પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તેને (કંઈ) કરવાનું રહેતું નથી. (૧૭)
આ સંસારમાં તેણે કરેલા કે નહિ કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી; તેમ જ તેનો સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી. (૧૮)
ભાવાર્થ
જ્યાં સુધી મનુષ્યની તૃપ્તિ, સંતુષ્ટિ, અને રતિને માટે બાહ્ય પદાર્થોની અને બાહ્ય સાધનોની આવશ્યકતા હોય છે ત્યાં સુધી એ કૃતકૃત્ય થયેલો હોતો નથી. પ્રત્યેક સાધારણ મનુષ્ય પોતાની અંદર અપૂર્ણતા, ન્યૂનતા કે કમીપણાનો અનુભવ કરે છે અને રાતદિવસ એની પૂર્ણતા કરવા મથતો હોય છે. આથી કર્મ કરવું તેને અત્યંત આવશ્યક હોય છે. કારણ કે કર્મ કર્યા વગર તેને ભૌતિક સુખના સાધનો પ્રાપ્ત થતા નથી. અને સુખ સાધનોના અભાવમાં એ લૂખો થઇ સદા તરફડતો હોય છે. મનુષ્યની અપૃર્ણતાનું આ જ લક્ષણ છે કે તે સદા અતૃપ્ત જ રહે છે. એ અસંતુષ્ટ દેખાય છે અને સતત બેચેન જેવો રહે છે. રાતદિવસ સખત મહેનત-મજૂરીના કર્મ કરે છે અને આસક્તિથી ભૌતિક સુખ - ભોગોના સાધનો પોતાની પાસે એકઠા કરે છે. એક ભોગ, પછી બીજો ભોગ, પછી ત્રીજો ભોગ એમ આરામ લીધા વગર રાતદિવસે ભોગોમાં રત રહે છે છતાં ભોગોનો અંત આવતો નથી. કર્મોથી ભોગસાધનોની પ્રાપ્તિમાં પ્રગતિ, પછી ભોગસાધનો ભોગવવાનો, પછી ભોગોથી ક્ષણિક સુખ, ફરી પાછા નવા નવા ભોગો માટે કર્મ. આ પ્રમાણે કર્મ અને ભોગના ચક્કરમાં સાધારણ મનુષ્ય સદાકાળ જીવનપર્યંત ફસાયેલો જ રહે છે અને શાશ્વત આનંદનો અનુભવ તેને કદાપિ નથી.
નજરે કરીને દેખો ભોગોથી સુખ ક્યાં છે;
ભોગ ત્યજીને જશે રોગોનો અંત ક્યાં છે.
ભર્તૃહરિ કહે છે:
ભોગા: ન ભોક્તા વ્યમેવ ભુંકતા |
તૃષ્ણા ન જીર્ણ વ્યમેવ જીર્ણાં ||
આ કર્મ અને ભોગના વિષચક્ર (Vicious cycle) માંથી બહાર નીકળવું સાધારણ મનુષ્ય માટે અશક્ય જેવું બને છે. આ બધા સ્વાર્થ પ્રેરિત ક્રમોમાં ફસાયેલો મનુષ્ય અનેકાનેક યાતનાઓથી ત્રાસ પામે છે અને છેવટે તે પતનના માર્ગમાં પટકાય છે.
આ વિષચક્રમાંથી કોણ છૂટી શકે તેની વાત ભગવાન હવે કહે છે.
