જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઑરથી ગર્ભ ઢંકાય છે તેમ આ કામ વડે આ (જ્ઞાન) ઢંકાયેલું છે. (૩૮)
હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો શત્રુ છે. જ્ઞાનીનું જ્ઞાન એનાથી જ ઢંકાયેલું છે. (૩૯)
ભાવાર્થ
જ્ઞાન તો તમારો સ્વભાવ છે. તમે જ્ઞાનસ્વરૂપ છો. જ્ઞાન તમારે પ્રાપ્ત કરવાનું હોતું નથી. જ્ઞાન તો સદા તમને પ્રાપ્ત જ છે. તે અજ્ઞાનથી (ધૂમેન - ધુમાડાથી) ઢંકાયેલું છે. અજ્ઞાન હટે તો જ્ઞાન તો ઉપલબ્ધ જ છે. It is already achieved. It is not a new achievement.
અજ્ઞાની માણસમાં એટલું જ જ્ઞાન ભરેલું છે જેટલું એક પરમજ્ઞાનીમાં હોય છે. અજ્ઞાનીમાં અજ્ઞાની મનુષ્યની અંદર પણ જ્ઞાન તો પૂરેપૂરું મોજૂદ હોય છે.
જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવાની જરૂર નથી, માત્ર અજ્ઞાનને હટાવવાની જરૂર છે.
અગ્નિ હોય તો જ ધુમાડો થાય. અગ્નિ ના હોય ત્યાં ધુમાડો હોય જ નહીં. તેમ જ્ઞાન હોય તો જ અજ્ઞાન હોય અને તે અજ્ઞાન જ જ્ઞાનને ઢાંકી દે છે.
અગ્નિ વગર ધુમાડો ના હોઈ શકે. પરંતુ ધુમાડા વગરનો અગ્નિ હોઈ શકે, હોય છે. લાકડું લીલું હોય તો જ ધુમાડો થાય. લાકડું તદ્દન સુક્કું ભંઠ હોય તો ધુમાડો ના થાય. ધુમાડો અગ્નિને ઘેરી લે છે. તેમ વાસના મનને ઘેરે છે. જ્ઞાનમાં અજ્ઞાન (ધુમાડો) બાધારૂપ નથી. પરંતુ વાસના (લીલા લાકડામાં રહેલો ભેજ) બાધારૂપ છે.
વાસના એટલે જે વસ્તુ નથી તેની માંગણી. આ વસ્તુ મળી જાય તો બીજી જે વસ્તુ નથી તેની માંગણી. બીજી વસ્તુ મળી જાય તો ત્રીજીની. ત્રીજી મળી જાય તો ચોથીની માંગણી. એમ માંગણી અનંત રહ્યા કરે તેનું નામ વાસના. વાસના એટલે એવી માંગણી જે સદા અતૃપ્ત, રિક્ત, ખાલી - empty જ રહે.
આત્મા તો સદા અત્યંત પાસે - નિકટતમ (Nearer than the nearest) છે, તેથી તે દેખાતો નથી, તેથી તેની વાસના જાગતી નથી. અને તેથી વસ્તુઓ અને વ્યક્તિઓની વાસનાથી ઘેરાયેલું મન આત્મા સુધી પહોંચતું નથી. પરિણામે માણસને આત્મવિસ્મૃતિ થવાથી જન્મજન્માંતરમાં ભટક્યા કરે છે,
વાસના ક્ષિતિજ (Horizon) જેવી છે. જેમ જેમ ચાલો તેમ તેમ ક્ષિતિજ આઘે ને આઘે જ દેખાય. આખી પૃથ્વીનું ચક્કર મારો તો પણ આકાશ પૃથ્વીને અડેલું દેખાય છે તે ક્ષિતિજ ઉપર પહોંચી શકશે જ નહીં.
વાસનાનું સ્મરણ આત્માનું વિસ્મરણ કરાવે છે. વાસના એટલે અજ્ઞાન. જ્ઞાન ક્યાંય ખોવાયું નથી. સદા તમારી પાસે જ મોજૂદ છે, સ્વયં તમે પોતે જ જ્ઞાનસ્વરૂપ છો. પરંતુ અજ્ઞાન(વાસના)ને લીધે જ્ઞાનનું વિસ્મરણ થઇ ગયું છે. જીવાત્માને એક્સિડન્ટમાં બ્રેઈન-હેમરેજ થઇ ગયું છે તેથી તેને પોતાનું ખરું નામ, ગામનું નામ, માબાપનું નામ વગેરેની વિસ્મૃતિ થઇ ગઈ છે. તેનું પોતાનું વિઝિટિંગ કાર્ડ, આઈ-કાર્ડ પણ ખિસ્સામાંથી ખોવાઈ ગયું છે.
