શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ ।
તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપન્થિનૌ ॥ ૩૪॥

ઇન્દ્રિયસ્ય ઈન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ

તયો: ન વશમ્ આગચ્છેત્ તૌ હિ અસ્ય પરિપન્થિનૌ

ન આગચ્છેત્ - થવું નહિ.

હિ - કેમ કે

તૌ - તે બે

અસ્ય - આ

પરિપન્થિનૌ - કલ્યાણ માર્ગના વિરોધી છે (મહાશત્રુઓ)

ઇન્દ્રિયસ્ય - પ્રત્યેક ઇન્દ્રિયને

ઈન્દ્રિયસ્ય અર્થે - ઇન્દ્રિયોના અર્થમાં (વિષયોમાં)

રાગદ્વેષૌ - રાગ અને દ્વેષ

વ્યવસ્થિતૌ - રહેલા છે.

તયો: - તે બંનેના

વશમ્ - વશ

(પરંતુ) પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયમાં રાગદ્વેષ રહેલા છે; તે રાગદ્વેષને વશ ન થવું. કારણ કે તે બંને મનુષ્યના કર્તવ્યમાર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. (૩૪)

ભાવાર્થ

સુખાનુશયી રાગ: | દુ:ખાનુશયી દ્વેષ: (પતંજલિ)

ઇન્દ્રિયોને જયારે ઇન્દ્રિયોના વિષયો મારફતે સંસારના કોઈ પ્રાણી અગર પદાર્થ સાથે સંસર્ગ (touch) થાય છે ત્યારે તેમને અનુકૂળ પ્રાણી અગર પદાર્થ પ્રત્યે સુખની લાગણી પેદા થાય છે તેને રાગ કહેવાય અને પ્રતિકૂળ પ્રાણી અગર પદાર્થ પ્રત્યે દુઃખની લાગણી પેદા થાય છે તેને દ્વેષ કહેવાય છે. અને ત્યારે જે પ્રાણી અગર પદાર્થ પ્રત્યે રાગ પેદા થયો હોય તેનો સંગ્રહ કરવા, પ્રાપ્ત કરવા અને દ્વેષ પેદા થયો હોય તેનો ત્યાગ કરવા, હટાવવા માટે માણસ હંમેશા કર્મમાં પ્રવૃત થાય છે. આ રીતે માણસના કર્મનું ગાડું રાગ અને દ્વેષના બે પૈડાં ઉપર સતત ચાલ્યા કરે છે.

રાગ અને દ્વેષથી પ્રેરિત થઈને કરેલા કર્મ માણસને બંધન કરે છે અને રાગ - દ્વેષથી મુક્ત થઈને કરેલા કર્મ માણસની મુક્તિનું સાધન બની જાય છે.

આપણા તમામ કર્મો રાગાત્મક એટલે કે રાગથી (આસક્તિથી) પ્રેરાઈને થતા હોય છે. અગર તો દ્વેષથી (વિરાગથી) પ્રેરાઈને થતા હોય છે. રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, રાગ અને વિરાગથી પર એવી વીતરાગ સ્થિતિનો તો આપણને અનુભવ જ નથી તેથી આપણે જન્મમરણના ચક્કરમાં ફસાઈ પડીએ છીએ.

તયો: ન વશમ્ આગચ્છેત |'

આ રાગદ્વેષના ચક્કરમાં ફસાવું નહીં કારણ કે

'તૌ હિ અસ્ય પરિપન્થિનૌ |'

આ બે રાગ અને દ્વેષ જ, મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનારા - Stumbling blocks છે.

માણસ બંગલો છોડે, સ્ત્રી - પુત્રાદિક છોડે પરંતુ જે ખરેખર છોડવાનું છે તે તેમના પ્રત્યેનો રાગ (આસક્તિ)ને છોડતો નથી. પરંતુ રાગને તો તે સાથે લઈને જંગલમાં જાય છે. પરિણામે જંગલમાં પણ તેના હૈયામાં રાગ તો પડેલા જ છે તેથી જે જંગલમાં પણ બંગલાને બદલે મઠ બાંધે છે અને સ્ત્રી-પુત્રાદિકને બદલે ચેલા - ચેલીઓને ઉભા કરે છે અને પાછો તેમાં ફસાય છે.

