શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના ।
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ ॥ ૪૩॥

એવમ્ બુદ્ધેઃ પરમ્ બુદ્ધ્વા સંસ્તભ્ય આત્માનમ્ આત્મના

જહિ શત્રુમ્ મહાબાહો કામરૂપમ્ દુરાસદમ્

આત્માનમ્ - મનને

સંસ્તભ્ય - વશ કરીને

દુરાસદમ્ - (એ) દુર્જય

કામરૂપમ્ - વાસનારૂપ

શત્રુમ્ - શત્રુને

જહિ - હણ

મહાબાહો - હે મહાબાહો !

એવમ્ - એ પ્રમાણે

બુદ્ધેઃ - બુદ્ધિથી

પરમ્ - પર (શ્રેષ્ઠ) (એ આત્માને)

બુદ્ધ્વા - જાણીને (અને)

આત્મના - બુદ્ધિ વડે

હે મહાબાહો ! એમ આત્માને (બુદ્ધિથી) પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જયઃ શત્રુનો તુ નાશ કર. (૪૩)

ભાવાર્થ

શરીર કરતા ઇન્દ્રિયો પર છે, પર છે એટલે કે જબરી છે અથવા સૂક્ષ્મ છે, શરીર કરતા ઇન્દ્રિયો જબરી છે અને ઇન્દ્રિયો કરતા મન જબરું છે. (સૂક્ષ્મ છે) પરંતુ મન કરતાય બુદ્ધિ વધારે જબરી છે અને તે બધાયના કરતા વધારેમાં વધારે જબરો તો તુ પોતે (સ: આત્મા) છું. માટે આ બુદ્ધિ, મન, ઇન્દ્રિયોને તુ વશમાં કરી શકું તેમ છું, તારી તાકાત જબરજસ્ત છે. તેનો તુ ઉપયોગ કર. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કેવી રીતે વશમાં આવી શકે એવી ખોટી શંકા - ચિંતા તુ કરીશ જ નહીં, કારણ કે તે બધાય કરતા તુ ઘણો જ બળવાન છે. કારણ કે એ બધા તારે લીધે જીવે છે, તુ એમના લીધે જીવતો નથી, તુ નિત્ય છું, તે અનિત્ય છે. તુ અમર છું, તે મરણાધીન છે. તુ માલિક છું, તે ગુલામ છે. સૂક્ષ્મતમ આત્મા તમામનો નિયામક અને પુષ્ટિદાતા છે.

પાંદડાનો આત્મા ડાળી છે, ડાળીઓનો આત્મા થડિયું છે. થડિયાનો આત્મા મૂળિયાં છે. મૂળિયાં ના હોય તો બધા હેઠા પડે. બધાનો આત્મા પરમાત્મા છે.

એથી ઉલ્ટું, આપણે તો શીર્ષાસનમાં જીવીએ છીએ. આપણે શરીર-ઇન્દ્રિયોને સૌથી બળવાન માનીએ છીએ. અને ઇન્દ્રિયોને આધીન મન, મનને આધીન બુદ્ધિ, અને બુદ્ધિને આધીન આત્મા માનીએ છીએ. અને મન, બુદ્ધિ ધારે તે કરે તેમ કરવા દઈએ છીએ. પરિણામે છેવટે જીવાત્મા સુખી દુઃખી થાય છે અને સંસૃતિ ચક્રમાં પડે છે.

સાધારણ રીતે - in normal course, ઇન્દ્રિયો પોતાની આદત પ્રમાણે ચાલે છે, મનના કહેવા પ્રમાણે નહીં.

બીડીની તલપ લાગે કે તરત જ આદત પ્રમાણે હાથ ખિસ્સામાં જાય, બીડી કાઢે, સળગાવે અને મનની હા કે ના પૂછ્યા - સાંભળ્યા વગર આદતના જોરે બીડી પીવા માંડે. બીડી ખિસ્સામાં ના મળે ત્યારે મનને પૂછે.

મન પણ સામાન્ય રીતે habitually - બુદ્ધિને પૂછ્યા વગેરે ઉટાંગપુટાંગ બુદ્ધિહીન વિચારો કર્યા કરે છે, હાથ સ્ટીયરિંગ ઉપર છે, પગ એક્સેલેટર ઉપર છે, બીડી મોમાં છે, મન ઇલેક્શનના વિચારો કરે છે અને ગાડી ચાલ્યા કરે છે. એક્સીડેન્ટ થાય ત્યારે બુદ્ધિને પૂછે.

બુદ્ધિ પણ કેટલીક વખત - inadvertently આત્માને પૂછ્યા વગર પોતાની મેળે ને મેળે egoist - અહંકારયુક્ત થઇ જાય છે કે હું બધું જાણું છું, મને બધી ખબર છે. પરંતુ જીવનનું સત્ય અત્યંત ગહન અને અગમ્ય છે જે બુદ્ધિની પકડની બહાર છે.

