મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી (કર્મોથી મુક્ત થવા રૂપ) મારા નૈષ્કર્મ્યભાવને પામતો નથી; તેમ જ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી. (૪)
ભાવાર્થ
કર્મને રોકવું જીવનપર્યંત અસંભવ છે, તેમાં મનુષ્ય પરતંત્ર છે. જીવવાની પ્રત્યેક ક્રિયા કર્મ છે. શ્વાસ લેવો તે પણ કર્મ છે. શ્વાસ ના લેવો તે પણ કર્મ છે. સંન્યાસીને પણ કર્મ કરવું જ પડે. કર્મ છોડવાની આકાંક્ષા કરવી તે પાખંડ - Hypocrisy છે. કર્મ તો નહીં છૂટે પરંતુ તેનાથી નિષ્ક્રિયતા પેદા થશે. જયારે કર્તા વિદાય થઇ જાય ત્યારે પણ કર્મ તો ચાલતું રહે. પરંતુ ત્યારે કર્મ પરમાત્માના હાથમાં સમર્પિત થઈને ચાલે.
સંસારથી ભાગીને કોઈ સંન્યાસી ના થઇ શકે. સંસારમાં જાગી જાય તે ખરો સંન્યાસી. ન ભોગો, ન ભાગો, વરના જાગો. આકૃતિથી ભાગશો તો બીજી આકૃતિ પકડશો. બંગલો છોડશો તો મઠ પકડશો. સ્ત્રી-પુત્રાદિકને છોડશો તો ચેલા-ચેલીઓને પકડશો. ચંદ્રલોકમાં જાઓ તો પણ તમે સંસારની બહાર નથી. પદાર્થને છોડો નહીં, ભોગવો નહીં, તેમાં રહેલા ચૈતન્યને નિહાળો - તેમાં પરમાત્મા છે.
સંસારમેં ઘૂસના હી પડેગા. જરૂર ઘૂસના, લેકિન ફસના નહીં.
નિષ્કર્મનો અર્થ નિષ્ક્રિયતા (આળસ) નથી થતો. કર્તાપણાના અહંકારરહિત કર્મ નિષ્કર્મ કહેવાય. નિષ્કર્મમાં કર્મનો અભાવ નથી. કર્તાનો અભાવ છે.
Not the absence of doing or deed, but the absence of the doer.
કર્મથી ભાગવું તે પણ કર્મ છે, નિષ્કર્મ નથી.
ત્યાગવું તે પણ કર્મ છે, નિષ્કર્મ નથી.
આળસુ થઈને પડ્યા રહેવું તે પણ કર્મ છે, કાંઈ પણ ના કરવું તે પણ 'ના કરવાનું' કર્મ છે.
નિષ્કર્મ એટલે
૧. કર્મ કરે પરંતુ કર્મનો ઉત્પાત નહીં.
૨. કર્મ થાય પરંતુ કર્મની ચિંતા, સંતાપ, Anxiety નહીં.
૩. કર્મ થાય પણ તેની સાથે વિફળતા, સફળતાનો રોગ નહીં.
મહત્વાકાંક્ષાનો જ્વર - બુખાર નહીં
૪. કર્મ થાય પણ ફલાકાંક્ષાની વિક્ષિપ્તતા નહીં. આકાંક્ષાની લીટી સફળતાની લીટીને ટૂંકી કરી દેશે.
૫. કર્મ ખીલે ફૂલની માફક, વજન નહીં પણ આનંદ.
જે વસ્તુનો તમે ત્યાગ કરો છો તે વસ્તુઓ તમારી માલિકીની છે જ નહીં અને હતી જ નહીં અને મરણ પછી હશે પણ નહીં પછી ત્યાગ શેનો?
વસ્તુઓનો ત્યાગ કરવાથી પરમાત્મા મળે? સોદો કરો છો? ત્યાગ કરેલી વસ્તુઓની કિંમત કેટલી અને પરમાત્માની કિંમત કેટલી? ખોટું નારિયેળ ધરીને સાચા આશીર્વાદ લેવા નીકળ્યા છો?
ત્યાગ કરવાથી પરમાત્મા ના મળે પરંતુ પરમાત્મા મળે તો ત્યાગ ફલિત થાય. પરમાત્મા મળે તો ભૌતિક વસ્તુઓનો આપોઆપ ત્યાગ થઇ જાય, છૂટી જાય. રૂપિયો હાથમાં આવે તો પતાસું છૂટી જાય, તેમ મહેલ મળે તો ઝૂંપડું આપોઆપ છૂટી જાય.
કર્મ છોડવાનું નથી. કર્મ છૂટે પણ નહીં, જીવો છો ત્યાં સુધી દુકાન છોડીને સંન્યાસ લેશો તો ભીખ માંગવાનું કર્મ તો કરવું જ પડશે. ઘર છોડશો તો મઠ ઉભો કરવો જ પડશે.
