શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥ ૩૩॥

સદૃશમ્ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતે: જ્ઞાનવાન્ અપિ

પ્રકૃતિમ્ યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિમ્ કરિષ્યતિ

(કેમ કે)

પ્રકૃતિમ્ - પ્રકૃતિને પામે છે

યાન્તિ - (સ્વભાવને વશ થઈને કર્મો કરે છે) તેમાં

નિગ્રહઃ - હઠ (નિરોધ)

કિમ્ - શું

કરિષ્યતિ - કરે ?

જ્ઞાનવાન્ - જ્ઞાનીઓ

અપિ - પણ

સ્વસ્યાઃ - પોતાની

પ્રકૃતે: - પ્રકૃતિ

સદૃશમ્ - પ્રમાણે

ચેષ્ટતે - ચેષ્ટા કરે છે.

ભૂતાનિ - સર્વ પ્રાણીઓ

જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ (સ્વભાવ) અનુસાર ચેષ્ટા કરે છે, બધા પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે; (એમાં) પ્રકૃતિનો (સ્વાભાવિક ક્રિયાઓનો) નિગ્રહ શું કરી શકશે? (૩૩)

ભાવાર્થ

આ શ્લોકમાં પરમાત્મા પ્રકૃતિ (સ્વભાવ)ની પ્રબળતા બતાવે છે.

દરેક પ્રાણી, પદાર્થ, વસ્તુ - વ્યક્તિની પ્રકૃતિ (સ્વભાવ) નિશ્ચિત - નક્કી થયેલા હોય છે તે તેની નિયતિ છે. તેનો નિગ્રહ કરવો એટલે તેને રોકવાનું, તેમાં ફેરફાર કરવાનું શક્ય નથી.

દરેક પદાર્થ તેની પ્રકૃતિ (સ્વભાવ) પ્રમાણે વર્તે તેમાં નિગ્રહ (control) શું કરી શકે? પ્રકૃતિ (સ્વભાવ)નો કન્ટ્રોલ નિગ્રહ કરવાથી ઉલ્ટું નુકશાન થાય.

લોખંડનો સ્વભાવ છે ડૂબવું અને ડૂબાડવું.

લાકડાનો સ્વભાવ છે તરવું અને તારવું.

પાણીનો સ્વભાવ છે પલળવું અને પલાળવું.

અગ્નિનો સ્વભાવ છે બળવું અને બાળવું.

આ અને આવા બીજા પદાર્થો તેમની પ્રકૃતિ છોડી દે તો આજનું વિજ્ઞાન ક્યાં જઈને ઉભું રહે?

એ જ પ્રમાણે દરેક વૃક્ષ, વનસ્પતિ પોતાની પ્રકૃતિ (સ્વભાવ) મુજબ જીવે છે અને સંસારને ઉપયોગી થાય છે. આંબાનો સ્વભાવ છે કેરીઓ (ફળ) આપવાનો તેમાં કાંટા ના ઉગે. થોરિયાનો સ્વભાવ છે કાંટા ઉગાડવાનો - તે ફળ, ફૂલ વગેરે ના આપી શકે. આ પ્રમાણે દરેક વનસ્પતિ પોતપોતાની પ્રકૃતિ (સ્વભાવ) પ્રમાણે સંસારમાં પેદા થઈને પોતાની પ્રકૃતિને બદલ્યા વગર પોતાની રીતે પોતાના પ્રાકૃતિક સ્થાને ઉભા ઉભા જગતને પોતાની ઉપયોગિતાનો લાભ આપે છે.

દરેક પ્રાણીનો પણ પ્રકૃતિધર્મ અલગ અલગ હોય છે. માછલીઓ (જળચર પ્રાણીઓ) આકાશમાં ઉડી શકતી નથી, તેમની પ્રકૃતિ પ્રમાણે તે પાણીમાં જ જીવે છે અને પાણીને શુદ્ધ રાખવાનું કામ કરે છે. પક્ષીઓ (નભકર પ્રાણીઓ) આકાશમાં ઉડી શકે છે. તે તેમની નિયતિ (પ્રકૃતિ) છે. સ્થળચર પ્રાણીઓમાં સિંહ, વાઘ વગેરે હિંસક પ્રાણીઓ પ્રકૃતિસ્વભાવથી જ ક્રૂર અને માંસાહારી હોય છે. તેની પ્રકૃતિનો ગમે તેટલો નિગ્રહ કરો, રોકવા પ્રયત્ન કરો તો પણ તે દયાળુ અને શાકાહારી થઇ શકે નહીં. ગાય, હરણ પ્રકૃતિથી જ હિંસક નથી. હાથી, ઘોડો, ગાય પ્રકૃતિ સ્વભાવથી જ શાકાહારી છે. તે કદાપિ માંસાહારી થઇ શકે જ નહીં.

