તો પછી હે કૃષ્ણ, મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ બળાત્કારે જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? (૩૬)
ભાવાર્થ
માણસને પાપ કરવાની ઈચ્છા નહીં હોવા છતાં (અનીચ્છન્નપિ) તેને ધક્કા મારીને પરાણે (બલાત્) કોણ પાપ કરવાને પ્રવૃત કરે છે; કોણ તેને પાપ કર્મમાં જોતરી દે છે (નિયોજિત:) અર્જુનનો આ સવાલ ઘણો જ માર્મિક અને રહસ્યપૂર્ણ છે. કોઈને મેંશના ચાંલ્લા ગમતા નથી. સૌને કંકુના ચાંલ્લા ગમે છે. છતાં માણસ શા માટે મોઢે મેંશ ભૂંસાય એવા પાપકર્મો કરવા પ્રેરાય છે તે સવાલ મુદ્દાનો છે.
પરમાત્માના અંશ તરીકે જીવાત્મા અસલમાં આધ્યાત્મિક, શુદ્ધ અને પ્રકૃતિના તમામ પ્રપંચથી મુક્ત છે. માટે સ્વભાવથી તે ભૌતિક જગતમાં પાપોને વશ નથી. પરંતુ જયારે તે પ્રકૃતિના સંપર્કમાં આવે છે ત્યારે તે વિના સંકોચે અને કેટલીક વાર તો પોતાની ઈચ્છા વિરુદ્ધ પાપકર્મો કરતો થઇ જાય છે. આ માનવજીવનની નબળાઈ - Human weakness સંબંધી અર્જુનનો આ પ્રશ્ન ખરેખર તો ઉત્સાહપ્રેરક છે. કેટલીક વખત અનિચ્છાએ પણ જીવાત્માને પાપ કરવાની ફરજ પડે છે. અંતરમાં રહેલો પરમાત્મા તો કદાપિ કોઈ પણ રીતે જીવાત્માને પાપકર્મો કરવાની ફરજ પાડે જ નહીં. તો પછી જીવાત્માને પાપકર્મોમાં પ્રવૃત થવા પ્રેરણા કરનાર કોણ છે તે અર્જુન જાણવા માંગે છે.
આ સવાલ બધા ધર્મોએ ઉઠાવેલો છે અને તેઓ પોતપોતાની સમજણ પ્રમાણે જવાબ આપે છે. અલગ અલગ ચિંતકો અલગ અલગ જવાબ આપે છે. કેટલાક કહે છે કે આ જગતનો કર્તાહર્તા માત્ર પરમાત્મા જ છે અને તેની ઈચ્છા મુજબ જ બધું થાય છે. માણસ તો નિમિત્તમાત્ર છે અને તે કઠપૂતળીની માફક પરવશ થઈને પરમાત્માની ઈચ્છા મુજબ નાચે છે. માણસનું પોતાનું ધાર્યું કશું જ થતું નથી. Man proposes and God disposes. તો પછી માણસના તમામ પાપકર્મો માટે પણ પરમાત્મા જ જવાબદાર ઠરે. પરંતુ પરમાત્મા કાંઈ એવો ગાંડો - Whimsical નથી કે તે બેઠો બેઠો બધાને પાપ કરવાની પ્રેરણા કરે.
કેટલાક વળી કહે છે કે એક શેતાન (devil) છે જે માણસ પાસે પાપકર્મો કરાવે છે આનો અર્થ એવો થયો કે પરમાત્મા સિવાય બીજી કોઈ એક Parallel સત્તા છે અને પરમાત્મા કરતાંય આ શેતાન(devil) વધારે જોરદાર કહેવાય જેને પરમાત્મા પણ કાંઈ કહી શકતા નથી કે તેને કાંઈ સજા પણ કરી શકતા નથી.
આ રીતે જુદા જુદા ચિંતકોના જુદા જુદા જવાબો આવે છે પરંતુ તે બધા અધૂરા છે અને વૈજ્ઞાનિક નથી.
હવે આ પ્રશ્નનો સચોટ જવાબ પરમાત્મા વૈજ્ઞાનિક રીતે આપે છે તે સાંભળો.