Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ ।
અહઙ્કારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે ॥ ૨૭॥

પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ

અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ્ ઈતિ મન્યતે

કર્માણિ - કર્મોને

અહમ્ - હું

કર્તા - કરનારો છું.

ઈતિ - એમ

મન્યતે - માને છે.

અહંકારવિમૂઢાત્મા - અહંકારથી મૂઢ બુદ્ધિવાળો પુરુષ

સર્વશઃ - સર્વ પ્રકારે

પ્રકૃતેઃ - પ્રકૃતિના

ગુણૈઃ - ગુણો વડે

ક્રિયમાણાનિ - કરાતાં

સર્વે કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે. (છતાં) અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળો 'હું કર્તા છું' એમ માને છે. (૨૭)

ભાવાર્થ

માણસની પોતાની પ્રકૃતિના ગુણધર્મોના ફેલાવથી તેને જગતના ભૌતિક પદાર્થો અને પ્રાણીઓ સુખકર અગર દુઃખકર લાગે છે અને તેને લીધે તે એવા પદાર્થો અને પ્રાણીઓનો સંગ્રહ અગર ત્યાગ કરવા કર્મમાં પ્રવૃત થાય છે. એટલે જે કાંઈ કર્મ થાય છે તે તમામ કર્મો પોતાની પ્રકૃતિના ગુણોને લીધે થાય છે. એટલે કે તમામ કર્મનો કર્તા વાસ્તવમાં પ્રકૃતિ જ છે, પોતે નહીં.

કૌરવો પોતાની પ્રકૃતિ પ્રમાણે કર્મ કરે છે અને પાંડવો તેમની પ્રકૃતિ પ્રમાણે કર્મ કરે છે. ટૂંકાણમાં તમામ કર્મો પ્રકૃતિ (સત્ત્વ, રજ, તમ) ના આધારે થાય છે. આત્મા તો પ્રકૃતિથી પર છે. અને તેથી તે કર્મનો કર્તા નથી. આત્મજ્ઞાની કોઈ કર્મનો કરતા રહેતો નથી.

તમને કોઈ વસ્તુ સુંદર અગર બેડોળ લાગે છે, કોઈ વસ્તુ સ્વાદિષ્ટ અગર બેસ્વાદ લાગે છે, કોઈ ગાયન મસ્ત લાગે છે, કોઈ વસ્તુ સુગંધીદાર લાગે છે, કોઈ સ્પર્શ સુંવાળો, અગર બરછટ લાગે છે તે તમને નહીં પરંતુ તમારી પ્રકૃતિને લીધે છે. અને તે પ્રકૃતિને લીધે (તમારે લીધે નહીં) તમે કોઈ પણ પદાર્થ અગર પ્રાણીનો સંગ્રહ અગર ત્યાગની પ્રવૃત્તિ કરો છો અને તેવા કર્મોમાં જોડાઓ છો. એટલે કે તમામ કર્મોના કર્તા તમે નથી પરંતુ તમારી પ્રકૃતિના ગુણો છે.

સત્ત્વ, રજ અને તમ ત્રણ ગુણની સામ્યાવસ્થાને પ્રકૃતિ (પ્રધાન) કહેવાય છે. કાર્ય તથા કરણરૃપ સર્વ વિકારોથી દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણાદિ માયાના કાર્યોથી સર્વપ્રકારે સર્વે કર્મો કરાય છે. અસંગ આત્મા કાંઈ કરતો નથી પરંતુ અહંકાર વિમૂઢાત્મા દેહાદિના ધર્મને પોતાના ધર્મ માનવાવાળો દેહાભિમાની પુરુષ, અનાત્મામાં આત્માના અભિમાનવાળો અજ્ઞ પુરુષ, દેહાદિમાં હું પણાની બુદ્ધિરૂપ અહંકારથી અતિ મૂઢ થયેલા ચિત્તવાળો અજ્ઞાની દેહાધ્યાસને લીધે આત્માને કર્તા માને છે. અજ્ઞાની પુરુષ અસંગ આત્માને દ્રષ્ટા, સ્પૃષ્ટા, શ્રોતા, ધ્રાતા, રસયિતા મન્તા, બોદ્ધા તથા ભોક્તા માને છે, પરંતુ પ્રકૃતિના ગુણોને કર્તા માનતો નથી.

નૈયાયિકો તથા મીમાંસકો આત્માને કર્તા માને છે તે બરાબર નથી. વાસ્તવમાં આત્માનો કર્મોથી સંબંધ નહીં હોવા છતાં પણ અજ્ઞાની મનુષ્ય ચોવીસ અનાત્મ તત્ત્વોના સંઘાતમાં આત્માભિમાન કરીને તેના દ્વારા થનારા કર્મોથી પોતાનો સંબધ સ્થાપિત કરીને પોતાને તે કર્મોનો કર્તા માની લે છે. અસલમાં તો આત્મા પ્રકૃતિના ત્રણે ગુણોથી પર - નિર્ગુણ જ છે.

અહંકારવિમૂઢાત્મા પોતાને કર્તા માને છે. ખરેખર તો અહંકાર કદાપિ ઉત્પન્ન થતો નથી. એ માત્ર પ્રતીત થાય છે. જેવી રીતે દોરડીમાં સાપ પ્રતીત થાય છે, લાગે છે કે 'છે' પણ હોતું નથી. પાણીમાં ડુબાડેલી લાકડી વાંકી દેખાય છે પ્રતીત થાય છે. It just appears. પરંતુ તે વાંકી હોતી નથી. જો તે ખરેખર વાંકી જ હોય તો પછી તેને સીધી કરવાનો કોઈ ઉપાય નથી.

અહંકાર પણ જો પેદા થતો હોય, ઉત્પન્ન થતો હોય તો તેમાંથી છૂટવું મુશ્કેલ પડે. પરંતુ માત્ર પ્રતીત થાય છે તેથી તેનાથી છૂટી શકાય છે. પછી ભલે તે દેખાતું હોય, પ્રતીત થતું હોય તો પણ છૂટી શકાય.