શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્ ।
સઙ્કરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમાઃ પ્રજાઃ ॥ ૨૪॥

ઉત્સીદેયુ: ઈમે લોકા: ન કુર્યામ્ કર્મ ચેત્ અહમ્

સંકરસ્ય ચ કર્તા સ્યામ્ ઉપહન્યામ્ ઈમાઃ પ્રજાઃ

તેથી :-

સંકરસ્ય - (હું) વર્ણસંકરનો

કર્તા - કર્તા

સ્યામ્ - થાઉં

ચ - તથા

ઈમાઃ - આ સઘળી

પ્રજાઃ - પ્રજાને

ઉપહન્યા - હણનારો થાઉં.

ચેત્ - જો

અહમ્ - હું

કર્મ - કર્મ

ન - ન

કુર્યામ્ - કરું (તો)

ઈમે - આ સર્વ

લોકા: - લોકો

ઉત્સીદેયુ: - નાશ પામે

શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે. (૨૧)

હે પાર્થ! મારે ત્રણે લોકમાં કંઈ કરવાનું નથી કે નહિ મળેલું મેળવવાનું નથી; છતાં હું કર્મમાં વર્તુ જ છું. (૨૨)

કેમ કે જો હું સાવધાન થઇ કર્મમાં ન વર્તુ, તો હે પાર્થ ! સર્વ મનુષ્યો મારો માર્ગ અનુસરે. (૨૩)

એથી જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ પામે અને હું વર્ણસંકરનો કર્તા થાઉં તથા આ પ્રજાઓનો નાશ કરું. (૨૪)

ભાવાર્થ

સાધારણ લોકોની પ્રવૃત્તિ ગતાનુગતિક અંધ અનુકરણ જેવી વિશેષ અંશે હોય છે અને જો શ્રેષ્ઠ લોકોના આચરણમાં થોડોઘણો દોષ થાય તો તેઓના અનુયાયીઓમાં એ જ દોષ વધી જાય છે. સારા કામનું અનુકરણ કરવું સામાન્ય લોકોને કઠણ પડે છે. પરંતુ દોષોનું અનુકરણ કરવું અજ્ઞાનીઓની નિર્બળતાને કારણે તેઓને સુગમ પડે છે. આથી શ્રેષ્ઠ પુરુષો ઉપર મોટી જવાબદારી છે.

મારુ ઘડિયાળ ખોટું હોય તો મારી ગાડી ચૂકાવે પરંતુ ટાવરનું ઘડિયાળ ખોટું હોય તો આખા ગામની ગાડી ચૂકાવે.

અંધઅનુકરણી પ્રવૃત્તિ નિર્બળતાની સૂચક છે.

ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો દાખલો આપતા કહે છે કે જો હું શિવજીની પૂજા ન કરું તો મારી પૂજા પણ કોઈ ન કરે. સર્વ લોક મેં સ્વીકારેલા પ્રમાણનું જ અનુકરણ કરે છે. જો હું સ્નાનસંધ્યા - દેવપૂજા ન કરું તો જગતના લોકો પણ આ કર્મોથી વિમુખ થઇ જાય. આની જવાબદારી નેતાઓની છે. તેથી નેતાઓએ ખાસ કરીને પોતાનું આચરણ નિર્દોષ રાખવું.

ભગવાન કહે છે કે આ ત્રણે લોકમાં મળનાર સર્વ આનંદ અને સુખ મને પ્રાપ્ત છે. હું સદા તૃપ્ત અને આપ્તકામ છું. મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની નથી અને ત્યાગવાની પણ નથી. તેથી હું કૃતકૃત્ય જ છું. છતાં પણ હું સતત લોક કલ્યાણ માટે લોક સંગ્રહ માટે નિષ્કામ ભાવે કર્મ કરતો જ રહુ છું. જો હું કર્મ ન કરું તો બધા લોકો કર્મહીન અને આળસમાં સડવાના કારણે દુઃખી થાય તો તેમના દુઃખનો હેતુ હું બનું. મિનિસ્ટરો જો લાંચ લેતા હોય તો તલાટી લાંચ લેતો થઇ જ જાય. પોલીસ કમિશ્નર અગર ઇન્કમટેક્સ કમિશનર જ લાંચ લેતા હોય તો તેના હાથ નીચેના માણસો લાંચ લેવા જ માંડે. તેમાં દોષ કોનો?