પ્રત્યેક યોનિમાં (જળચર, સ્થલચર, અગર નભચર યોનિમાં) ઉત્પન્ન થનાર પ્રાણી યોનિધર્મ અનુસાર જુદી જુદી પ્રકૃતિના હોય છે.

એ જ પ્રમાણે મનુષ્યયોનિમાં દરેક મનુષ્યની પ્રકૃતિ (સ્વભાવ)માં ભિન્નતા હોય છે. કેટલાક માણસો સ્વભાવથી જ બહિર્મુખી (extroverts) હોય છે જયારે કેટલાક અંતર્મુખી સ્વભાવના (introverts) હોય છે. કેટલાક શાંત પ્રકૃતિના, કેટલાક ક્રોધી, કેટલાક ઘાતકી, કેટલાક દયાળુ, કેટલાક સેવાભાવી પ્રકૃતિના હોય છે તેની પાછળ તેમના અનેક જન્મોનું વિજ્ઞાન પડેલું છે. અનેક જન્મોના સંસ્કારથી આ પ્રકૃતિ બને છે.

અનાદિ કાળથી અનેકાનેક પૂર્વ જન્મમાં કરેલા અનેક શુભ - અશુભ કર્મોના સંસ્કાર આ જન્મમાં પ્રગટ થાય છે. તેને સ્વભાવ (પ્રકૃતિ) કહેવાય છે. બ્રહ્મવેત્તા, શાસ્ત્રજ્ઞ અથવા કર્મના ગુણદોષોને જાણનાર જ્ઞાની પુરુષો પણ પોતાના સ્વભાવને અનુસાર વર્તન કરે છે.

અર્જુન વિદ્વાન અને જ્ઞાની ભક્ત હોવા છતાં પોતાની જન્મ સાથે ઉત્પન્ન થયેલી વીરવૃત્તિને છોડીને બ્રાહ્મણવૃતિને ધારણ કરવા ઈચ્છતો હતો જે તેને માટે અશક્ય હતું. ભગવાન કહે છે કે હું અંતર્યામી ઈશ્વર પણ પ્રાણીમાત્રને તેના પૂર્વજનિત સ્વભાવ પ્રમાણે જ કર્મમાં પ્રવૃત થવા પ્રેરણા કરું છું. લોકસંગ્રહ, લોકકલ્યાણના કર્મો કરવામાં પણ જ્ઞાની પોતાના પૂર્વ કર્મજન્ય સ્વભાવને આધીન છે.

પ્રાણીમાત્ર પોતાના પૂર્વજન્મોનાં કર્મોના સંસ્કાર પ્રમાણે વર્તન કરે છે. દેવતા, અસુર તથા મનુષ્ય સહિત સમસ્ત વિશ્વ પૂર્વજન્મના કર્મોના સંસ્કાર (સ્વભાવ)ને આધીન છે. પ્રકૃતિના એટલે સૃષ્ટિના અખંડ ઘટાટોપમાં કેટલીક ક્રિયાઓ ના ગમતી હોય તોપણ જ્ઞાનીને કરવી પડે છે. અર્જુનને યુદ્ધ કરવું નહોતું ગમતું તો પણ તેને પ્રકૃતિને વશ થઈને કરવું પડ્યું. (જુઓ ગીતા - ૧૮/૫૮ - ૫૯ -૬૦)

જ્ઞાની પુરુષો પણ પોતપોતાની ભિન્ન ભિન્ન પ્રકૃતિને આધીન રહીને વર્તન કરે છે તો પછી સામાન્ય માણસો પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે તેમાં શી નવાઈ?

'જ્ઞાનવાન્ અપિ સ્વસ્યાઃ પ્રકૃતે: સદૃશમ્ ચેષ્ટતે'

જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર જ કાર્ય કરે છે તે પોતાની પ્રકૃતિ સ્વભાવની વિરુદ્ધ કાર્ય નથી કરી શકતો.

