બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તે પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે. (૩૫)
ભાવાર્થ
આ શ્લોકમાં 'સ્વધર્મ' શબ્દને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, જૈન, બુદ્ધ, શીખ વગેરે સંસ્થાગત સાંપ્રદાયિક ધર્મો સાથે કાંઈ લેવાદેવા કે નિસ્બત નથી.
આ શ્લોકમાં સ્વધર્મનો અર્થ છે સ્વભાવ, પ્રકૃતિ, અંતઃપ્રકૃતિ.
દરેક પ્રાણી, પદાર્થ, વસ્તુ અગર વ્યક્તિનો પોતાની પ્રકૃતિ, સ્વભાવને અનુકૂળ તેનો સ્વધર્મ નિયત થયેલો હોય છે. સ્વધર્મ એટલે માણસના સ્વ-ભાવને અનુરૂપ એવો સહજ ધર્મ. એ ધર્મ શોધવા જવાની જરૂર નથી. એ તો પ્રાપ્ત કર્મરૂપે માણસને આવી મળે છે. સ્વધર્મ તદ્દન વ્યક્તિગત બાબત છે. પ્રત્યેક પ્રાણી, પદાર્થ અગર વ્યક્તિની પોતાની નિજતા - individuality હોય છે અને તે તેનો આત્મા છે. પોતાની નિજતામાં જીવવામાં કૃત્કૃત્યતાનો આનંદ છે અને પોતાની નિજતાથી ચ્યુત થવું, ભટકી જવું તેમાં દુઃખ છે. સ્વયંની નિજતા ખીલી ઉઠે - Flowering of individuality તેને સ્વધર્મ કહેવાય.
દરેક પ્રાણી, પદાર્થ, વસ્તુ અગર વ્યક્તિનો પોતાનો નિજી સ્વધર્મ હોય છે. કોઈ બે વસ્તુઓ અગર વ્યક્તિઓનો સ્વધર્મ એકસરખો ના હોય.
લોખંડ અને લાકડાનો સ્વધર્મ અલગ હોય. પાણી અને અગ્નિનો સ્વધર્મ અલગ હોય. આંબાનો અને થોરિયાનો સ્વધર્મ અલગ હોય. ગુલાબ અને આંકડાના ફૂલનો સ્વધર્મ અલગ હોય. ગાય અને સિંહનો સ્વધર્મ અલગ હોય. માછલી અને પક્ષીનો સ્વધર્મ અલગ હોય.
બાપનો સ્વધર્મ જુદો, દીકરાનો સ્વધર્મ જુદો, પત્નીનો સ્વધર્મ પતિ સેવા, પતિનો સ્વધર્મ પત્નીનું રક્ષણ, પાલનપોષણ, રાજાનો સ્વધર્મ અલગ, પ્રજાનો સ્વધર્મ અલગ. અહિંસા-ધર્મ મહાન ગણાય. પરંતુ મહાન હોવા છતાં અર્જુન જેવા વીર ક્ષત્રિય માટે તે પરધર્મ ગણાય. અર્જુનની પ્રકૃતિ અને સ્વભાવ પ્રમાણે અર્જુનનો અધિકાર જ્ઞાનમાં નથી માટે જ્ઞાનનિષ્ઠા કે સંન્યાસ ગમે તેટલા સારા આચરણવાળા હોય અને રૂપાળા દેખાતા હોય છતાં પણ અર્જુનને માટે તે પરધર્મ 'ભયાવહ:' ભયનું કારણ છે. જયારે ક્ષાત્રધર્મ પાળતા યુદ્ધમાં હિંસા થાય માટે તે 'વિગુણ:' હલકો દેખાતો હોય તોપણ અર્જુનને માટે તે સ્વધર્મ છે. અને તે સ્વધર્મ પાળતા કદાચ તેનું મોત 'નિધનં' થાય તો પણ તેને માટે શ્રેયસ્કર છે. 'સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: |' એટલા માટે ભગવાને અર્જુનને ખાતરી આપી હતી કે -
'હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જીત્વા વા ભોક્ષ્યસે મહીમ્ |'
સ્વધર્મ પાળવામાં તું હારે અને મરે તોપણ તારું શ્રેય છે. સ્વધર્મ છોડીને નાસી જઉં અને જીવતો રહુ તો પણ તે તારે માટે મૃત્યુ સમાન છે.
દરેક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ અગર પ્રાણી પોતાના (સ્વભાવ) પ્રકૃતિજન્ય સ્વધર્મને પાળે.
