શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

અન્નાદ્ભવન્તિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવઃ ।
યજ્ઞાદ્ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મસમુદ્ભવઃ ॥ ૧૪॥

અન્નાત્ ભવન્તિ ભૂતાનિ પર્જન્યાત્ અન્ન સમ્ભવઃ

યજ્ઞાત્ ભવતિ પર્જન્ય: યજ્ઞઃ કર્મ સમુદ્ભવઃ

(કેમ કે )

પર્જન્ય: - વરસાદ

યજ્ઞાત્ - યજ્ઞથી

ભવતિ - થાય છે (અને)

યજ્ઞઃ - યજ્ઞ

કર્મસમુદ્ભવઃ - કર્મોથી થાય છે.

ભૂતાનિ - સઘળા પ્રાણીઓ

અન્નાત્ - અનાજથી

ભવન્તિ - ઉપજે છે.

અન્ન સમ્ભવઃ - અન્નની ઉત્પત્તિ

પર્જન્યાત્ - વરસાદથી થાય છે.

અન્નથી પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. (૧૪)

ભાવાર્થ

પ્રકૃતિ અને મનુષ્ય એકબીજાના દુશ્મન નથી. પરંતુ પરિવારના અંગ છે. એટલા માટે આપણે પ્રકૃતિને 'મા' કહીએ છીએ, પૃથ્વીને માતા કહીએ છીએ, સૂર્યને પિતા કહીએ છીએ, સૂરજદાદા - ચંદ્રને મામા કહીએ છીએ. આ એક માત્ર કાવ્ય જ નથી, પરંતુ જીવનની સમગ્રીભૂત દ્રષ્ટિ, આખું જગત એક પરિવાર Ecology છે એ દ્રષ્ટિ છે.

પશ્ચિમના દાર્શનિકો (દા.ત. બટ્રાન્ડ રસેલ જેણે ‘Conquest of Nature’ પ્રકૃતિ ઉપર વિજય નામનું પુસ્તક લખ્યું છે) પ્રકૃતિ ઉપર વિજય મેળવવા પ્રયાસ કરે છે. જયારે કણાદ, કપિલ, મહાવીર, બુદ્ધ વગેરે પ્રકૃતિ ઉપર વિજય નહીં પરંતુ સહયોગની વાત કરે છે, કારણ કે પ્રાણીમાત્ર પ્રકૃતિનો હિસ્સો (by-product) છે. આપણો એક હાથ કે એક પગ આખા શરીર ઉપર વિજય મેળવવાનો વિચાર કરે જ નહીં, કારણ કે હાથ અગર પગ વગેરે શરીરનો જ એક ભાગ છે; હિસ્સો છે. પ્રકૃતિ સાથે સંઘર્ષ (conflict)માં ઉતરીને તેની ઉપર વિજય મેળવવો તે પાગલપણું છે જે પશ્ચિમ કરી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથેના સહકારની ભાવના રાખે છે. પ્રકૃતિ 'મા' છે, દુશ્મન નથી. પ્રકૃતિ અને પરમાત્મા એક વસ્તુના બે નામ છે. પરમાત્મા પિતા છે.

નિર્ગુણ સોઈ જો પિતા હમારે, સગુણ હૈ મહત્તારી

કિસકુ બંદુ કિસકુ નિંદું, દોનો પલડાં ભારી.

અન્નથી મનુષ્ય થાય છે. અન્ન પદાર્થ નથી, પરમાત્મા છે. અન્નો વૈ બ્રહ્મ |

શરીર અન્નનું બનેલું છે. માતાપિતા જે અનાજ ખાય છે. તેનું રજવીર્ય બને છે. આ રજવીર્ય માના ગર્ભમાં મળે છે અને પછી મા જે અનાજ ખાય છે તેના રસકસ ચૂસીને આ ગર્ભ માતાના ઉદરમાં વિકાસ પામે છે. જન્મ પછી પણ બાળક અન્ન ખાઈને મોટો થાય છે. એટલે આ શરીર અન્નનો (દાળ-ભાત-શાકનો) લોચો જ છે. તેથી શરીરને અન્નમય કોષ કહેવાય છે.

અન્ન વરસાદથી પેદા થાય છે. અહીં જીવન અને પ્રકૃતિની ગહન જોડ છે. વરસાદ વાદળમાંથી આવે છે. વાદળ નદી-સમુદ્રમાંથી આવે છે. મનુષ્ય અને આકાશમાં ચાલનાર વાદળ વચ્ચે આત્મિક સંબંધ છે. કરોડો ગેલન પાણી સમુદ્રમાં સંઘરીને તેને બાષ્પીભવનની પ્રક્રિયાથી આકાશમાં વાદળમાં શુદ્ધ (distilled-crystal clear) પાણી તૈયાર કરવાનો મહાયજ્ઞ સૂર્ય અને સમુદ્ર સતત કરી રહ્યા છે. અને આવા યજ્ઞ (નિષ્કામ કર્મ)થી પર્જન્ય (વરસાદ) થાય છે. મનુષ્ય અને આકાશમાં ચાલનાર વાદળો વચ્ચે ઘનિષ્ઠ આત્મિક સંબંધ છે. વરસાદ અમારી કામનાઓ, આકાંક્ષાઓ, ભૂખ-તરસને સંતુષ્ટ કરવા આવે છે. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે નિકટનો આંતરિક સંબધ (communication, harmony) સંતુલન છે, એક જ પરિવાર - ecology છે.