બાકી જેના હૈયામાંથી રાગદ્વેષ નષ્ટ થઇ ગયા છે તેને તો ઘર જ તપોવન છે તેને દંડકારણ્યમાં જવાની જરૂર જ નથી, કારણ કે દંડકારણ્યમાં પણ રાગદ્વેષના દંડા ઉડે છે. રાગદ્વેષ એને ક્યાંય જંપીને બેસવા નહીં દે. ઉલ્ટાનું તેના કલ્યાણમાર્ગમાં ખોટા અવરોધો પેદા કરશે.

વનેપિ દોષાઃ પ્રભવન્તિ રાગિણામ્ । ગૃહેપિ પંચેન્દ્રિયનિગ્રહઃ તપઃ ॥
અકુત્સિતે કર્મણિ યઃ પ્રવર્તતે । નિવૃતરાગસ્ય ગૃહં તપોવનમ્ ॥

એક ખેડૂતે તેના ખેતરમાં નવો કૂવો કર્યો અને તેનું ઉદ્ઘાટન એક સંતના હાથે કરાવવાનું નક્કી કર્યું.

બીજે દિવસે તે ખેડૂત ખેતરમાં ગયો અને જોયું તો કૂવામાં આગલી રાત્રે અંધારામાં બે કૂતરા લડતા લડતા આવેલા તે કૂવામાં પડ્યા અને મરી ગયા, તેમના મદદની ભયકંર દુર્ગંધ કૂવામાંથી આવતી હતી. ખેડૂતે સંતને આ હકીકત કહી ત્યારે સંતે કહ્યું કે, 'કૂતરાના મડદાને પહેલા બહાર કાઢીને પછી કૂવામાંથી દસ - પંદર ડોલો પાણી ઉલેચી નાખજે અને પછી તેમાં એકાદ લોટી ગંગાજળની નાખજે એટલે પાણી શુદ્ધ થઇ જશે. પછી આપણે કૂવાનું ઉદ્ઘાટન કરીશું.

બીજે દિવસે ખેડૂત ખેતરમાં ગયો અને સંતના કહેવા પ્રમાણે દસ - પંદરને બદલે પચીસ - ત્રીસ ડોલો પાણી ઉલેચી નાખ્યું, કારણ કે પર્કોલેશનથી બીજું નવું ચોખ્ખું પાણી આવવાનું હતું અને ગંગાજળની એકને બદલે આઠ - દસ લોટીઓ કૂવામાં રેડી દીધી. જેથી કરીને 'અધિકસ્ય અધિકં ફલં' પ્રમાણે પાણી વધારે શુદ્ધ થાય.

ફરી બીજે દિવસે ખેડૂત ખેતરમાં કૂવો જોવા ગયો ત્યારે કૂવામાંથી માથું ફાટી જાય એવી અત્યંત ભયંકર દુર્ગંધ આવતી હતી. ખેડૂત ગભરાયો. દોડતો જઈને સંતને આ હકીકત કહી અને પૂછ્યું કે તમારા કહેવા પ્રમાણે અને તેનાથી પણ અધિક મેં પચીસ - ત્રીસ ડોલો ભરીને પાણી ઉલેચી નાખ્યું અને ગંગાજળની આઠ - દસ લોટીઓ કૂવામાં ધબકારી દીધી, તો પણ દુર્ગંધ વધારે ભયંકર આવે છે તેનું કારણ શું?

સંતે પૂછ્યું કે પણ પેલા મરેલા કૂતરાના મડદાંનું શું કર્યું? તો ખેડૂતે કહ્યું કે તે કૂતરાના મડદાં તો હજુ કૂવામાં જ પડ્યા છે.

જ્યાં સુધી હૈયામાં રાગદ્વેષના મરેલા કૂતરા પડ્યા છે ત્યાં સુધી ગમે તેટલા પૈસા દાન કરવામાં ઉલેચો - વાપરો તથા ગીતા, રામાયણ, ભાગવતનું ગંગાજળ હૈયામાં રેડો તો પણ રાગદ્વેષના મરેલા કૂતરા હૈયામાથી કાઢ્યા વગર જીવનમાં કદાપિ સુવાસ નહીં આવે.