શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

શ્રીભગવાનુવાચ । - શ્રી ભગવાન બોલ્યા :-
કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ ।
મહાશનો મહાપાપ્મા વિદ્ધ્યેનમિહ વૈરિણમ્ ॥ ૩૭॥

કામ: એષ: ક્રોધ: એષ: રજોગુણ સમુદ્ભવઃ

મહાશન: મહાપાપ્મા વિદ્ધિ એનમ્ ઈહ વૈરિણમ્

એષ: - એ જ

કામ: - કામ (વાસના) અને

ક્રોધ: - ક્રોધ (છે)

એનમ્ - એને જ

ઈહ - આ (કલ્યાણમાર્ગમાં)

વૈરિણમ્ - વેરી, દુશ્મન

વિદ્ધિ - જાણ.

એષ: - એ

રજોગુણ સમુદ્ભવઃ - રજોગુણથી ઉત્પન્ન થયેલા અને

મહાશન: - ભોગોથી તૃપ્ત ન થનાર (બહુભક્ષી) તથા

મહાપાપ્મા - મહાપાપી

આ રજોગુણથી ઉત્પન્ન થનારો, ઘણું ખાનારો અને મહાપાપી કામ અને ક્રોધ છે; આ સંસારમાં આને જ તું વૈરી જાણ. (૩૭)

ભાવાર્થ

રજોગુણી માયા જ આપણા કામ અને ક્રોધ માટે જવાબદાર છે.

સંસારના ભૌતિક પદાર્થ અગર પ્રાણી પ્રત્યે ઇન્દ્રિયોને સુખની લાગણી અનુભવાય છે ત્યારે તે પદાર્થ અગર પ્રાણી પ્રત્યે મનમાં રાગ (આસક્તિ) પેદા થાય છે અને તે પ્રાપ્ત કરવાની કામના પેદા થાય છે.

સંગાત્ સંજાયતે કામઃ ॥

ત્યારે પ્રકૃતિનો રજોગુણ માણસને તે પ્રાપ્ત કરવા કર્મમાં પ્રવૃત કરે છે. અને પછી તે પ્રાપ્ત કરવામાં જો માણસ સફળ ના થાય તો તેની સફળતામાં અવરોધ કરનારા પ્રત્યે તેને ક્રોધ થાય છે.

કામાત્ ક્રોધોભિજાયતે ॥

ઇંદ્રિયોની ભૌતિક પદાર્થ અગર પ્રાણી પ્રત્યેનો રાગ (આસક્તિ) મનની કક્ષાએ કામ (વિષયવાસના) બને છે. એ જ પ્રમાણે ઈન્દ્રીયકક્ષાનો દ્વેષ મનની કક્ષાએ ક્રોધ બની જાય છે.

મનુષ્યને ઈચ્છા નહીં હોવા છતાં પાપમાં પ્રયુક્ત કરનાર પ્રારબ્ધ અગર પરમાત્મા નથી પરંતુ રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ (કામના, વાસના, તૃષ્ણા, ઈચ્છા, સ્પૃહા વગેરે) અને ક્રોધ મનુષ્યને નાના પ્રકારના ભોગોમાં આસક્તિના કારણે તેને બળાત્કારે પાપોમાં પ્રવૃત કરે છે તેથી તે મહાન પાપી છે.

આ કામ 'મહાશન:' બહુભક્ષી ખાઉધરો છે. ગમે તેટલા ભોગો મળે તો પણ આ 'કામ' તૃપ્ત થતો નથી, ધરાતો નથી, શાંત થતો નથી. બલ્કે અગ્નિમાં જેમ જેમ ઘી હોમતા જાઓ તેમ તેમ અગ્નિ શાંત થવાને બદલે વધારે પ્રજ્વલિત થતો જાય છે, વધારે ભડકા થતા જાય છે, તેવી રીતે કામનાઓની કામનાઓ જેમ જેમ તૃપ્ત કરવા પ્રયત્ન કરતા જઈએ તેમ તેમ કામનાઓના ઉકાંટા, ભડકા વધતા જ જાય છે, તેનો લોભ વધતો જ જાય છે.

તેથી યયાતિ રાજાએ ભાગવતમાં અનુભવ સિદ્ધ વાત કરી છે કે -

ન જાતુ કામઃ કામનામુપભોગેન શમ્યતિ ।

હવિષા કૃષ્ણવર્ત્મૈવ ભૂય એવાભિવર્ધતે ||

ભર્તૃહરિ પોતાના અનુભવથી કહે છે કે -

ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તાઃ |

તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાઃ ॥

કામ અને ક્રોધ રજોગુણથી નીપજે છે અને રજોગુણથી ભોગવૃત્તિ વધે છે, ભોગતૃષ્ણા અસહ્ય થાય છે, ફલાસક્તિ થાય છે અને ભોગપ્રાપ્તિને માટે કર્મ થાય છે.

રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણાસઙ્ગસમુદ્ભવમ્ ।

તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મસઙ્ગેન દેહિનમ્ ॥

(ગીતા - ૧૪/૭)

કામોપભોગમાં વિઘ્ન આવવા લાગે તો કામીને જ ક્રોધ ઉત્પન્ન થાય છે.