ધુમાડો વાસનાનું પ્રતીક છે. વાસના ધુમાડા જેવી છે. આ ઉપમા ઘણી કિંમતી છે. ધુમાડો તલવારથી કાપી શકાય નહીં, હાથ હલાવો તો કશું અથડાય નહીં, ધક્કો મારો તો પણ તે ખસે નહીં, તેમાં કશું વાસ્તવિક - substantial નથી, Just like nothing. તત્ત્વ કાંઈ નથી, માત્ર ધુમાડો જ ધુમાડો અને છતાં તે, એક વાસ્તવિક - substantial તત્ત્વ, અગ્નિને ઢાંકે છે. અગ્નિ ગમે તે વસ્તુને બાળીને ખાક કરી નાખે, પરંતુ ધુમાડાને નહીં. ઉલ્ટું ધુમાડો અગ્નિને ઘેરી વળે છે. તેવી રીતે વાસના જીવાત્માને ઘેરી વળે છે.
બીજું પ્રતીક - દર્પણ ઉપર નાખેલી ધૂળ. ધૂળ જામવાથી દર્પણ જરાપણ બગડતું નથી. દર્પણ એક ઇંચ પણ કમદર્પણ થતું નથી. A mirror remains as it is—a mirror. દર્પણ દર્પણ જેવું જ રહે છે. દર્પણમાં કાંઈ પણ ફર્ક પડતો નથી. ધૂળના ગમે તેટલા પડ જામે અને દર્પણ બિલકુલ દેખાય નહીં તો પણ દર્પણ ખોવાતું નથી. દર્પણની Mirror like qualityમાં કાંઈ પણ ન્યૂનતા આવતી નથી. દર્પણનું દર્પણપણું નષ્ટ થતું નથી. ધૂળ હટાવો કે તુરત જ દર્પણ જેવું જ દર્પણ મળી આવે.
ચેતના ઉપર ગમે તેટલા વાસનાના પડળ ચઢે તો પણ ચેતના એવી ને એવી જ ઉજ્જવળ બની રહે. વાસનાના પડળને લીધે આપણી જ અસલ સિકલ આપણને આપણી ચેતનામાં દેખાતી નથી, તો પછી બીજું કશું તો અસલી દેખાય જ શેનું? We are suffering from spiritual blindness. જીવાત્મા આધ્યાત્મિક અંધાપાથી પીડાય છે.
યથાદર્શો મલેન ચ ! આમાં મળ શબ્દનો પ્રયોગ કરેલો છે. મળ એટલે ગંદી ધૂળ. ગંદી ધૂળમાં વાસ (વાસના) દુર્ગંધ પણ હોય. વાસનાથી ઘેરાયેલું મન દુર્ગંધ (પરતંત્રતા) ફેલાવે છે. વાસના પરતંત્રતા લાવે. જેટલું વાસનારહિત સ્વતંત્ર મન તેટલી સુવાસ. સ્ત્રીમાં રહેલી વાસના સ્ત્રીના ગુલામ બનાવે. ધનમાં રહેલી વાસના ધનવાનની ગુલામી કરાવે. સત્તાની વાસના સત્તાધીશોની ચાપલુસી - ચમચાગીરી કરાવે.
પછી ધીમે ધીમે આ દુર્ગંધ(મળ)થી આપણે ટેવાઈ જઈએ છીએ અને છેવટે આ દુર્ગન્ધમાં આપણને સુગંધીનું સુખ દેખાય છે. Conditioned થઇ જવાય છે. પછી તો તેનાથી છૂટવું મહામુશ્કેલ બની જાય છે.
પછી તો દેહની જેલ તેને મહેલ લાગે છે. કર્મની જંજીરો તેને ઘરેણાં લાગે છે અને તેને સજાવવા - શણગારવા પ્રયત્ન કરે છે. પોદળામાં પેસી રહેનાર ગૂંગાને બાગબગીચાની સુગંધી ના ગમે.
દર્પણની સામે ઉભા રહીએ ત્યાં લગી તેમાં તસ્વીર બની રહે પરંતુ ખસી જઈએ તો તસ્વીર મટી જાય. આ દર્પણનો ગુણ છે.
કેમેરામાં તસ્વીર બને પણ પછી મટે નહીં.