તિબેટના એક ગામડામાં મેલેરિયા નાબૂદ કરવા ડી.ડી.ટી. છાંટ્યું તેથી મચ્છરો મરી ગયા. સાથે સાથે બિલાડીઓ પણ મરી ગઈ અને તેથી ઉંદરો વધી પડ્યા. તેનાથી (મેલેરિયા ગયો પણ) ગામમાં પ્લેગ પેસી ગયો. પ્લેગ કાઢવા બિલાડીઓ બહારગામથી લાવ્યા. તેનાથી ઉંદરો ગામ બહાર ગયા અને મચ્છરો પાછા ગામમાં પેસી ગયા.

પ્રકૃતિ તેના નિયમ પ્રમાણે કામ કરે છે. તેની ઉપર વિજય મેળવવા કરતા સહકાર મેળવો. એસ્પ્રો ખાવાથી માથાનું દર્દ કામચલાઉ મટે પરંતુ હાર્ટએટેકનું દર્દ ઉભું થઇ જાય. પ્રકૃતિ ઉપર વિજય મેળવવા જતા નવો પરાજય મળશે.

ઇકોલોજીનો મતલબ જિંદગી એક પરિવાર છે. તેમાં બધી વસ્તુઓ જોડાયેલી છે, સંયુક્ત છે. Joint family છે. સડક ઉપર પડેલો એક પથ્થર પણ તમારી જિંદગીનો હિસ્સો છે. ઝાડ કાપી નાખશો તો વરસાદ નહીં આવે. જીવન એક સંયુક્ત ઘટના છે. આકાશમાં ચાલતા વાદળ, સૂર્ય વગેરે તમારા પ્રાણની ધડકન સાથે જોડાયેલા છે. અને તમારા હૃદયના કોઈ હિસ્સાથી સંયુક્ત છે. સૂર્ય દસ કરોડ માઈલ દૂર હોવા છતાં એક ઇંચ પણ આઘોપાછો થાય તો આપણે ઠરી જઈએ અગર બળી જઈએ.

પદાર્થ (પ્રકૃતિ) અને પુરુષ (ચેતના)માં કોઈ બુનિયાદી ભેદ નથી. પદાર્થથી જ આત્મા બને છે. અન્નથી લોહી, હાડકા, ચેતના, હોશ, બુદ્ધિ બને છે. અન્ન તેવું મન, પાણી તેવી વાણી. દરેક પદાર્થ માત્ર જડ પદાર્થ નથી. તેમાં પણ છુપાયેલો - Latent - ગુપ્ત આત્મા છે.

યજ્ઞથી વરસાદ થાય છે. યજ્ઞ એટલે માત્ર ઘઉં, જવ, તલ, ઘી અગ્નિમાં હોમવું એટલો ટૂંકો અર્થ નથી. પરમાત્મા પ્રીત્યર્થે, પરમાત્માને સમર્પિત કરેલું એકેએક નિષ્કામ કર્મ યજ્ઞ છે. પૃથ્વી, નદી, દરિયો, વાદળ, વૃક્ષો સતત નિષ્કામ કર્મ કરે છે તે યજ્ઞ જ છે. અને તેથી વરસાદ થાય છે.

સમાજના બધા સ્તરના લોકો નિષ્કામ કર્મ (યજ્ઞ) કરે તો પ્રકૃતિ તેને પ્રચૂર અને સંતોષ થાય તેટલો વરસાદ અને અન્ન જરૂર આપે. આજે અનાજ વગેરેની તંગી છે તેનું કારણ માત્ર એટલું જ નથી કે વસ્તી વધી ગઈ છે અગર તો પૃથ્વીની અનાજ પેદા કરવાની ક્ષમતા ઘટી ગઈ છે અગર તો આપણે વૈજ્ઞાનિક રીતે ખાતર - સિંચાઈ વગેરેનો ઉપયોગ કરતા નથી. પરંતુ તેનું મુખ્ય કારણ માણસ નિષ્કામ કર્મ (યજ્ઞ) દ્વારા પ્રકૃતિ સાથે દોસ્તી, નદીઓ સાથે પ્રેમ છોડીને પ્રકૃતિ ઉપર વિજય મેળવવા તેની સામે દુશ્મનાવટ કરે છે. નદી, સૂર્ય વગેરેને નમસ્કાર કરતા પણ શરમાય છે.

બીજું કારણ એ છે કે પ્રજાની અને રાજાની દાનત બગડી છે. કલાપીએ 'ગ્રામ્ય માતા' નામની કવિતા તેના 'કેકારવ'મા લખી છે તે વાંચી જજો. તેમાં એક રાજાની, શેરડીના ખેતરમાં શેરડીનો એક ગ્લાસ રસ પીતાં પીતાં, દાનત બગડી કે આ ગરીબ ખેડૂત આટલી બધી શેરડી પકવે છે તો હું તેની પાસેથી ટેક્સ કેમ ના લઉ? આવો ખોટો વિચાર કરીને રસનો બીજો પ્યાલો ભરી દેવાનું કહ્યું પરંતુ ફરીથી શેરડીમાંથી રસ ના નીકળ્યો.

બીજું પ્યાલું ભરી દેને લાગી છે મુજને તૃષા

કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની;

એકે બિંદુ પણ રસ તણું કેમ હાવાં પડે ના,

શું કોપ્યો છે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી;

બોલી માતા ફરી ફરી છૂરી ભોંકતી શેલડીમાં.

રસહીન ધરા થઇ છે, દયાહીન થયો નૃપ.

નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી.

રાજાની દાનત છે પ્રજાને ટેક્સ નાખીને ચૂસવી અને કાળાબજારિયા લોકોની દાનત છે સરકારને ટેક્સ ના આપવો. પરિણામે પૃથ્વીમાતા બીજ સંતાડે છે. આ હકીકત 'શ્રીમદ્ ભાગવત'માં પૃથુરાજાની કથામાં વ્યાસ નારાયણે સ્પષ્ટ જણાવી છે જે વાંચી જવા વિનંતી છે.