પરંતુ જેઓ મારા આ મતનો દ્વેષ કરતા આ પ્રમાણે ચાલતા નથી, તે મૂર્ખાઓને તો તુ બધા જ્ઞાનમાં મૂઢ અને નષ્ટ થયેલા સમજ. (૩૨)
ભાવાર્થ
ભગવાન કહે છે કે જે અસૂયા કરનારા એટલે કે ગુણોમાં દોષદૃષ્ટિવાળા લોકો નાસ્તિકપણાથી કે અશ્રદ્ધાથી મારા ઉપરોક્ત મતને અંગીકાર કરતા નથી તેમને તુ દુષ્ટ ચિત્તવાળા (અચેતસઃ), જ્ઞાનહીન (સર્વજ્ઞાન વિમૂઢા:) અને સર્વ પુરુષાર્થથી ભ્રષ્ટ (નષ્ટ) થયેલા જાણ.
વિદ્યા, યૌવન, રૂપ, ધન, કુળ, જાતિ, અવસ્થા, બળ, શીલ, અને સત્તાથી ઉન્મત્ત થઇ ભગવાનના આ અત્યંત હિતકર કર્મયોગરૂપી ઉપદેશની અસૂયા કરી ઉપેક્ષા કરનારા આસુરી જીવો, લક્ષ્મીના મદથી ઉન્મત્ત થઇ દેવર્ષિ નારદની અવજ્ઞા કરનારા કુબેરપુત્રોની પેઠે, પુન: મનુષ્યાદિ ઉત્તમ દેહને નહીં પરંતુ યમલાર્જુનભાવને (વૃક્ષાદિ સ્થાવરભાવને) પ્રાપ્ત થાય છે. (જુઓ 'શ્રીમદ્ ભાગવત’ - ૧૦/૧૦/૨ થી ૭)