માટે ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તુ સારી રીતે કર; કેમ કે આસક્તિરહિત થઇ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે. (૧૯)
ભાવાર્થ
અસક્ત: એટલે અનાસક્ત. આ શબ્દ સમજવા જેવો છે. કારણ કે સાધારણ રીતે આપણા જીવનમાં અનાસક્ત હોવાનો અનુભવ આપણને હોતો જ નથી. આપણા અનુભવમાં માત્ર બે જ શબ્દો આવે છે:
૧. આસક્ત
૨. વિરક્ત
અનાસક્તનો આપણને બિલકુલ અનુભવ નથી.
We experience either attraction or repulsion.
આપણે કાં તો આકર્ષણ - Attractionથી પાગલ છીએ અથવા તો વિકર્ષણ - Repulsion થી પાગલ છીએ. અનાસક્તિ (Neither attraction nor repulsion) માં સાક્ષીભાવ, દ્રષ્ટાભાવ છે. આસક્ત અગર વિરક્ત થવું સહેલું છે. અનાસક્ત થવું અઘરું છે. બુદ્ધ 'અનાસક્ત'નો અર્થ 'ઉપેક્ષા' કરે છે. ઉપેક્ષા એટલે Indifference, વીતરાગ વૃત્તિ - ન રાગ, ન દ્વેષ.
આસક્ત ધન કમાવાનું કર્મ કરે છે. વિરક્ત ધન છોડવાનું કર્મ કરે છે. એક સીડી ચઢે છે અને બીજો સીડી ઉતરે છે - વિરુદ્ધ દિશામાં. આસક્ત ઉભા રહેવાનું કર્મ કરે છે, વિરકત શીર્ષાસનનું કર્મ કરે છે. એક સ્ત્રીની પાછળ પાછળ ભાગે છે, એક સ્ત્રીને દેખીને અવળો ભાગે છે. બંનેને માટે સ્ત્રી મહત્વપૂર્ણ - Significant છે. બંનેના ચિત્તમાં સ્ત્રીનો રાગ, રંગ (color) છે. બંનેના ચિત્તની રુગ્ણ, બીમાર અવસ્થા છે.
અનાસક્ત, સ્ત્રી - ધન વગેરેને સાક્ષીભાવે, દ્રષ્ટાપદે, ઉપેક્ષાવૃતિ, વીતરાગ વૃત્તિથી જુએ છે. તેનું ચિત્ત લાલાયિત અગર ચલિત થતું નથી. તે ગમા - અણગમા (Likes or dislikes) થી પર છે. આસક્ત પણ દુઃખી છે, વિરક્ત પણ દુઃખી છે, જયારે અનાસક્ત દુઃખથી પર છે.
મિત્ર આવે તો સુખ થાય, જતો રહે તો દુઃખ થાય. શત્રુ આવે તો દુઃખ થાય, જતો રહે તો સુખ થાય. આમ શત્રુ - મિત્ર બંને દુઃખદાયી છે.
બિછુરત એક પ્રાણ હરિ લેહી, મિલત એક દુઃખ દારુણ દેહી. (માનસ)
જયારે અનાસક્ત માણસ શત્રુ - મિત્ર પ્રત્યે સમાનભાવે કેળવે છે.
સમઃ શત્રૌ ચ મિત્રે ચ | (ગીતા - ૧૨/૧૮)
આસક્ત અને વિરક્ત બંને કર્મ કરતી વખતે તણાવ (Tension) અનુભવે છે. જયારે અનાસક્ત તેના કર્મમાં Meditation - concentration and attention without tensionનો અનુભવ કરે છે. અનાસક્તને માટે કર્મ એ ઉપાધિ નથી પરંતુ સમાધિ છે.
આસક્તના ચિત્તમાં અવારનવાર વિરક્તિની Fit આવવાની, વિરક્તિનો ભાવ પેદા થવાનો; જયારે વિરક્તના ચિત્તમાં કોઈ કોઈ વખત આસક્તિનું ભૂત ભરાવાનું, આસક્તિનો ભાવ (Fit) આવવાનો, અનાસક્તને એવું કાંઈ ના થાય. એના ચિત્તમાં સમત્વ - Equilibrium રહેવાનું, તે નિર્દ્વંદ્વ થવાનો. કર્મનો માત્ર સાક્ષી - દ્રષ્ટા બનીને તે અદ્વૈતને પ્રાપ્ત કરવાનો.
વિરક્તિને, વૈરાગ્યને ઘણા લોકો અનાસક્તિ સમજે છે તે ભૂલ છે.