વશિષ્ઠ યુદ્ધ કરવા ના જઇ શકે, રામ પુરોહિતપણું ના કરી શકે, જડભરત સેનાપતિ ના થઇ શકે, વિનોબા ભાવે પ્રાઈમ મિનિસ્ટર ના થઇ શકે, ઇન્દિરા ગાંધી આશ્રમ બાંધીને એકાંતમાં ના રહી શકે. વાલ્મિકી મુનિએ ગૃહસ્થાશ્રમનો ત્યાગ ના કર્યો, શુકદેવજીએ ગૃહસ્થાશ્રમનો અંગીકાર ના કર્યો, જનક રાજાએ સંન્યાસ ના લીધો, યાજ્ઞવલ્કલયે રાજ્યાસન ગ્રહણ ના કર્યું, રામકૃષ્ણ પરમહંસ તથા રમણ મહર્ષિએ ઉપદેશક બનીને પ્રવચન નથી કર્યા, વિવેકાનંદે મૌનવ્રત ધારણ કરીને એકાંતસેવન નથી કર્યું. અરવિંદ રાજકીય નેતા ના બન્યા, મહાત્મા ગાંધીએ બેરિસ્ટર થઈને વકીલાત છોડી દીધી, શિવાનંદ સરસ્વતી ડોકટર હોવા છતાં તેમણે હોસ્પિટલ ના ચલાવી. જડભરત મૌન રાખતા હતા. દુર્વાસા ક્રોધી હતા. વામદેવ શાંત હતા. શુક્રાચાર્ય ત્યાગી વિરક્ત હતા. શ્રોકૃષ્ણ (પ્રકૃતિથી પર હોવાથી) ભોગી અને ત્યાગી બંને હતા, મહાવીર કૃષ્ણની માફક ગોપીઓ સાથે રાસ ના રમે. દ્યુતને ધર્મ માનનાર ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર દ્યુતની પ્રેરણા ના રોકી શક્યા. જગદ્ગુરુ શ્રીકૃષ્ણના ઉપદેશ અને વિનંતીઓનો અનાદર કરીને લોભને વશ થયેલા ધૃતરાષ્ટ્ર, દુર્યોધન યુદ્ધમાં પ્રવૃત થયા.

દુર્યોધને તો નિખાલસભાવે કબૂલાત કરી છે કે -

જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તિઃ જાનામ્યધર્મં ન ચ મે નિવૃત્તિઃ ।

કેનાપિ દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ ॥

માણસના અનેકાનેક પૂર્વ જન્મજન્માંતરના શુભ અગર અશુભ કર્મોના સંસ્કારો આ જન્મમાં કાળે કરીને ઉદય થવાથી તે તેની પ્રકૃતિ, સ્વભાવ બની જાય છે. એટલે અસલમાં તો માણસના પૂર્વ જન્મજન્માન્તરના કર્મો જ અને તે કર્મોના સંસ્કારોનો ઉદય થવાનો કાળ તેની પ્રકૃતિ (સ્વભાવ) માટે કારણભૂત છે. અને તે સ્વભાવ પ્રમાણે જ માણસનું જીવન અને વર્તન ઘડાય છે.

કાળ, કર્મ અને સ્વભાવની પ્રબળતા સમજાવતા ગોસ્વામી તુલસીદાસજી 'માનસ રામાયણ' માં કહે છે કે -

કાળ કરમ સુભાઉં બરિઆઈ, ભલેઉ પ્રકૃતિ બસ ચુકઈ ભલાઈ.

સ્વભાવ (પ્રકૃતિ)નું ઘડતર કરવામાં માણસના પૂર્વકૃત કર્મ કેટલા જવાબદાર છે તે નીચેના સિદ્ધાંતથી સમજાશે.

ગૌતમી નામની એક વૃદ્ધ સ્ત્રીનો દીકરો સર્પદંશથી મરી ગયો. ગૌતમીએ પોતાના યોગબળથી પેલા સર્પને બોલાવ્યો અને પૂછ્યું કે તે મારા દીકરાને ક્યાં ગુનાસર મારી નાખ્યો. ત્યારે સર્પે જવાબ આપ્યો કે આમાં મારો કોઈ દોષ નથી. મારો સ્વભાવ કરડવાનો છે. પરંતુ હું પરાધીન છું, મૃત્યુદેવે મને પ્રેરણા કરી એટલે મારે પરવશ થઈને તારા દીકરાને ડંખ મારવો પડ્યો. માટે આને માટે મૃત્યુદેવ જવાબદાર છે, હું નહી. માટે તારા દીકરાને કરડવાથી મને કાંઈ પાપ લાગ્યું નથી.

