શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

ઈષ્ટાન્ભોગાન્હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ ।
તૈર્દત્તાનપ્રદાયૈભ્યો યો ભુઙ્ક્તે સ્તેન એવ સઃ ॥ ૧૨॥

ઈષ્ટાન્ ભોગાન્ હિ વ: દેવા: દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ

તૈ: દત્તાન્ અપ્રદાય એભ્ય: ય: ભુંકતે સ્તેન: એવ સઃ

એભ્ય: - એમને

અપ્રદાય - આપ્યા સિવાય

ય: - જે

ભુંકતે - ભોગવે છે.

સઃ - તે

હિ - ખરેખર

સ્તેન: - ચોર

એવ - જ (છે)

યજ્ઞભાવિતાઃ - યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા

દેવા: - દેવતાઓ

વ: - તમને

ઈષ્ટાન્ - ઇચ્છિત

ભોગાન્ - ભોગો

દાસ્યન્તે - આપશે

તૈ: - તે (દેવોએ)

દત્તાન્ - આપેલા (ભોગો)

પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહ્યું: 'આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો. એ તમારી ઇચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ.' (૧૦)

આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરે; પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણ પામશો. (૧૧)

કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશે; (પરંતુ) તેમણે આપેલા (ભોગો) તેમને નહીં આપી જે (પોતે જ) ભોગવે છે તે ચોર જ છે. (૧૨)

ભાવાર્થ

'ગીતા' ત્રીજા અધ્યાયના શ્લોક ૯ થી ૧૬ અને 'ગીતા'ના ચોથા અધ્યાયના શ્લોક ૨૩થી ૩૩માં ભગવાને યજ્ઞ સંબંધી અત્યંત વિશદ અને મહત્વની ચર્ચા કરેલી છે.

યજ્ઞ એટલે નિષ્કામ કર્મ, રાગદ્વેષરહિત, કર્તાપણાના અહંકારરહિત, સમષ્ટિના કલ્યાણ માત્ર કરેલું કર્મ.

સમષ્ટિમાં યજ્ઞ

સૂર્ય, ચંદ્ર, પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, નદી, પર્વત બધા જ સ્વાભાવિક યજ્ઞ કરે છે.

પરોપકારાય (યજ્ઞાય) ફ્લન્તિ વૃક્ષા: પરોપકારાય દુહન્તિ ગાવ: |

પરોપકારાય વહન્તિ નદ્ય: પરોપકારાર્થમિદં શરીરમ ||

વૃક્ષો પૂછતાં નથી કે તમે બ્રાહ્મણ છો કે ભંગી છો, સજ્જન છો કે દુર્જન છો. જે કોઈ તેની નીચે જાય તેને મફત છાંયડો અને ફળ આપે છે. એવી રીતે જે કોઈ નદી પાસે જાય તેને આંતરડી ઠરે તેવું મીઠું પાણી નદી મફત આપે છે. ગાય માણસને નિરુપયોગી એવું ઘાસ ખાઈને પણ મફત દૂધ આપે છે.

પિબન્તિ નદ્ય: સ્વયમેવ નામ્ભ: | સ્વયં ન ખાદન્તિ ફલાનિ વૃક્ષા: ||

મેઘ મોટામાં મોટો યજ્ઞ કરે છે. સમુદ્રમાંથી પ્રત્યેક ક્ષણે કરોડો ગેલન પાણી આકાશમાં લઈ જઈને સ્વાદિષ્ટ અને શુદ્ધ પાણી (Crystal clear, distilled water) ના દરેક બિંદુ દ્વારા મેઘ મહાયજ્ઞ કરે છે. પૃથ્વી, પાણી, સૂર્ય, વાયુ, અગ્નિ બધા સમષ્ટિના કલ્યાણ માટે નિ:શુલ્ક યજ્ઞ કરે છે. ઘાસ, ધાન્ય, વનસ્પતિ બધા યજ્ઞ કરે છે. મનુષ્યે પણ (સમર્પણ) યજ્ઞ કરવો જોઈએ.

ટીપાય તો મૃણ્મય ઘાટ થઇ શકે, દટાય તો વૃક્ષ બીનું બની શકે;

ઘસાય તો ચંદન ગંધ દઈ શકે, સમર્પણે માનવી દેવ થઇ શકે.

પરોપકાર (યજ્ઞ કર્મ) સજ્જનોની સ્વાભાવિક પ્રકૃતિ છે.

દગ્ધં દગ્ધં પુનરપિ પુનઃ કાંચનં કાંતવર્ણમ્ ।

છિન્નં છિન્નં પુનરપિ પુનઃ સ્વાદુ ચૈવૈક્ષુદંડમ્ ॥

ધૃષ્ટં ધૃષ્ટં પુનરપિ પુનઃ ચંદનં ચારુગન્ધમ્ ।

ન પ્રાણાંતે પ્રકૃતિઃ વિકૃતિઃ જાયતે હ્યુત્તમાનામ્ ॥

શરીરમાં યજ્ઞ

શરીરનાં તમામ અંગો યજ્ઞ કરે છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા, હાથ, પગ બધા અંગો એકબીજાની સાથે સંપૂર્ણ સહકારથી વર્તે છે. There is an organic unity. ગુદા, ઉપસ્થ, પેટ પણ શરીરની ભલાઈ માટે યજ્ઞ કરે છે. પેટ સંઘરો કરે તો indigestion or constipation થઇ જાય. શરીરમાં ૩૩ કરોડ જીવંત કીટાણુઓ વસે છે.

