શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્ભવમ્ ।
તસ્માત્સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ્ ॥ ૧૫॥

કર્મ બ્રહ્મોદ્ભવમ્ વિદ્ધિ બ્રહ્મ અક્ષરસમુદ્ભવમ્

તસ્માત્ સર્વગતમ્ બ્રહ્મ નિત્યમ્ યજ્ઞે પ્રતિષ્ઠિતમ્

તસ્માત્ - માટે

સર્વગતમ્ - સર્વ વ્યાપક

બ્રહ્મ - પરમાત્મા

યજ્ઞે - યજ્ઞમાં

નિત્યમ્ - હંમેશા

પ્રતિષ્ઠિતમ્ - રહેલા છે.

કર્મ - તે કર્મ

બ્રહ્મોદ્ભવમ્ - વેદે નક્કી કરેલા

વિદ્ધિ - જાણ

બ્રહ્મ - વેદ

અક્ષરસમુદ્ભવમ્ - અવિનાશી (પરમાત્મા)થી ઉપજેલા છે.

કર્મને વેદથી ઉપજેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થયેલ છે; માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે. (૧૫)

ભાવાર્થ

કર્મ બ્રહ્મોદ્ભવમ્ વિદ્ધિ

નિષ્કામ કર્મ બ્રહ્મ(વેદ)થી ઉત્પન્ન થયેલું જાણો - વેદ એટલે જ્ઞાન (ચોપડી નહીં). જ્ઞાન સતત ગતિમાન - Dynamic હોય, ચોપડીની માફક - Static ના હોય. કરોડો-અબજો ચોપડીઓમાં પણ જ્ઞાન સમય નહીં.

બ્રહ્મ (વેદ) અક્ષર (જ્ઞાન) સમુદ્ભવમ્

વેદને તું એવા જ્ઞાનથી ઉત્પન્ન થયેલું જાણ.

વેદો પરમાત્માએ રચ્યા છે એવું આપણે કહીએ છીએ તે તો માત્ર સાંકેતિક(symbolic) છે. પરમાત્મા કોઈ ચોપડી લખતા નથી. તેમને કોઈ ચોપડી લખવાની જરૂર પણ નથી. પરંતુ પરમાત્મા (જ્ઞાન, બોધસ્વરૂપ) ઘણી બધી ચેતનાઓમાં ઉતરે છે. અને તેમના સ્ફટિક જેવા શુદ્ધ (Transparent) હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ પડે છે. જે ચેતનાઓ પોતપોતાનો અહંકાર વિદાય કરવામાં સમર્થ થાય અને તેમના હૃદયમાં કામનાઓ અને વાસનાઓના ડાઘા, ઓઘરાળા સાફ થઇ ગયા હોય (નિર્ધૂતકલ્મષા:, પૂતપાપા:) તેમનામાં પરમાત્મા (જ્ઞાન) ઉતરી આવે છે અને એવી ચેતનાઓ જે કાંઈ બોલે અગર લખે તે વેદ કહેવાય. નરસિંહ, કબીર, નાનક વેદમાં વાંચીને બોલતા નથી પરંતુ તે લોકો જે કાંઈ બોલ્યા અગર લખી ગયા તે વેદ કહેવાય. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રામતીર્થ, રમણ મહર્ષિ, મહંમદ, જીસસ, બુદ્ધ, મહાવીર જે બોલ્યા અને તેમના લખાયેલા પુસ્તકો (વેદો) આપણે પરમાત્મા દ્વારા લખાયેલા કહીએ છીએ. પરમાત્માએ તેમની અંદર ઉતરીને જે જણાવ્યું અને તેમને જે જણાયું તે જ તેમણે લખ્યું. ઉપનિષદોના ઋષિઓના પવિત્ર નિષ્પાપ - Transparent હૃદયમાં ઉતરીને પરમાત્માનું જ્ઞાન જે તેમને જણાયું તે તેમણે સાંભળ્યું તે શ્રુતિઓ બની અને તેમાંનું જે તેમને સ્મૃતિમાં રહ્યું તે સ્મૃતિઓ કહેવાઈ. એટલે ઉપનિષદોનો લખનાર ઋષિ કહેતો નથી કે હું આ ચોપડી (વેદ)નો લેખક છું. તે તો કહે છે કે હું તો માધ્યમ (Medium) નિમિત્ત છું, લેખક પરમાત્મા છે, જયારે કોઈ પણ વ્યક્તિની અંદર જ્ઞાન ઉતારે છે તો તે જ્ઞાન પરમાત્મામાંથી ઉતરે છે.

જ્ઞાન પરમાત્માનો સ્વભાવ છે, અજ્ઞાન અહંકારનો સ્વભાવ છે.

કર્મ બે પ્રકારના છે:

૧. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું કર્મ જે આપણે કરીએ છીએ.

૨. જ્ઞાનથી ઉત્પન્ન થયેલું કર્મ જેની ભગવાન આ શ્લોકમાં વાત કરે છે.

૧. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું કર્મ તે 'કર્મ' કહેવાય જેમાં કર્તા અને અહંકાર બંને મોજૂદ છે. કર્તાપણાના અહંકારથી કરેલું, 'હું કરું, હું કરું' એ જ અજ્ઞાનજતિન કર્મ છે. અને તેમાં અહંકાર અને અજ્ઞાનની સંયુક્ત ઘટના છે. જ્યાં અજ્ઞાન હોય ત્યાં અહંકાર હોય જ. જ્યાં અહંકાર હોય ત્યાં અજ્ઞાન હોય જ. બંને એક સાથે જ રહે, એકલા રહી ના શકે. અજ્ઞાન જતું રહે તો અહંકાર આપોઆપ નષ્ટ થઇ જાય. અહંકાર જતો રહે તો અજ્ઞાન આપોઆપ નષ્ટ થઇ જાય.

જ્ઞાન અને નિરહંકારની સંયુક્ત ઘટના છે.

(૨) 'યજ્ઞ' એ જ્ઞાનથી ઉત્પન્ન થયેલું કર્મ છે. જેણે 'ગીતા'માં 'નિષ્કામ કર્મ' અગર તો 'અકર્મ' કહે છે. યજ્ઞરૂપી કર્મ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાન પરમાત્માથી ઉત્પન્ન થાય છે. માટે તમામ યજ્ઞમાં (નિષ્કામ કર્મમાં) પરમાત્મા પ્રતિષ્ઠિત છે, રહેલા છે.

જે કર્મથી બંધન, દુઃખ, સંતાપ, પીડા પેદા થાય તે અજ્ઞાન જનિત કર્મ. જે કર્મથી બંધન પેદા ના થાય અને આનંદ પ્રાપ્ત થાય તે જ્ઞાનજનિત કર્મ (નિષ્કામ કર્મ - યજ્ઞ) અહંકાર ના હોય તો જ જ્ઞાનજનિત કર્મ થાય અને અહંકાર ના હોય તો પરમાત્મા હોય જ.

અહંકારની અનુપસ્થિતિ તે પરમાત્માની ઉપસ્થિતિ બની જાય છે. જે દિવસે અહંકાર મટે તે જ દિવસે પરમાત્મા પ્રગટ થાય.