મૃત્યુદેવે હાજર થઈને પોતાનો બચાવ કરતા ગૌતમીને કહ્યું કે કાળદેવે મને પ્રેરણા કરી અને તેથી મેં સર્પને પ્રેરણા કરી. તારા દીકરાને મારી નાખવામાં આ સર્પ પણ કારણ નથી અને હું પણ કારણ નથી. હું તો કાળને વશ રહેનારો છું. આ જગતમાં જે પ્રવૃતિઓ, નિવૃત્તિઓ અગર વિકૃતિઓ થઇ રહી છે તે સર્વ કાળદેવની જ ગતિ છે. તેથી આ સર્વ જગત કાળાત્મક કહેવાય છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, ઇન્દ્ર, અગ્નિ, આકાશ, પૃથ્વી, મેઘ, નદીઓ, સમુદ્રો એ સર્વને કાળ જ વારંવાર ઉત્પન્ન કરે છે અને કાળ જ નાશ પમાડે છે. મનુષ્ય જે કાંઈ ચેષ્ટા કરે છે તે કાળની પ્રેરણાથી જ કરે છે. આ સમસ્ત જગત કાળને જ અનુસરનારું છે. માટે આ કાળને જ વશ રહેનારા આ સર્પને તથા મને (મૃત્યુદેવને) તારા દીકરાના મૃત્યુ માટે કારણરૂપ માનવા યોગ્ય નથી.

એટલામાં કાળદેવ ત્યાં આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે આ બાળક મૃત્યુ પામ્યો તેમાં સર્પ, મૃત્યુદેવ કે હું (કાળદેવ) કોઈ કારણરૂપ નથી. કારણ કે પ્રાણીના મૃત્યુ માટે અમે કદાપિ પ્રયોજક થતા નથી. આ બાળકનું પૂર્વકૃત કર્મ જ અમને પ્રેરણા કરતું હતું માટે આ બાળકનું જ કર્મ જ તેના મૃત્યુના કારણરૂપ છે. પૂર્વકૃત કર્મ જ સ્વભાવ, વાસના, સંસ્કાર, પ્રારબ્ધ કે પુરુષાર્થરૂપે પરિણામ પામી મૃત્યુ કે મોક્ષના કારણરૂપ થાય છે. પૂર્વજન્મનું કર્મ જ પરિણામે સ્વભાવ (પ્રારબ્ધ) કહેવાય છે અને આ જન્મનું કર્મ પુરુષાર્થ કહેવાય છે.

સર્પ, ચોર, અગ્નિ, વીજળી, ક્ષુધા, તૃષા, રોગ વગેરેથી પ્રાણી મૃત્યુ પામે છે તેમાં પ્રાણીનું પ્રારબ્ધકર્મ જ કારણરૂપ છે. તારા દીકરાના મૃત્યુ માટે સર્પ, મૃત્યુદેવ કે કાળદેવ નહી પરંતુ તેનું પોતાનું કર્મ જ કારણરૂપ છે.

'નિગ્રહ' શબ્દનો અર્થ માત્ર સંયમન એવો નથી પરંતુ જબરાઈ અને હઠ એવો છે. ઈન્દ્રિયોનું યોગ્ય સંયમન તો કરવું જ જોઈએ પરંતુ હઠથી કે જબરાઈથી ઇંદ્રિયોની સ્વાભાવિક વૃત્તિઓને નરદમ મારી નાખવી તે શક્ય નથી. દેહ છે ત્યાં સુધી ભૂખ - તરસ આદિ શરીરના ધર્મ પ્રાકૃતિક હોવાથી મનુષ્ય ગમે તેટલો જ્ઞાની હોય તો પણ ભૂખ લાગે એટલે ભિક્ષા માંગવા નીકળી પડે છે. દેહ અને ઇન્દ્રિયોના પ્રાકૃતિક ધર્મોને નરદમ નષ્ટ કરવાની વૃથા હઠમાં ન પડતા તેનું યોગ્ય સંયમન કરીને તેની સ્વભાવિક પ્રાકૃતિક સિદ્ધ વૃત્તિઓને લોકસંગ્રહ માટે કલ્યાણકારી કર્મો કરવામાં ઉપયોગ કરવો જોઈએ.

'ગીતા'માં અનેક વખત ઇન્દ્રિયસંયમ અને મનોનિગ્રહનો જે ઉપદેશ કર્યો છે તેનો વિરોધ કરવા માટે આ શ્લોક અહીં નથી. ઇન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ તો અવશ્ય કરવા જ જોઈએ. પરંતુ જે બળાત્કાર અને હઠ કરવામાં આવે છે અને જે આગળ જતા હાનિકારક સિદ્ધ થાય છે તેનો નિષેધ આ શ્લોકમાં કર્યો છે હઠ કરવાનો અર્થ સંયમ નથી.