કાતરનો સ્વભાવ કાપવાનો, સોયનો સ્વભાવ સાંધવાનો. તે બંને પોતાનો સ્વધર્મ પાળે છે માટે તે બંનેની સમાજને ઉપયોગીતા છે. કેળા પૌષ્ટિક ઘણા પરંતુ જેની પ્રકૃતિને માફક ના આવે તેને માટે વર્જ્ય છે. પચાસ વર્ષ પછી માણસ કાં તો પોતાનો દાક્તર હોય કે પછી મૂર્ખ. દરેક વ્યક્તિને પોતાની પ્રકૃતિનો ખ્યાલ અને અનુભવ રહેવો જોઈએ અને તે પ્રમાણે તેનો સ્વધર્મ નિયત કરીને પાળવો જોઈએ.
પોતાની પ્રકૃતિને ઓળખીને જેમ માણસ આહારમાં પથ્યાપથ્યનો વિવેક કરતા શીખે છે એવી જ રીતે પોતાનો સ્વધર્મ, સહજ ધર્મ પોતાના જીવનશોધન દ્વારા પોતે સમજી લેવો જોઈએ. આ બાબતમાં પોતાનો વિશુદ્ધ આત્મા એ જ પોતાનો ગુરુ માનવો. સ્વ એટલે Original self - પોતાની અસલ નિજતા અને તેનો જે ધર્મ તે સ્વધર્મ.
સત્ત્વગુણી બ્રાહ્મણ અહિંસક હોય છે, જયારે રજોગુણી ક્ષત્રિયને યુદ્ધમાં હિંસક થવાની છૂટ છે. તેથી અહિંસાનો સિદ્ધાંત પાળનાર બ્રાહ્મણનું અનુકરણ કરવા કરતા તો હિંસાના નિયમો પાળીને હારી જવું અગર મરી જવું તે ક્ષત્રિય માટે વધારે સારું છે.
મહાવીર, બુદ્ધ, રમણ મહર્ષિ વગેરેને તેમની નિજી પ્રકૃતિ - Individuality અનુસાર તેમને માટે સંન્યાસ અગર જ્ઞાનમાર્ગ સ્વધર્મ ગણાય અને યુદ્ધમાં ઉતરવાનો ક્ષાત્રધર્મ તેમને માટે પરધર્મ ગણાય.
સંપૂર્ણ ગુણાતીત (પ્રકૃતિથી પર) અવસ્થા પ્રાપ્ત થયા પછી અપાર્થિવ પરિસ્થિતિમાં રહેલા મનુષ્યને પાર્થિવ પ્રાકૃતિક જગતના ભેદ લાગુ પડતા નથી. વિશ્વામિત્ર, મહાવીર વગેરે મૂળે ક્ષત્રિય હતા પરંતુ પાછળથી તેમણે બ્રાહ્મણધર્મ સ્વીકાર્યો હતો. જયારે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં તેમણે ક્ષત્રિયના કર્મ કર્યા હતા. આવા લોકો અપાર્થિવ, પ્રકૃતિથી પર સ્થિતિને પ્રાપ્ત થયા પછી તેઓ તે પ્રમાણે કરી શક્ય. પરંતુ જ્યાં સુધી મનુષ્ય ભૌતિક સ્તર ઉપર હોય ત્યાં સુધી તેણે પ્રકૃતિના ગુણો અનુસાર પોતાના કર્તવ્યો (સ્વધર્મ) બજાવ્યે જ છૂટકો.
સમાજનો સાચો શિક્ષક તે શ્રેષ્ઠ બ્રાહ્મણનો સ્વધર્મ.
સમાજનો સાચો રક્ષક તે શ્રેષ્ઠ ક્ષત્રિયનો સ્વધર્મ
સમાજનો સાચો પોષક તે શ્રેષ્ઠ વૈશ્યનો સ્વધર્મ
સમાજનો સાચો સેવક તે શ્રેષ્ઠ શૂદ્રનો સ્વધર્મ
ચારેય વર્ણના માણસો પોતે પોતાની જગ્યાએ ઉભા રહીને સમાજ પ્રત્યે પોતાનો સ્વધર્મ બજાવે તે ચારેય શ્રેષ્ઠ ગણાય. તેમાં કોઈ ઊંચ-નીચનો ભેદ છે જ નહીં.
ખારા પાણી કરતા મીઠું દૂધ વધારે કિંમતી છે. છતાં ખારા પાણીમાં જીવતી માછલી મીઠા દૂધમાં રહેવા જાય તો મરી જાય. પરધર્મો ભયાવહ:| પૃથ્વી કરતા સૂર્ય વધારે મોટો અને વધારે તેજસ્વી છતાં પૃથ્વી ઉપર રહેનારા લોકો સૂર્ય ઉપર રહેવા જાય તો બળી જાય, મરી જાય. ગુલાબનું ફૂલ કદાપિ કમળનું ફૂલ થઇ શકે નહીં અને લીમડાના ઝાડના મૂળમાં ગળ્યું પાણી સીંચો તોય લીમડાના પાના અને લીંબોળી કડવા જ પાકે. છતાં લીમડો કદાપિ આંબો થવાની ખેવના નથી કરતો. ધતુરો કદાપિ ગુલાબ થવાની ખેવના નથી કરતો. દરેક પોતપોતાની જગ્યાએ સ્થિર રહીને પોતાનો સ્વધર્મ બજાવે છે અને સમાજમાં તેમની ઉપયોગીતા સિદ્ધ કરે છે.