આત્માની ચેતના દર્પણ જેવી શુદ્ધ - નિર્લેપ રહે છે. સંસારની આસક્તિ (વાસના) છોડો કે સંસારથી મુક્ત, આત્મા (દર્પણ).
આપણી હાલત દર્પણ જેવી નહીં પરંતુ કેમેરા જેવી છે. કેમેરામાં પડેલી તસ્વીર જેમ ભૂંસાતી નથી તેમ દીધેલી ગાળ ભુલાતી નથી. દર્પણ જેવા વિશુદ્ધ હૃદયમાંથી દીધેલી ગાળ બીજી જ ક્ષણે ભૂંસાઈ જાય છે, ભુલાઈ જાય છે હૃદયને દર્પણ જેવું બનાવો, કેમેરા જેવું નહીં. દર્પણ જેવા હૃદયવાળી વ્યક્તિ અનાસક્ત થઇ શકે કારણ કે તેમાં પડેલા દુઃખ, અપમાન, ગાળ બીજી જ ક્ષણે ભૂંસાઈ, ભુલાઈ જાય છે. તેમાં કેમેરાની માફક તેનો સંગ્રહ થતો નથી. કેમેરામાં તસવીરો (impressions) ભૂંસાતી નથી.
કબીર કહે છે કે તારી ચાદરને ડાઘો ના પાડવા દઈશ. દર્પણ ભૂતકાળને ભૂલી જાય છે. કેમેરા ભૂતકાળને યાદ રાખે છે. પાપની પીડા માણસને પરમાત્મા પાસે પહોંચાડી દે છે. પુણ્યનો અહંકાર માણસને પરમાત્માથી દૂર લઇ જાય છે.
ત્રીજું પ્રતીક - જેમ માતાના ઉદરમાં રહેલો ગર્ભ ચારે તરફ જરાયુ નામના ચર્મથી ઢંકાયેલો છે તેમ જ્ઞાન કામથી (વાસનાથી - અજ્ઞાનથી) ઢંકાયેલું છે. જેમ ઑરથી આવૃત ગર્ભ હાથપગ હલાવવા જેવી સ્વક્રિયા પણ કરતો નથી તેમ વિષયાસક્ત વાસનાગ્રસ્ત અજ્ઞાની શાસ્ત્રો કે સંતોનો ઉપદેશ શ્રવણ કરવા કે શુભ કર્મો કરવા પ્રવૃત થતો નથી. પરંતુ પ્રમાદી, આળસુ, નિદ્રાપરાયણ જીવન જીવે છે. જેમ ઑરથી આવૃત થયેલો ગર્ભ બંધાય છે તેમ કામથી (મોહથી, અંધકારથી, અવિવેકથી) આવૃત થયેલો જીવાત્મા સંસારથી બંધાય છે.
આ ત્રણ પ્રતીકો આપીને ભગવાન મળ, વિક્ષેપ, અને આવરણ આ ત્રણ દોષોથી આત્મજ્ઞાન કેવી રીતે ઢંકાઈ જાય છે તે બતાવે છે. મળ એટલે દર્પણ ઉપર પડેલી ગંદી ધૂળ, વિક્ષેપ એટલે ધુમાડો જે ચંચળતાને લીધે એકાગ્રતા નષ્ટ કરીને જ્ઞાનશક્તિને (અગ્નિને) પ્રકાશિત થવા દેતો નથી; અને આવરણ એટલે જરાયુ નામના ચર્મથી ઢંકાયેલો ગર્ભ.
આ કામ જ્ઞાનીનો નિત્ય વૈરી છે. અજ્ઞાની તો વિષયભોગ કાળે કામને મિત્ર રૂપ જાણે છે. પરંતુ પરિણામે જયારે કામના કાર્યરૂપ દુઃખનો અનુભવ થાય છે ત્યારે જ તે કામને વૈરીરૂપ જાણે છે. પરંતુ જ્ઞાની તો વિષયભોગ ભોગવતી વખતે પણ કામને વૈરીરૂપ જાણે છે અને તેથી કામ જ્ઞાનીનો નિત્ય વૈરી છે.
તેમ છતાં પ્રારબ્ધવશાત્ જ્ઞાનીને ભોગવિલાસ પ્રાપ્ત થાય ત્યારે કામનો પણ જો ઉદય થાય અને તે વખતે જ્ઞાની જો સજાગ ના રહે તો, અર્થાત્ તેની જ્ઞાનનિષ્ઠા દ્રઢ ના હોય તો તે 'કામ' તેવા જ્ઞાનીનું પણ પતન કરાવે તેથી પણ તે જ્ઞાનીનો નિત્ય વૈરી છે.