શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

યે મે મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ ।
શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ ॥ ૩૧॥

યે મે મતમ્ ઈદમ્ નિત્યમ્ અનુતિષ્ઠન્તિ માનવાઃ

શ્રદ્ધાવન્ત: અનસૂયન્ત: મુચ્યન્તે તે અપિ કર્મભિઃ

મે - મારા

ઈદમ્ - આ

મતમ્ - મતને

અનુતિષ્ઠન્તિ - આચરે છે.

તે - તે પુરુષો

કર્મભિઃ - સઘળા કર્મોથી

મુચ્યન્તે - મુક્ત થાય છે.

શ્રદ્ધાવન્ત: - શ્રદ્ધાવાળા

યે અપિ - જે કોઈ

માનવાઃ - મનુષ્યો

અનસૂયન્ત: - અસૂયા (ગુણોમાં દોષબુદ્ધિ) રહિત થઈને

નિત્યમ્ - હંમેશા

જે મનુષ્યો મારા આ મતને દોષબુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી આચરે છે, તેઓ પણ કર્મના બંધનથી મુક્ત થાય છે. (૩૧)

ભાવાર્થ

ભગવાન કહે છે કે ફળની ઈચ્છાથી રહિત થઇ, ઈશ્વરાર્થે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી શાસ્ત્રોક્ત શુભ કર્મો કરવા તેવો મારો નિત્ય (અનાદિ) મત છે. જે વિવેકી મનુષ્ય શ્રદ્ધાવાળો થઇ તથા ગુરુસ્વરૂપ હું વાસુદેવ વિષે અસૂયાથી રહિત થઇ મારા આ મતને (શાસનને) અંગીકાર કરે છે, અને મારા આ અભિપ્રાય પ્રમાણે વર્તે છે તે અંતઃકરણની શુદ્ધિ દ્વારા તથા જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા કર્મબંધનથી (પાપ - પુણ્ય) મુક્ત થાય છે.

શ્રદ્ધા એટલે વિશ્વાસ (belief, faith) પણ નહીં, અને અવિશ્વાસ પણ નહીં, પરંતુ વિશ્વાસ તથા અવિશ્વાસ બંનેથી પર.

અવિશ્વાસ હોય તેને વિશ્વાસની જરૂર પડે.

અવિશ્વાસની અનુપસ્થિતિ (absence) નું નામ શ્રદ્ધા.

જે વિશ્વાસ કરે છે તે જૂઠી શ્રધ્ધામા, અંધશ્રદ્ધામાં ફસાય છે.

જેનામાં અવિશ્વાસ નથી તેનામાં સાચી શ્રદ્ધા પ્રગટ થાય છે.

વિશ્વસ હંમેશા બીજાઓ તરફથી મળે છે.

શ્રદ્ધા હંમેશા સ્વયંમાંથી પ્રગટ થાય છે.

વિશ્વાસ ઉધાર વસ્તુ છે, મરેલી છે - શ્રદ્ધા જીવંત છે.

વિશ્વાસ અને અવિશ્વાસ બંને તર્કથી જીવે છે.

શ્રદ્ધા તર્કથી પર છે. શ્રદ્ધામાં અનુભૂતિ છે.