સ્વે સ્વે કર્મણિ અભિરત: સંસિદ્ધિ લભતે નર: (ગીતા - ૧૮/૪૫)
પૃથ્વી ઉપર જેટલા જીવાત્માઓ છે તેટલા ધર્મ છે, બે કાંકરા પણ એક સરખા ખોળવા મુશ્કેલ છે. બે આદમી પણ પરિપૂર્ણ રીતે એક સરખા નથી. દરેક બાળકની પોતાની Aptitude - સ્વધર્મ પણ અલગ હોય છે. ડોક્ટર, એન્જિનિયરની બજાર કિંમત - Market value વધારે હોય તેથી કરીને કાંઈ બધા બાળકોને Aptitude વિરુદ્ધ ડોક્ટર કે એન્જિનિયર બનાવી ના શકાય.
જેનો Aptitude સ્વધર્મ જેમાં હોય તેમાં જ તેને તેના જીવનનું fulfilment - કૃતકૃત્યતા દેખાય. પરધર્મમાં નિરાશા - frustration છવાઈ જાય. કાગડો હંસની ચાલ ના ચાલી શકે. વકીલ, ડોક્ટર, એન્જીનીયર વગેરે દરેક પોતપોતાના ધંધામાં સ્વધર્મમાં (અલગ અલગ માર્ગમાં) સ્થિર રહીને પણ ધર્મ - અર્થ - કામ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે. કોઈ એન્જિનિયર પોતાનો સ્વધર્મ છોડીને વધારે આવકના લોભે ડોક્ટર થઇ જાય તો ઘણા દર્દીઓને તે મોતના ઘાટે ઉતારી દે.
દરેકને બીજાના ભાણામાં પડેલો લાડવો મોટો દેખાય છે તે ભૂલ છે. ડોક્ટરને વકીલ સુખી દેખાય છે, વેપારીને નોકરિયાત સુખી દેખાય છે અને Vice versa. ગંગા જમુનાને રસ્તે ના જઈ શકે. જમુના બ્રહ્મપુત્રાના રસ્તે ના જઈ શકે. દરેક નદી અલગ અલગ માર્ગે વહે છે. પરંતુ જયારે બધી નદીઓ સમુદ્રના કિનારે પહોંચે ત્યારે સમુદ્ર કહે છે - આવી જાઓ બધા મારામાં.
'સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ॥'
સ્વધર્મ ઉપર ચાલનાર એક દિવસ ધર્મને પ્રાપ્ત થશે. પરધર્મ ઉપર ચાલનાર અધર્મને પ્રાપ્ત થશે.
દેહના ધર્મ, મનના ધર્મ, પ્રાણના ધર્મ બધા આત્માના ધર્મથી અલગ અલગ છે. આત્માનો ધર્મ સત્ - ચિત્ત - આનંદ છે. દેહનો, મનનો, પ્રાણનો ધર્મ સત્ - ચિત્ત - આનંદ નથી. સર્વધર્માન્ પરિત્યજ્ય - આખરે આત્માનો ધર્મ પકડે તો પરમાત્માની પ્રાપ્તિ થાય કે જ્યાં 'નિધનં' મૃત્યુ નથી.
સ્વધર્મ પાળવામાં બીજાઓના સ્વધર્મની નકલ કરવી નહીં. ખરેખર તો પોતાનો સ્વધર્મ પોતે જ પાળવો. બીજાઓની બબાલ છોડો. બીજાઓની જરૂર નથી.
શાંત થવા માટે તમે એકલા બસ છો.
અશાંત થવા માટે બીજાઓની જરૂર પડશે.
આનંદિત થવા માટે તમે એકલા બસ છો.
દુઃખી સુખી થવા માટે બીજાઓની જરૂર પડશે.
પવિત્રતામાં ઉતરવા માટે તો તમે એકલા બસ છો.
પાપમાં ઉતરવા માટે બીજાની જરૂર પડશે.
બ્રહ્મચર્યમાં ઉતરવા માટે તમે એકલા બસ છો.
કામુકતા માટે બીજાની જરૂર પડશે.
ત્યાગ માટે તમે એકલા બસ છો.
ભોગ માટે બીજાની જરૂર પડશે.