વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી; કારણ કે પ્રકૃતિના ગુણોથી (બંધાયેલા) સર્વને પરવશપણે કર્મો તો કરવા જ પડે છે. (૫)
ભાવાર્થ
શરીરમાં અનૈચ્છિક ક્રિયાઓ જે થાય છે તે માત્ર ક્રિયા જ કહેવાય. તેને કર્મ ના કહેવાય. કારણ કે ક્રિયાઓ સાથે મન અને મનના રાગ - દ્વેષો, ગમા - અણગમા, Likes and Dislikes સંલગ્ન હોતા નથી. તેમ છતાં અહંકારના સંદર્ભમાં તેને કર્મ કહી શકાય. કારણ કે ઊંઘમાં અગર બેભાન અવસ્થામાં પણ શ્વાસોશ્વાસ, રુધિરાભિસરણ વગેરે ક્રિયાઓ ચાલુ રહે છે, કારણ કે માણસના અહંકારમાં જીવેષણા, જીજીવિષા, જીવવાની આકાંક્ષા - Lust for life/living હોય છે.
સો માણસ સાથે સૂતા હોય, ઊંઘતા હોય તેમાં મગનભાઈની બૂમ પાડો તો મગનભાઈ એકલા જ 'હા' એમ બોલે અને બીજા બધાય ઊંઘે - ઊંઘમાં પણ મગનભાઈને મગનભાઇપણાનો અહંકાર જાગ્રત હોય છે - આ અહંકારમાં પરમાત્માની ચેતના કામ કરતી હોય છે.
જીવનમાં કર્મને રોકવું તદ્દન અસંભવ છે. જીવવાની પ્રત્યેક ઐચ્છિક અગર અનૈચ્છિક ક્રિયા કર્મ છે. સંન્યાસી પણ કર્મ નથી છોડી શકતો અને જો તે કર્મ છોડવાની અસંભવ આકાંક્ષા કરે તો તે પાખંડમાં, Hypocrisyમાં જ પડે.
કર્મ છોડવા જશો તો કર્મ તો નહીં છૂટે, માત્ર નિષ્ક્રિયતા પેદા થશે. નિષ્ક્રિયતા એટલે વ્યર્થ કર્મોની જાળ કે જેમાં કાંઈ પણ ફલિત થાય નહીં અને છતાં કર્મ તો ચાલુ જ રહે - જેનાથી માત્ર પાખંડ પેદા થાય. જે કર્મને છોડીને ભાગે છે તેની કર્મની ઉર્જા વ્યર્થ કર્મોમાં સક્રિય થઇ જાય છે. સંન્યાસી પણ જો કર્મ છોડે, બધું જ છોડે, કશું જ ના કરે તો એનો અર્થ તેણે આત્મઘાત કર્યો ગણાય અને આત્મઘાત પણ કરવો તો પડે જ - જે તેનું અંતિમ કર્મ ગણાય.
કર્મની ઉર્જા હંમેશા પ્રગટ થવા ચાહતી હોય છે અને તેથી તે કોઈ પણ રસ્તે પ્રગટ તો થવાની જ. એટલા માટે રજાના દિવસે અગર તો નવરા લોકોને લીધે વધારે દુર્ઘટનાઓ, હત્યાઓ, ચોરીઓ, બળાત્કાર વગેરે થાય છે. નવરો માણસ કાંઈ જ કર્મ ના કરે તો પણ તે કશુંક તો કરે જ અને તે 'કશુંક કર્મ' વધારે ખતરનાક હોય છે. An idle brain is the devil’s workshop.
કર્મથી ભાગવાનો કોઈ ઉપાય જ નથી. માણસને પરવશ થઈને પણ કર્મ તો કરવું જ પડશે, કારણ કે કર્મ જ જીવન છે. અસલી બદલાહટ, અસલી મ્યુટેશન, અસલી ક્રાંતિ કર્મમાં નથી, કર્તામાં છે. કર્મને છોડવાનું નથી, કર્તાને વિદાય કરવાનો છે. જયારે અંતરમાંથી કર્તા વિદાય થઇ જાય, કર્તાપણાનો અહંકાર નષ્ટ થઇ જાય તો પણ કર્મ તો ચાલતું જ રહેવાનું. પરંતુ તે વખતે કર્મ પરમાત્માના હાથમાં સમર્પિત થઈને ચાલવાનું.
કોઈ પણ કર્મ તમે છોડી દો તો તે 'કર્મ છોડવાનું કર્મ' તમે કર્યું ગણાય. આ નકારાત્મક કર્મ - Negative form of action ગણાય, જેનું પરિણામ તમારે ભોગવવું પડે. તમે ક્યુ કર્મ છોડો? ખાવાનું છોડો તો તમે 'ના ખાવાનું' કર્મ કર્યું ગણાય અને તેથી તમે ભૂખે મરો તો તમારી શરીરયાત્રા સ્થગિત થઇ જાય.
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ ॥ (ગીતા - ૩/૮)
તમે બોલવાનું છોડો, મૌન રાખો, તો તે 'ના બોલવાનું કર્મ' કર્યું ગણાય અને ના બોલે તો તેના બોર ના વેચાય. તમે સાંભળવાનું કર્મ છોડો તો 'ના સાંભળવાનું કર્મ' કર્યું ગણાય જેના પરિણામે લોકોએ બૂમો પાડી છતાં તમે ના સાંભળ્યું અને તમે આઘા ના ખસી ગયા અને પાછળથી દોડતી આવતી ભેંશે ગોથું માર્યું અને તમે પછડાયા. તમે જોવાનું કર્મ છોડ્યું તો 'ના જોવાનું કર્મ' કર્યું ગણાય અને તેથી રોડ ઉપર સિગ્નલની લાલ લાઈટ ના જોઈ અને ભયંકર એક્સીડેન્ટ સર્જાય.
તમે કોઈ પણ કર્તવ્ય - કર્મ છોડો તો તે 'કર્મ નહીં કરવાનું કર્મ' તમે કર્યું ગણાય અને તેનું પણ પરિણામ આવે જ અને તે તમારે ભોગવવું જ પડે.