રાષ્ટ્ર માટે યજ્ઞ

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર પણ યજ્ઞ કરે છે. આળસુ, અસત્યભાષી વેપારી અયજ્ઞ કરે છે. ઘાંચી, મોચી, ગોળો, કુંભાર, સુથાર, દરજી, કડિયો દરેક કોમના લોકો રાષ્ટ્રના ઉત્કર્ષ માટે ઉપકારક છે.

ઘરમાં યજ્ઞ

માતાપિતા પોતાના બાળકો માટે (સ્વાર્થ - ત્યાગરૂપી) યજ્ઞ કરે. પતિ-પત્ની, ભાઈ-ભાઈ એકબીજા પ્રત્યે (પ્રેમ - સહકારરૂપી) યજ્ઞ કરે. યજ્ઞ સ્વભાવ બની જાય એ ભારતીય સંસ્કૃતિની ઉજ્જ્વલતા છે. યજ્ઞથી અલગ થાય તે માનવતા ગુમાવે.

અહિંસા યજ્ઞ છે, નમ્રતા યજ્ઞ છે, મીઠી વાણી યજ્ઞ છે, તમામ સદ્ગુણો યજ્ઞ છે. યજ્ઞમાં શું ખર્ચ છે?

પ્રજાપતિનો યજ્ઞ પ્રજાપાલન. સૂર્યનો યજ્ઞ પ્રકાશ પ્રદાન. પાણીનો યજ્ઞ શીતળતા.

સ્વેચ્છાએ કરેલું આત્મસમર્પણ યજ્ઞ છે. પરેચ્છાએ, પરાણે કરેલું આત્મસમર્પણ યજ્ઞ નથી. વાઘ ગાયને મારીને ખાઈ જાય અગર બિલાડી ઉંદરને ખાઈ જાય તો તે ગાયનો કે ઉંદરનો આત્મસમર્પણ યજ્ઞ નથી. શક્તિહીન યજ્ઞ ના કરી શકે. નિર્બળ રાષ્ટ્ર લૂંટાય તે આત્મસમર્પણ યજ્ઞ નથી.

સહયજ્ઞા: પ્રજા: સૃષ્ટ્વા પુરા ઉવાચઃ પ્રજાપતિ:

સૃષ્ટિ-સર્જન-નિર્માણમાં પરમાત્માનો પણ 'હું' ભાવ નથી. પરમાત્માને માટે આ સૃજન બિલકુલ Egoless - ‘હું’ ભાવથી રહિત છે. આ આખી સૃષ્ટિ પરમાત્માનો સ્વાભાવિક આવિર્ભાવ છે. તેથી સૃષ્ટિ અને સ્રષ્ટા ભિન્ન નથી. પરમાત્માને માટે કોઈ પણ અન્ય 'તું' નથી તેથી પરમાત્મામાં 'હું' પણ નથી. પરમાત્મા એકલા જ છે, અનન્ય છે. અદ્વિતીય - Non-second છે. આ સારી સૃષ્ટિ પરમાત્મામાં રહેલી કોઈ વાસનાને કારણે નથી, એ કોઈ પરમાત્માની કોઈ પણ વાસનાનું ફળ નથી. આ સારી સૃષ્ટિ પરમાત્માનો સ્વભાવ છે. જેવી રીતે બીજ તૂટીને અંકુર બને છે. અને અંકુર તૂટીને વૃક્ષ બને છે અને વૃક્ષ ફૂલ-પાંદડા-ફળથી ભરાઈ જાય છે, બરાબર એવી રીતે પરમાત્માને માટે સૃષ્ટિ કોઈ અલગ ચીજ નથી. સૃષ્ટિ પરમાત્માનો સ્વ-ભાવ છે તે પરમાત્માથી જરા પણ ભિન્ન નથી. પાંદડું જેમ બીજને જોઈ શકતું નથી તેમ આપણે પરમાત્માને જોઈ શકતા નથી. એટલા માટે પરમાત્માને સૃષ્ટિનો સ્રષ્ટા (Creator) કહેવો તે પણ ભાષાની ભૂલ છે.

પરમાત્મા એટલે સ્રષ્ટા નહીં પણ સર્જનની પ્રક્રિયા - પરમાત્મા એટલે creator નહીં પણ creativity itself. સૃષ્ટિને માટે કોઈ પ્રથમ દિવસ ('પુરા' ઉવાચ) નથી, અને કોઈ અંતિમ દિવસ નથી. એ અર્થમાં પરમાત્મા સૃષ્ટિનો સંચાલક છે અને સંચાલન પણ છે.

મીરા નથી નાચતી. પરમાત્મા નચાડે છે અને પરમાત્મા નાચે છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. પરમાત્માની આંગળીઓ કબીરની આંગળીઓથી કપડાં વણે છે. પરમાત્મા જ વણે છે - કપડાં, જીવન અને જગત. કબીરનું કર્મ યજ્ઞકર્મ બની જાય છે.

ઉમા દારૂ જોષીત કી નાઈ, સબહિ નચાવત રામુ ગોસાઈ.

નટ મર્કટ ઇવ સબહિ નચાવત, રામુ ખગેશ વેદ અસ ગાવત. (માનસ)

કઠપૂતળીની માફક કે મર્કટની માફક નાચે તે તમામ યજ્ઞકર્મ અને એ રીતે ઈશ્વર પ્રીત્યર્થે નિષ્કામ ભાવે કરેલું કર્મ, યથાર્થ કર્મ, જીવાત્માને બંધનકર્તા નથી.