Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

તત્ત્વવિત્તુ મહાબાહો ગુણકર્મવિભાગયોઃ ।
ગુણા ગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે ॥ ૨૮॥

તત્ત્વવિત્ તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયોઃ

ગુણા: ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે

ગુણા: - ગુણો (દેહ - ઇન્દ્રિયો)

ગુણેષુ - ગુણોમાં (વિષયોમાં)

વર્તન્તે - પ્રવર્તે છે.

ઇતિ - એમ

મત્વા - માનીને

ન સજ્જતે - આસક્ત થતો નથી.

તુ - પરંતુ

મહાબાહો - હે મહાબાહો

ગુણકર્મ વિભાગયોઃ - ગુણ, કર્મ અને વિભાગ (આત્મા)ના

તત્ત્વવિત્ત - તત્ત્વને (તત્ત્વવેત્તા) જાણનારો

હે મહાબાહો ! ગુણવિભાગ અને કર્મવિભાગના તત્ત્વને જાણનારો તો 'ગુણો ગુણોમાં વર્તે છે', એમ માની આસક્ત થતો નથી. (૨૮)

ભાવાર્થ

કૌરવો - પાંડવો નથી લડતા પરંતુ તેમની પ્રકૃતિ લડે છે. અર્જુનને લડવાનું નથી. અર્જુનના પ્રાકૃતિક ક્ષાત્રધર્મને અનિષ્ટ તત્ત્વો સામે લડવાનું છે. તેમાં અર્જુનને 'હું લડું છું, હું હારું છું, હું જીતુ છું' એવો અહંકાર કરવાની જરૂર નથી અને તેથી કરીને તેને તે કર્મના પરિણામથી સુખી અગર દુઃખી થવાની જરૂર નથી. આવી રીતે કર્મમાં અને કર્મના ફળમાં અનાસક્તિ કેળવાય. કર્તાપણાના અહંકારથી કર્મ અને તેના ફળમાં આસક્તિ વધે છે.

જુવાન થવું, વૃદ્ધ થવું એ બધું પણ પ્રકૃતિનું કાર્ય છે. તેમાં પુરુષ કર્તાપણાનો અહંકાર કરે તો તેને સુખદુઃખનું ભોક્તાપણું પ્રાપ્ત થાય. જ્ઞાની કર્મ તો કરે જ છે પરંતુ કર્તા બનતો નથી.

કેળાના છોડિયાં ઉપર તમારો પગ પડ્યો અને તમે લપસ્યા. ચાર માણસો તમને પડેલા જોઈને હસી પડ્યા, બીજા ચાર માણસો તમને બેઠા કરવા દોડી આવ્યા. ત્રીજા ચાર માણસોએ તમને માત્ર ઠપકો અને ઉપદેશ આપ્યો. આ બધી ક્રિયાઓ જુદી જુદી વસ્તુઓ અને વ્યક્તિઓની પ્રકૃતિના આધારે થઇ તેમાં તમારું કોઈ કર્તાપણું નથી તેમ માનો તો તમને કોઈ વસ્તુ અગર વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ નહીં થાય.

અજ્ઞાની એમ સમજે છે કે પોતે આ જગતનું કેન્દ્ર (સેન્ટર) છે અને બાકીનું બધું પરિઘ ઉપર છે.

જ્ઞાની સમજે છે કે પરમાત્મા આ જગતનું કેન્દ્ર છે, સેન્ટર છે અને બાકીનું બધું, પોતે પણ, પરિઘ ઉપર છે. હું તો પરિઘ ઉપર છું. ઉઠતી એક લહેરથી વધારે કાંઈ નથી. કોઈ ઉઠાડે તો ઉઠું, કોઈ ગબડાવે તો ગબડું, કોઈ કરાવે તો કરું, કોઈ રોકે તો રોકાઉં. પ્રકૃતિનો ઈશારો મારી જિંદગી બની જાય છે અને પ્રકૃતિનો ઈશારો મારુ મોત લાવે છે. ન તો મને મારા જન્મનો પત્તો છે અને ન તો મને મારા મરણનો પત્તો છે. મારો શ્વાસ અંદર કેમ જાય છે અને બહાર કેમ નીકળે છે તેનો પણ મને પત્તો નથી. હું શાથી છું? ક્યાંથી છું? અને ક્યાંયને માટે, શાને માટે છું તેનો પણ મને પત્તો નથી.

આ આખો પ્રકૃતિનો ખેલ છે અને તેની ઊડતી લહેરોમાં હું તો એક માત્ર તણખલું જ છું - એટલા માટે આ જગતમાં જે કાંઈ હાર - જીત, સુખ - દુઃખ, પ્રેમ - ઘૃણા, યુદ્ધ - શાંતિ જે કાંઈ થઇ રહ્યું છે તે માત્ર પ્રકૃતિના ગુણોથી ઘટિત, ફલિત થઇ રહ્યું છે.

આવું સમજનાર જ્ઞાનીનાં જીવનમાં અનાસક્તિ આપોઆપ પ્રગટ થાય છે.

એક માણસ તમને માથાંમાં લાકડી મારે તો તમે તેને ગાળો દો છો. પરંતુ તમે એક ઝાડ નીચે બેઠા હો અને ઉપરથી ડાળી તૂટે અને માથામાં લાકડું વાગે તો તે લાકડાને તમે ગાળો દેતા નથી. ડાળીનું લાકડું જે વિરાટ પ્રકૃતિની લીલાનો હિસ્સો છે, લાકડી મારનાર માણસ પણ એ જ વિરાટ પ્રકૃતિની લીલાનો હિસ્સો છે છતાં તમે ઝાડના લાકડાને માફ કરો છો જયારે પેલા માણસને માફ કરતા નથી.

