આનંદ વહેંચી શકાય છે તે રીતે દુઃખ વહેંચી શકાતું નથી. કારણ કે દુઃખ લેવા કોઈ તૈયાર નથી.

Laugh, and the world will laugh with you.
Weep, and you weep alone.
For the grave old earth has sorrow enough of its own.

દુઃખી માણસ બીજાના સુખને જોઈને વધારે દુઃખી થાય છે. બીજાના સુખને જોઈને જે આનંદિત ના થાય તે અંદરખાને મહાદુઃખી હોવો જોઈએ. દુઃખી માણસ બીજાને દુઃખી કરવા કોશિશ કરે છે, અને તેમ તેમ પોતાનું દુઃખ વધતું જાય છે - જેમ આનંદ વહેંચવાથી પોતાનો આનંદ વધે છે તેમ.

બીજાના સુખમાં પોતે સુખનો અનુભવ કરવો એ જ આત્માની વિશાળતા, ચેતનાનો વિસ્તાર expansion of consciousness છે અને તેમાં જ પરમાત્માના આનંદની વર્ષા ઝીલી શકાય છે. આખા બ્રહ્નાંડ જેટલો આત્મા વિશાળ થાય તો જ બ્રહ્માનંદનો અનુભવ ઝીલી શકાય.