બુદ્ધિ જયારે ગૂંચવાય, મૂંઝાય (baffled) થાય ત્યારે પરમાત્માને યાદ કરે છે. પત્ની મરવાની અણી ઉપર હોય અને પોતાની કે ડોક્ટરની બુદ્ધિ મૂંઝાય ત્યારે પરમાત્માને પોકારે, ત્યારે પરમાત્માને સમર્પણ (surrender) કરે. પરંતુ હાર્યા પછી સમર્પણ કરે તેની કોઈ કિમંત નથી.

જે વ્યક્તિ પહેલેથી જ દરેક કાર્યમાં બુદ્ધિ પરમાત્માને સમર્પિત કરીને જ આત્માના આદેશ પ્રમાણે દરેક કામ કરે તે જ માણસ અજેય કામશત્રુને જીતી શકે.

દેહનો ખરો રાજા સમ્રાટ તો 'આત્મા' છે.

આત્માની સહધર્મચારિણી સામ્રાજ્ઞિ 'બુદ્ધિ' છે.

પાંચ જ્ઞાનેઇંદ્રિયો પાંચ જ્ઞાનના પ્રાંત છે.

પાંચ કર્મેન્દ્રિયો પાંચ કર્મના પ્રાંત છે.

આત્મારામના ભોળા સ્વભાવને લીધે પ્રત્યેક પ્રાંતના અધિકારી સૂબેદારો પોતાના પ્રાંતમાં સ્વતંત્ર અને સ્વેચ્છાચારી બની ગયા છે.

આત્મના આત્માનં સંસ્તભ્યઃ એટલે કે પોતાની નિજશક્તિથી પોતાના શાસનની સ્થિરતા કરાવી અને પોતાના રાજ્યમાં ઘૂસેલા આ દુર્જય(દુરાસદમ્)કામરૂપ શત્રુને પરાસ્ત કરવો.

હું મારી બુદ્ધિ (પત્ની)ને મારા કહ્યામાં રાખીશ, તેને સ્વેચ્છાચારિણી નહીં થવા દઉં અને તેની ખોટી સલાહ નહીં માનું. બુદ્ધિના કહ્યામાં મન રહે અને મનના કહ્યામાં ઇન્દ્રિયો રહે તેવી હું રાજ્યવ્યવસ્થા ગોઠવીશ. આ પ્રમાણે બધાયની ઉપર મારુ જ (આત્માનું જ) શાસન ચાલશે.

આ પ્રબુદ્ધ આત્માનો વૈભવ છે.

ભગવાન શંકરે કામને બાળી મુક્યો તે પ્રબુદ્ધ આત્માના જ્ઞાનની (આત્મસાક્ષાત્કારની) અંતિમ ચરમ સીમા છે.

આત્માનું એક નામ 'ઇન્દ્ર' છે તેથી આત્માની શક્તિને જ ઇન્દ્રિય કહે છે. આ ઇન્દ્રને વૃત્રાદિ અનેક શત્રુઓ છે, તે કામ - ક્રોધ વગેરે ચિત્તની વૃત્તિઓ છે. આ ઇન્દ્ર ઇન્દ્રિયોના દેવોના રાજા છે. પુરાણોમાં દેવો અસુરોનું યુદ્ધ છે. વેદોમાં ઇન્દ્ર - વૃત્રનું યુદ્ધ છે. તે બધું ઘણેખરે અંશે આ અધ્યાત્મક્ષેત્રનું યુદ્ધ છે.

એવં બુદ્ધે: પરં બુદ્ધવા:

પરમ્ એટલે સૂક્ષ્મ એવો અર્થ પણ થાય છે, ઇન્દ્રિયો સૂક્ષ્મ છે, ઇન્દ્રિયો કરતા મન વધારે સૂક્ષ્મતર છે, મન કરતા બુદ્ધિ સૂક્ષ્મતમ છે અને બુદ્ધિ કરતા પણ અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ આત્મા છે.

તત્ત્વચિંતનમાં સૂક્ષ્મતા તે વ્યાપકતા વડે મપાય છે, દાખલા તરીકે જયારે બરફનો ગાંગડો ઓગળી જાય છે ત્યારે તેનું પાણી વધારે જગ્યામાં ફેલાય છે. પાણી ઉકળીને વરાળ થાય છે. ત્યારે વરાળ એથી વધારે જગ્યામાં રૂમના સમગ્ર વાયુમંડળમાં ફેલાઈ જાય છે. તેથી બરફના ગાંગડા કરતા પાણી વધારે સૂક્ષ્મ છે, અને પાણી કરતા વરાળ વધારે સૂક્ષ્મ છે. તે પ્રમાણે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, સ્થૂળ શરીર, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર અને છેવટે આત્મા એકબીજાથી ઉત્તરોત્તર વધારે ને વધારે સૂક્ષ્મ છે એટલે કે વ્યાપક છે. આત્મા અત્યંત વ્યાપક છે અને પરમાત્મા (તમામ આત્માઓનો આત્મા) સર્વવ્યાપક Omnipresent, Omnipotent, Omniscient છે.

"ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ

તૃતીયો અધ્યાયઃ॥”