અગર પેલા માણસે દારૂ પીધો હોય અને તમને ગાળો દે તો તમે તેને કેફી ઝેર અસર નીચે હોવાથી માફ કરો છો પરંતુ તે ક્રોધમાં હોય અને ગાળો દે તો તમે માફ કરતા નથી. ખરેખર તો ક્રોધી માણસ પણ એક પ્રકારની ઝેરી અસર નીચે જ હોય છે. ક્રોધી માણસ ક્રોધમાં આવે છે ત્યારે તેના લોહીમાં એક પ્રકારનું ઝેર તેની એડ્રિનલ નામની ગ્રંથીમાંથી છૂટે છે. તેના શરીરની અંદરની ગ્રંથિઓમાંથી ઝેરી રસસ્ત્રાવ થાય છે. માણસ તે વખતે દારૂડિયા જેવી હાલતમાં આવી જાય છે. ફર્ક માત્ર એટલો જ કે દારૂડિયો ઉપરથી મોઢેથી દારૂ લે છે જયારે ક્રોધી માણસ અંદરની ગ્રંથિઓ મારફતે કેફી ઝેરી અવસ્થામાં આવે છે. આ ક્રોધી માણસના શરીરમાં જે ઘટિત થાય છે તે પ્રકૃતિના ગુણોનું પરિણામ છે.

બુદ્ધ મૃત્યુ પામ્યા તે દિવસે તેમનો મુકામ એક નાના ગરીબ ગામડામાં હતો. ત્યાંના એક ગરીબ માણસે તેમને જમવાનું આમંત્રણ આપ્યું. પરંતુ તેના ઘરમાં કાંઈ પણ શાક નહોતું તેથી તેણે બિલાડીનો ટોપ (કુર્કરમુત્તા)નું શાક કર્યું. આ કુર્કરમુત્તા ગંદી જગ્યાએ ઉગેલા અને ઝેરી હતા. તેનો પેલા ગરીબ માણસને ખ્યાલ નહોતો, તે તો પ્રેમથી બુદ્ધને જમાડતો હતો. બુદ્ધને શાક કડવું લાગ્યું પરંતુ કશું બોલ્યા વગર ખાઈ લીધું. શરીરમાં ઝેર વ્યાપી ગયું અને સાંજે બુદ્ધ મૃત્યુ પામ્યા. પરંતુ જમતી વખતે બુદ્ધ બોલ્યા નહીં કે શાક કડવું છે કારણ કે, નહીં તો પેલા પ્રેમથી જમાડનાર ગરીબ માણસનું મન કડવું થઇ જાય અને તેનો આનંદ ઉડી જાય. મૃત્યુ તો ગમે ત્યારે આવવાનું જ હતું પરંતુ ગરીબ માણસના આનંદને શા માટે મારી નાખવો. શાક ઝેરી - કડવું હતું પરંતુ જમનાર અને જમાડનાર બંને આનંદિત હતા. બુદ્ધે વિચાર્યું હશે કે ઝેર મને નહીં મારી શકે. ઝેરની પ્રકૃતિ (ગુણ) શરીરનો જે ગુણ (પ્રકૃતિ) છે તેની ઉપર કામ કરશે, મારી ઉપર નહીં. હું તો માત્ર દ્રષ્ટા - દેખનારો છું, મરનારો નથી.

પેલા ગરીબ માણસે પોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કર્યું. ઝેર ઝેરની પ્રકૃતિ પ્રમાણે કામ કરે, બુદ્ધના શરીરે શરીરની પ્રકૃતિ પ્રમાણે કામ કર્યું અને બુદ્ધે બુદ્ધની પ્રકૃતિ પ્રમાણે કહ્યું કે, 'જે માણસે બુદ્ધને અંતિમ ભોજન આપ્યું તેના જેવો મહાભાગ્યશાળી બીજો કોણ હોઈ શકે?' હજારો - લાખો વર્ષો બાદ બુદ્ધ જેવી કોઈ વ્યક્તિ જન્મે છે તેને પ્રથમ સ્તનપાન કરાવનાર માતા જેટલી પુણ્યશાળી છે તેટલી જ તેને છેલ્લું ભોજન પીરસનાર વ્યક્તિ પુણ્યશાળી છે. જો આ ગરીબ માણસને બુદ્ધનો હત્યારો ગણવામાં આવ્યો હોત તો તેને બિચારાને લોકોએ ભેગા થઈને મારી નાખ્યો હોત, અગર તો તેના ઝૂંપડાને આગ લગાડી હોત.

આવી બુદ્ધની કરુણા અને પ્રકૃતિના ખેલનો આ પ્રસંગ છે. પાણીમાં તણાતા વીંછીને બચાવવા એક સંતે દસ વખત તેને હથેળીમાં ઉઠાવ્યો અને દશેય વખત વીંછીએ તે સંતને ડંખ માર્યો. વીંછીને ડંખ મારવાની પ્રકૃતિ વીંછી ના છોડે તો સંત તેની કરુણામય પ્રકૃતિ શા માટે છોડે? અને સંત જ તેની પ્રકૃતિ છોડે તો પરમાત્માની કોર્ટમાં વીંછી જીતી જાય અને સંત હારી જાય. પરંતુ સંતની કરુણામય પ્રકૃતિ વીંછીની ડંખ મારવાની પ્રકૃતિ કરતા વધારે પ્રબળ પુરવાર થઇ.

'જીવન પ્રકૃતિના ગુણોને અનુસાર ચાલે છે અને કર્મ પણ મહાપ્રકૃતિની વિરાટ લીલાનો હિસ્સો છે' એવું સમજનાર માણસના જીવનમાં સુખદુઃખ વગેરે દ્વંદ્વો અસર કરતા નથી અને તે અનાયાસે અનાસક્ત થઇ શકે છે.