શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

મયિ સર્વાણિ કર્માણિ સન્ન્યસ્યાધ્યાત્મચેતસા ।
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ ॥ ૩૦॥

મયિ સર્વાણિ કર્માણિ સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા

નિરાશી: ર્નિર્મમ: ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ

(હે અર્જુન)

નિરાશી: - આશરહિત તથા

ર્નિર્મમ: - મમતારહિત

ભૂત્વા - થઇ

વિગતજ્વરઃ - ખેદ તજી

યુધ્યસ્વ - યુદ્ધ કર.

અધ્યાત્મચેતસા - ધ્યાન નિષ્ઠ ચિત્તથી

સર્વાણિ - સર્વ

કર્માણિ - કર્મોને

મયિ - મારા વિષે

સંન્યસ્ય - સમર્પણ કરીને

આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરી ફલાશારહિત, મમતા વિનાનો તથા શોકરહિત થઇ તું યુદ્ધ કર. (૩૦)

ભાવાર્થ

કર્મ, કર્મનું ફળ, કર્મની પ્રેરણા, કર્મનું પરિણામ બધું (સર્વાણિ મયિ સંન્યસ્ય) મારામાં સમર્પણ કર. Surrender કર. વિગતજ્વર એટલે Beyond feverishness.

કામની બુખાર, ક્રોધની બુખાર, લોભની બુખાર, આપણે બુખાર(જ્વર)થી ભરેલા છીએ. જે ચીજથી શરીરમાં ઉત્તાપ વધી જાય તેને જ્વર (બુખાર, તાવ) કહેવાય.

મેડીકલી, ક્રોધથી પણ શરીરમાં ઉત્તાપ વધી જાય છે, બ્લડપ્રેશર વધી જાય છે, હૃદય બહુ ધડકે છે, શ્વાસ જોરથી ચાલે છે, શરીરની ગરમી વધી જાય છે, ક્રોધ જ્વર છે.

જ્વરથી મુક્ત ના થાઓ ત્યાં સુધી સમર્પણ ના થઇ શકે. જીવનમાં જ્વર ના રહે તો અહંકાર પણ ના રહે, કારણ કે અહંકાર માટે જ્વર ભોજન છે.

જીવનમાં જેટલો કામ, ક્રોધ, લોભ વગેરે વધારે તેટલો અહંકાર મોટો થાય અને અહંકાર સમર્પણમાં બાધારૂપ છે. અહંકાર સઘન, ઠોસ (dense) થાય તેમ જ્વર વધતો જાય અને ચોવીસે કલાક આપણે જ્વરમાં જીવીએ છીએ.

વચમાં વચમાં થોડો થોડો વખત કામ, ક્રોધ શાંત થયેલા માલૂમ પડે છે પરંતુ તે ખરી શાંતિ નથી. કારણ કે આ શાંતિનો પિરિયડ - સમય ફરીથી કામ - ક્રોધમાં પ્રવેશવાની પૂર્વતૈયારી રૂપે હોય છે. આ રીતે આખી જિંદગી આપણે જ્વરથી પીડાઇએ છીએ.

આ બધા જ્વર નીકળી જાય તો સમર્પણ આપોઆપ થઇ જાય. સમર્પણ કરવું નથી પડતું. સમર્પણ કરનાર પણ મોજૂદ ના રહે ત્યારે સમર્પણ પૂરેપૂરું થયું ગણાય. કોઈ ઉપાય ના રહે ત્યારે સમર્પણ કરે તે સાચું સમર્પણ ના ગણાય.

કામ -ક્રોધ - લોભ આ બધા જ્વરો મોટા સત્ય છે તેમનો શારીરિક અર્થ પણ છે અને માનસિક અર્થ પણ છે. તે સાયકો-સોમેટિક છે. શરીર અને મન બંનેમાં તેમનું સત્ય છે, અને એમની ઉપર અહંકાર સવારી કરે છે. આ જ્વરોને જ્યાં સુધી વિસર્જિત ના કરો ત્યાં સુધી અહંકાર રથથી નીચે ઉતરતો નથી અને ત્યાં સુધી સમર્પણ થઇ શકે નહીં.