૧. ય: તુ આત્મરતિ: એવ સ્યાત્
૨. ય: તુ આત્મતૃપ્તિ: સ્યાત્
૩. ય: તુ આત્મનિ સન્તુષ્ટ: સ્યાત્
જે માણસની બાહ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત થતા ક્ષણિક અને અશાશ્વત સુખોમાંથી આસક્તિ હટી ગઈ છે અને જેને વિષયાનંદને બદલે આત્માનંદમા રતિ(પ્રીતિ) થઇ તથા જેને આત્માનંદમા તૃપ્તિ અને સંતુષ્ટિ પ્રાપ્ત થઇ છે તેને પછી ભૌતિક સુખ-સાધનો પ્રાપ્ત કરવા માટે વૃથા કર્મોમાં પછાડો ખાવાની જરૂરિયાત રહેતી નથી. જેને આત્મરતિ, આત્મતૃપ્તિ, અને આત્મસંતુષ્ટિ મળી ગઈ તે માણસ પછી પોતાના જીવન નિર્વાહ પૂરતા જ નિયત કર્તવ્ય - કર્મો, નિષ્કામ - કર્મો કરીને વ્યર્થ કર્મોની જંજાળમાંથી મુક્ત થઇ શકે. સાધારણ મનુષ્યો જે ક્ષણિક સુખ બાહ્ય પદાર્થોમાંથી અને ભોગોમાંથી પ્રાપ્ત કરવા પછાડો ખાય છે તેનાથી અનેક ગણું સુખ અને અપૂર્વ શાશ્વત આનંદ માણસ આત્મામાં જ રત રહીને નિજાનંદ પ્રાપ્ત કરી શકે છે.
આત્મરતિ, આત્મતૃપ્તિ, અને આત્મસંતુષ્ટિ આ ત્રણેય શબ્દોમાં ક્રમશ: ઉતરોતર અવસ્થાનો નિર્દેશ છે. એક વાર આત્મસાક્ષાત્કાર સતત રહે એવી ઈચ્છા થાય છે અને એને માટે પ્રયત્ન થાય છે તેને આત્મરતિ કહેવાય છે. એમાં મનુષ્ય રમમાણ તો થાય છે પરંતુ તે અવસ્થા પહેલી હોવાથી કાંઈક અનુભવની અસ્થિરતા રહે છે. એનો અભ્યાસ સુદ્રઢ થતા સાધકને બીજી આત્મતૃપ્તિની અવસ્થા પ્રાપ્ત થાય છે જેમાં તેને તૃપ્ત થયાનો અનુભવ થાય છે, એનાથી અધિક કાંઈ ન જોઈએ એવો એનો નિશ્ચય થઇ જાય છે.
આત્મરતિ પહેલી અવસ્થા છે તે પ્રયત્નસાધ્ય છે જયારે બીજી આત્મતૃપ્તિની અવસ્થા સુસાધ્ય છે. એના પછીની ત્રીજી આત્મસંતુષ્ટિની અવસ્થામાં સહજ રીતે આપોઆપ તેને સ્થાયી સંતોષ મળે છે. આ પરમ ઉચ્ચ અવસ્થા છે જેમાં સાધકની એક પણ ક્ષણ સંતોષવૃત્તિથી ખાલી રહેતી નથી.
સ્થિર, ચિરસ્થાયી સંતોષવૃત્તિ થયા પછી (તસ્ય કાર્ય ન વિદ્યતે) તેને કાંઈ પણ ભૌતિક સુખ - સાધનો પ્રાપ્ત કરવાનું કર્મ બાકી રહેતું નથી. આ વાત આગળના શ્લોકમાં કહે છે કે (કૃતેન તસ્ય અર્થ: ન) તેને કર્મ કરીને પોતાનો સ્વાર્થ સાધવાનો રહેતો નથી. તુષ્ટિ અને સંતુષ્ટિ પ્રાપ્ત થતા તેને કશાયમાં સ્વાર્થ રહેવાનો સંભવ જ નથી, કારણ કે તેનામાં હવે કાંઈ પણ ન્યૂનતા રહેતી જ નથી, જેની પૂર્તતા કરવા તેને કાંઈ કર્મ કરવું જ પડે.
વળી (અકૃતેન આપી તસ્ય અર્થ: ન) કાંઈ કર્મ ન કરવાથી તેને કાંઈ હાનિ થતી નથી. એક વાર આત્મસંતોષની અવસ્થા પ્રાપ્ત થતા તે અવસ્થા કાયમ સ્થિર રહે છે અને તે કદી ઓછી થતી નથી અને તેથી તેની સ્થિરતા માટે કર્મ કરવાની આવશ્યકતા રહેતી નથી.