  • બ્રાહ્મણો પોતાનું નિયત કર્મ ભણવું, ભણાવવું, શામ, દમ આદિ કર્તવ્ય કર્મ છોડી દે,

  • ક્ષત્રિયો જો રાષ્ટ્રરક્ષા, શૌર્ય, તેજ, વીર્ય, યુદ્ધકૌશલ્ય વગેરે કર્તવ્ય કર્મ જો છોડી દે, તેવી જ રીતે

  • વૈશ્યો કૃષિ, ગોરક્ષા, વાણિજ્ય વગેરે તેમના નિયત કર્મ નિષ્ઠાપૂર્વક જો ન કરે તથા

  • શુદ્રો પરિચર્યાત્મક કારીગરી વગેરે તેમના નિયતકર્મો શુભ નિષ્ઠાથી જો ન કરે

    તો આખો સમાજ નષ્ટ થઇ જાય, આખા સમાજને પેરેલિસિસ (Paralysis) થઇ જાય અને વર્ણાશ્રમ ધર્મ છોડવાથી તે વર્ણબારા - વર્ણસઁકર થઇ જાય તો આખો સમાજ ખાડામાં જાય. કર્તવ્યભ્રષ્ટ થવાથી લોકોમાં તમામ પ્રકારની સંકરતા, વર્ણસંકરતા ફેલાઈ જાય.

એટલે ભગવાન કહે છે કે જો હું પણ તથા સમાજના શ્રેષ્ઠ આગેવાનો - નેતાઓ શાસ્ત્રવિહિત કર્તવ્યકર્મોનો ત્યાગ કરે તો હું તથા તેવી જ રીતે સમાજના બધા નેતાઓ સામાન્ય લોકોને ઉચ્છરૂંખલ બનાવીને સમસ્ત પ્રજાનો નાશ કરવામાં નિમિત્ત બની જાય.

ખુદ રાજા પણ જો અનીતિ કરે, તો આખી પ્રજા અનીતિવાન બની જાય અને તેમાં રાજા નિમિત્ત બને. યથા રાજા તથા પ્રજા. સમાજને આધ્યાત્મિક (દૈવી ગુણોવાળો) બનાવવો એ જ ધર્મનું ધ્યેય છે. ધર્મની (નીતિની) પકડ વગર સમાજનું અધઃપતન રોકી શકાતું નથી. નીતિમય જીવન જ આધ્યાત્મિક (દૈવી) જીવનનો પ્રાણ છે. તેથી સમાજમા ભ્રાતૃભાવ, સંસ્કૃતિ, સદાચાર, મૈત્રી, કરુણા, માનવતા વગેરે દૈવી ભાવોનું સ્થાપન કરવું, રક્ષણ કરવું તથા પોષણ કરવું એ જ ધર્મનિષ્ઠ, શ્રેષ્ઠ, આગેવાન નેતાઓનું કર્તવ્ય છે અને તેઓએ નિષ્કામભાવે વર્તવું તેમાં જ સમાજનું શ્રેય છે.

સર્વ રાજાશ્રિતા: ધર્મા: રાજા ધર્મસ્ય ધારક: |

એટલા માટે ભગવાન અર્જુનને કહે છે કે તારા પોતાના શ્રેયની દ્રષ્ટિથી લોકસંગ્રહની દ્રષ્ટિથી તથા જનક વગેરે શિષ્ટ પુરુષોના આચરણ પ્રમાણથી તારે માટે આ યુદ્ધ જ કર્તવ્ય છે.

જાતિ, કુળ, વિદ્યા, આચાર વગેરેથી શ્રેષ્ઠ(પ્રધાન) ગણાતો પુરુષ તથા શાસ્ત્રજ્ઞ પુરુષ જેવા જેવા કર્મ કરે છે તેવા કર્મોનું બીજા સાધારણ મનુષ્યો અનુકરણ કરે છે. તથા જે જે લૌકિક કે વૈદિક આચારને ઉપરોક્ત લક્ષણોવાળો શ્રેષ્ઠ પુરુષ પ્રમાણરૂપ અંગીકાર કરે છે તેવા આચારને પ્રાકૃત (સાધારણ) માણસો પ્રમાણ માની અનુસરે છે.