માટે હે ભરતશ્રેષ્ઠ ! તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપી (કામ)નો ત્યાગ કર. (૪૧)
ભાવાર્થ
આ 'કામ' સંસારનું મૂળ છે. ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ 'કામ'નું અધિષ્ઠાન (રહેઠાણ) છે. જ્યાં સુધી આ ‘કામ’રૂપી શત્રુને ઇન્દ્રિયો, મન તથા બુધ્ધિરૂપી એના રહેઠાણમાં સત્તાથી પદભ્રષ્ટ કરી દાસ બનાવવાંમાં ના આવે ત્યાં સુધી આ કામ નિર્બળ થતો નથી. માટે તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કર. આ કામે ભગવાન શિવને મોહિનીથી, બ્રહ્માને પુત્રીથી, નહુષને ઇંદ્રાણીથી, ચંદ્રને રોહિણીથી, વિશ્વામિત્રને મેનકાથી તથા અનેક તપસ્વી યોગી તથા ઋષિમુનિઓને કામાંધ બનાવી શર્મિંદા કર્યા છે. તથા જ્ઞાનીનાં જ્ઞાનમાં, સાધુના ભેખમાં, તથા ગૃહસ્થીની ગૃહસ્થાઈમાં આ કામે ધૂળ ઘલાવી છે.
માટે તું પહેલા ઇન્દ્રિયોનો સંયમ કરીને જ્ઞાનવિજ્ઞાન નાશ કરનાર આ પાપીનો તું ત્યાગ કર. (અથવા નાશ કર)
આ શ્લોકમાં બે પ્રકારથી પરિચ્છેદ થાય છે.
૧.પ્રજહિહિ એટલે કે પરિત્યાગ કર, થોડે છેટે રાખ, ધર્મની આણમાં રાખ.
૨. પ્રજહિ એટલે કે મારી નાખ, નાશ કર
આમાં પહેલો પરિચ્છેદ 'પ્રજહિહિ' એટલે કે પરિત્યાગ કર, વધારે સુસંગત છે કેમ કે 'કામ'નો નાશ, સંપૂર્ણ નાશ, આરંભમાં ઇષ્ટ નથી પરંતુ એને ધર્મયુક્ત બનાવી દેવો ઇષ્ટ છે એટલા માટે એનો નાશ કરવા કરતા પહેલા તેને દૂર રાખવો યોગ્ય છે.
ઈન્દ્રિયાણિ નિયમ્ય એટલે ઈન્દ્રિયોનું નિયમન કરવાનું, મારી નાખવાનું નહીં. ઇંદ્રિયોની ભાંગફોડ નહીં કરવાની, નિયમન કરવાનું. મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને મારી નાખવાથી, તોડફોડ કરવાથી કામનાઓ, વાસનાઓ નહીં મરે. બીજને નષ્ટ કરવાથી ફાયદો નહીં થાય. બીજને ફળદ્રુપ ભૂમિમાં ધરબી દો, નિયમન કરો તો તેમાંથી વૃક્ષ પ્રગટ થશે અને બીજ એની મેળે નષ્ટ થશે, transformation થશે.
પ્રકૃતિને કચડવાથી (destruction) થી વિકૃતિ પેદા થશે. પ્રકૃતિને રૂપાન્તરિત (transformation) કરવાથી કામનામાં વિકૃતિ નહીં પરંતુ સંસ્કૃતિ આવશે.
બીજાની આંખો ફોડી નાખો તો અદાલત સજા કરે છે પરંતુ પોતાની આંખો પોતે ફોડી નાખે તો તેનું લોકો સન્માન કરે છે. આ મૂર્ખામીનો નમૂનો છે. પોતાની આંખો ફોડી નાખવી તે પણ હિંસા છે. ઇંદ્રિયોની ભાંગફોડ કરવાથી ઇન્દ્રિયો મરતી નથી પરંતુ વિકૃત થાય છે. ઈન્દ્રિયોનું, મનનું રૂપાંતરણ કરવાથી ઇન્દ્રિયો, મન આપોઆપ મરી જશે એટલે કે સંસ્કૃત થશે.
મનને મારવા જશો તો મન perverted થઇ જશે. Perverted mentality - વિકૃત માનસ થઇ જશે.મનનું રૂપાંતરણ કરશો તો મન સંસ્કૃત થઇ જશે. બાપ છોકરાને મારી નાખે તેથી છોકરો Obedient - આજ્ઞાંતિક થયો ના કહેવાય. મરેલો તો Obedient - અજ્ઞાંતિક જ દેખાય પરંતુ તે આજ્ઞાનું પાલન ના કરી શકે.
કર્તાપણું - ભોક્તાપણું છોડી દઈને સાક્ષીભાવે દ્રષ્ટાપદે રહીને ઇન્દ્રિયોથી કામ લો તો ઇન્દ્રિયો આપોઆપ વશમાં આવી જશે, જીવંત પણ રહેશે, મારવી નહીં પડે અને છતાં Obedient - આજ્ઞાંકિત રહેશે અને 'કામ' નામનો શત્રુ મરી જશે એટલે કે મિત્ર બની જશે. શત્રુને જાનથી (Physically) મારી નાખવા કરતા શત્રુને મિત્ર બનાવી દો તો શત્રુ મરી જશે, શત્રુપણું પણ મરી જશે અને તેમાંથી જ નવો મિત્ર ઉભો થશે.