ટી.બી., કેન્સર વગેરે શારીરિક બીમારીઓને જેમ આપણે બચાવવા પ્રયત્ન કરતા નથી. પરંતુ નષ્ટ કરવા પ્રયત્ન કરીએ છીએ તેવી જ રીતે કામ-ક્રોધ-લોભ વગેરે આ માનસિક જ્વરોને પણ બીમારીઓ સમજીને તેને નષ્ટ કરવા પ્રયત્ન કરવો જોઈએ. તેને બદલે આપણે આ જ્વરોને બચાવવા પ્રત્યત્ન કરીએ છીએ અને કહીએ છીએ કે કામ - ક્રોધ - લોભ વગેરે વગર જીવન કેવી રીતે ચાલે? આ માનસિક જ્વરોને આપણે બીમારી તરીકે સ્વીકારતા જ નથી અને તેથી તેને નષ્ટ કરવા પ્રયત્ન કરતા જ નથી. જો તેને બીમારી તરીકે સ્વીકારશો તો તે તુરત જ નષ્ટ થવા માંડશે. પરંતુ આપણે તો એમ માનીએ છીએ કે જો કામ, ક્રોધ, લોભ ચાલ્યા જશે તો જીવનની ગતિ, જીવનનું મોટિવેશન, જીવનની પ્રેરણા બધું ચાલ્યું જશે પછી શું કરીશું? પરંતુ આપણને ખબર નથી કે જીવનની તમામ ઉર્જા, શક્તિ આ છિદ્રો મારફતે નકામી વહી જાય છે અને જીવનનો આનંદ જે ઓવરફ્લોઇન્ગ (Overflowing) એનર્જી છે તે નષ્ટ થઇ જાય છે પછી શેક્સપિયર કહે છે તેમ - ‘Life is a tale told by an idiot, full of fury and noise, signifying nothing.’ પછી જીવન બની જાય છે એક કહાની, જેના દ્રશ્યો બહુ બદલાતા જાય છે છતાં નિષ્કર્ષ કશોય નહીં અને નિષ્પત્તિ જરા પણ નહીં. આખરે માણસ મરી જાય અને કહાની વચમાં જ તૂટી જાય.

પરમ શક્તિશાળી હોય તે જ સમર્પિત થઇ શકે. કમજોર વ્યક્તિ સમર્પણ ના કરી શકે. સમર્પણ મોટું આત્મબળ છે - Surrender is the greatest adventure. પતિના હાથમાં તલવાર હોય તો પત્ની ગભરાતી નથી તેમ પરમાત્માના હાથાં તલવાર હોય તો ભક્ત ગભરાતો નથી. પરમાત્મા કદાચ ગરદન કાપી નાખે તો તેમાં પણ ભક્તનું કલ્યાણ છે.

માણસ જેટલો દીન, દીનભાવ (Inferiority complex) વાળો હોય તેટલો તે અહંકારી હોય છે. શક્તિશાળીને અહંકારની જરૂર નથી. મનુષ્ય મૉટે ભાગે સ્વભાવથી 'વિષયચેત:' હોય છે, 'અધ્યાત્મચેત:' હોતો નથી, તેથી તે સમર્પિત થવામાં ગભરાય છે. માણસ જો અધ્યાત્મચેત: બને, આત્મકલ્યાણનો વિચાર કરે, ભોગોમાં ના ફસાય તો સમર્પિત થઇ શકે. પરમાત્મામાં સર્વ કર્મ સમર્પિત કરવાનો અર્થ એ છે કે તે સર્વ કર્મ કર્તાપણાના અહંકાર સિવાય, અને રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, અનપેક્ષભાવે (નિરાશી:) અને મમત્વરહિત (નિર્મમ:) થઈને સમષ્ટિના કલ્યાણ માટે પરમાત્માના રાજીપા માટે કરે.