શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસઙ્ગિનામ્ ।
જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્તઃ સમાચરન્ ॥ ૨૬॥

ન બુદ્ધિભેદમ્ જનયેત્ અજ્ઞાનામ્ કર્મસંગિનામ્

જોષયેત્ સર્વકર્માણિ વિદ્વાન્ યુક્તઃ સમાચરન્

ન જનયેત્ - ઉત્પન્ન કરવી નહીં (પણ પોતે)

યુક્તઃ - મન દઈને

સર્વકર્માણિ - સર્વ કર્મોને

સમાચરન્ - સારી રીતે આચરતો રહી (તેમને)

જોષયેત્ - કર્મોમાં જોડવા

વિદ્વાન્ - જ્ઞાની પુરુષે

કર્મસંગિનામ્ - કર્મોમાં આસક્તિવાળા

અજ્ઞાનામ્ - અજ્ઞાનીઓની

બુદ્ધિભેદમ્ - બુદ્ધિમાં ભેદ (કર્મોમાં અશ્રદ્ધા)

વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો; (પણ પોતે) જ્ઞાનયુક્ત છતાં સારી રીતે કર્મ કરતો રહી (અજ્ઞાનીઓ) પાસે સર્વ કર્મો કરાવવા. (૨૬)

ભાવાર્થ

કર્તાપણાના અહંકારથી તથા ફળની ઈચ્છાથી સકામ કર્મોમાં આસક્ત થયેલા એવા અવિવેકી મનુષ્યોની 'હું આ કર્મ કરીશ અને તેનું ફળ ભોગવીશ' એવા પ્રકારની બુદ્ધિ હોય છે. આ બુદ્ધિને ફેરવવી તે બુદ્ધિભેદ કહેવાય. જ્ઞાનીઓએ અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન નહીં કરવો એટલે કે તેમને તત્ત્વજ્ઞાનના ઉપદેશ વડે કર્મથી વિચલિત નહીં કરવા.

'આત્મા અકર્તા છે, આત્મા અભોક્તા છે, આ સર્વ બ્રહ્મ છે, સ્વર્ગાદિ સુખો ક્ષણિક છે અને અસત્ છે, જગત મિથ્યા છે' વગેરે વગેરે તત્ત્વજ્ઞાનના ઉપદેશ વડે જ્ઞાનીઓએ અજ્ઞાનીઓને શુભકર્મના અનુષ્ઠાનમાં અશ્રદ્ધા ઉપ્તન્ન કરી શુભ કર્મોથી ચલાયમાન નહીં કરવા જોઈએ. કારણ કે અજ્ઞાની મનુષ્યની શ્રદ્ધા શુભ કર્મથી ચલાયમાન થતા તે આ લોક અને પરલોક બંનેથી ભ્રષ્ટ થાય છે. પરંતુ જ્ઞાનીએ પોતાના આચારથી અજ્ઞાનીઓને શુભ કર્મમાં પ્રવૃત કરવા.

જ્ઞાનીએ કર્મમાર્ગમાં પ્રવૃત પુરુષોની બુદ્ધિમાં તત્ત્વજ્ઞાનના ઉપદેશથી વ્યામોહ ઉત્પન્ન નહીં કરવો પરંતુ શુભ કર્મોના અનુષ્ઠાનથી જયારે અજ્ઞાની પુરુષોના અંતઃકરણની શુદ્ધિ થાય ત્યાર પછી જ તેમને 'અકર્તા અને અભોક્તા આત્મા'નો ઉપદેશ આપવો.

યજ્ઞ, દાન, તપ વગેરે શુભ કર્મો સકામ - કર્મમાર્ગીઓ કરતા હોય તેમને કરવા દેવા જેથી કરીને તેમના અંતઃકરણની શુદ્ધિ થાય અને ત્યારે જ તે તત્ત્વજ્ઞાનનો ઉપદેશ ગ્રહણ કરવાને લાયક બને.

યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।

યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ॥

(ગીતા - ૧૮/૫)

સાધારણ મનુષ્યો કર્મના ફળમાં આસક્ત થઈને પણ જો તેઓ શુભ કર્મો કરતા હોય તો તેમને એવો તત્ત્વજ્ઞાનનો ઉપદેશ ન કરવો કે જેથી તેઓ શુભ કર્મોને છોડી દે પરંતુ જ્ઞાની પુરુષોએ આવા સકામ - કર્મમાર્ગીઓને તેમના સકામ શુભ કર્મોમાં એવી યુક્તિથી જોડવા (જોષાયેત્ સર્વ કર્માણિ) કે જેથી શુભ કર્મોમાં તેમની શ્રદ્ધા અને ભક્તિ ટકી રહે અને તે રીતે તેમના અંતઃકરણમાં પડેલા દોષો દૂર થાય અને તે રીતે તેઓ સન્માર્ગ પર આવી જાય.

જ્ઞાની માણસ સ્વયં યોગયુક્ત થઈને (યુક્ત: સમાચરન્) સમત્વ બુદ્ધિયોગ અનુસાર પોતાનું કર્તવ્યકર્મ કરે અને બીજા લોકો પાસે પણ શુભકર્મો એવી રીતે કરાવે કે જેથી તેઓ પ્રીતિપૂર્વક શ્રદ્ધાથી શુભ કર્મો કરે.

પરંતુ ખરી વાત એ છે કે પાગલખાનામાં બિન-પાગલ માણસને મજબૂરીથી રહેવાનું થાય તે વખતે તેની જેવી કફોડી સ્થિતિ થાય એવી સ્થિતિ વિદ્વાન (આત્મસ્વરૂપમાં સ્થિત) પુરુષની કર્મસંગી અજ્ઞાની પુરુષોના ભેગા રહેવાથી થાય છે. ત્યારે જ્ઞાનીને (બિન પાગલને) અજ્ઞાનીઓની (પાગલોની) માફક કર્મમાં (ગાંડપણમાં) જોડાવું પડે છે.

જ્ઞાની પોતાના જ્ઞાન અનુસાર ગમે તેટલું શુદ્ધ આચરણ કરે તો પણ અજ્ઞાનીઓના મનમાં ભ્રમ પેદા થાય છે.

કિમપિ શુદ્ધમ લોક વિરૃદ્ધમ, નાકરણીયમ નાચરણિયમ.

સતી દ્રૌપદીએ પાંચ પતિ કર્યા તેનો દાખલો અજ્ઞાની સ્ત્રીઓ લે તો શું દશા થાય? ઊની કઢી પણ ના પી શકતો હોય તેવો પામર માણસ ત્રણ ત્રણ વખત દાવાનળ કાળઅગ્નિ પી જનાર કૃષ્ણના જેવી લીલા ગોપીઓ સાથે ના કરી શકે.

કૃષ્ણમૂર્તિ કહે છે કે ગુરુની જરૂર નથી. તો તે વક્તવ્ય તેમને માટે બરાબર છે, અજ્ઞાનીઓ માટે નહીં. દયાનંદ સરસ્વતી શિવલિંગ ઉપર પગ મૂકીને સૂઈ જાય તે અપવાદ બીજાના ઉપદેશ માટે નથી. એટલા માટે અજ્ઞાનીઓ કરતા જ્ઞાનીઓ સમાજમાં કદાચ વધારે ઉપદ્રવ કરે છે.

સત્ય કહેવા જતા તેનું વિપરીત પરિણામ આવે તેવું હોય તો અજ્ઞાનીઓ સમક્ષ એવું સત્ય ઢાંકી રાખવું અને યોગ્ય સમયે અધિકાર પરત્વે તેમને તે સત્ય કહેવું.