એટલા માટે ભગવાન એક નવો રસ્તો, નવો Dimension, નવો આયામ ખોલે છે. કહે છે કે -
કર્મ કરવાનું જીવો ત્યાં સુધી ચાલુ જ રાખો. પરંતુ કર્તાપણાના અહંકારને છોડો. કર્મ કો ચલને દો, કર્તા કો જાને દો.
તમારે લીધે જ જગત ચાલતું નથી. હિટલર, સિકંદર, ગાંધીજી જતા રહ્યા તો પણ જગત ચાલે છે. એમના જેવા બીજા પેદા થયા જ કરશે. કર્તા હોવાનો ખ્યાલ નીકળી જાય તો માણસને સમજાય કે અનંત નિયમોની જાળમાં જીવન ચાલે છે. જીવન એક ધારા છે જે અનાદિકાળથી વહેતી જ રહે છે. તેમાં તું તો એક તણખલું જ છે, જે ધારામાં વહ્યા જ કરે છે. તું વહેતુ નથી, ધારા વહે છે - ધારા જે દિશામાં વહે છે તે દિશામાં તું તો માત્ર ઘસડાય છે. પાપ અગર પુણ્ય નથી અભડાતું. પાપનો અગર પુણ્યનો કર્તા અભડાય છે. કર્તાપણાનો ખ્યાલ એ જ પાપ અગર પુણ્ય છે.
કર્તાહર્તા તો એક માત્ર પરમાત્મા જ છે. બાકીના બીજા બધા તો હરતાંફરતાં છે. પ્યાદા છે. કર્મથી ચિંતા પેદા થતી નથી. કર્તાપણાના અહંકારથી ચિંતા પેદા થાય છે.
ત્યાગમાં Bargaining છે, સોદાબાજી છે.
સમર્પણમાં સોદાબાજી નથી, તેમાં Absolute dedication, Total submission છે.
ત્યાગમાં દંભ છે, અકડ છે.
ભરેલા હાથે જે પરમાત્મા પાસે જાય છે તે ખાલી હાથે પાછો આવે છે. ખાલી હાથે જે જાય છે તે ભરેલા હાથે આવે છે.
ચોરી કરનાર એમ કહે કે કર્તાહર્તા તો ઈશ્વર છે ચોરી ઈશ્વર કરાવે છે. હું તો નિમિત્ત માત્ર છું. કોર્ટમાં એ એમ કહે કે ચોરી મેં નથી કરી, હું તો નિમિત્ત માત્ર છું, મને કર્તાપણાનો અહંકાર નથી.
તો પછી આવા ચોરે બધી બાબતમાં પરમાત્માને જ કર્તા ગણવો જોઈએ. લોકો તેને પકડે અને ગડદાપાટુ કરે, પોલીસ તેને દંડા મારીને જેલમાં પૂરે તે વખતે પણ તેણે કહેવું જોઈએ કે માર મારવામાં અને માર ખાવામાં કર્તાહર્તા ઈશ્વર છે તેમાં ચોરને કાંઈ વાંધો નથી - અને લોકો અને પોલીસ તો નિમિત્ત માત્ર છે. પરંતુ આવી દ્રષ્ટિ જો તે કેળવે તો પછી તે ચોરી કરી શકે જ નહીં.
પાપ કરીને માણસ કોર્ટમાં કહે છે કે હું કર્તા નથી.
પુણ્ય કરીને માણસ ઢંઢેરો પિટાવીને જાહેર કરે છે કે હું જ કર્તા છું.
દરેક માણસ ચોરી કરવા રાજી છે, ઉત્સુક છે પરંતુ સમાજ અને સરકારનો ડર છે તેથી અટકે છે.
પકડાઇશ તો મારી આબરૂનો, મારા કુળનો, મારી પદવી - વૈભવનો અહંકાર તૂટી જાય તે બીકે માણસ પાપ કરતો નથી.
પોતાનો અહંકાર પુષ્ટ થાય એટલા માટે જ માણસ પુણ્ય કરે છે, નહીં તો ના કરે.
એટલે પાપ અને પુણ્યની જડ અહંકાર છે. કર્તાપણાનો અહંકાર છોડીને માત્ર પરમાત્માને જ કર્તા સમજીને અને પોતાને માત્ર નિમિત્ત સમજીને જ કર્મ કરે તો તેને પાપ અગર પુણ્ય બંધનમાં નાખે નહીં.
યસ્ય નાહઙ્કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે ।
હત્વાઽપિ સ ઇમાઁલ્લોકાન્ન હન્તિ ન નિબધ્યતે ॥
(ગીતા - ૧૮/૧૭)
કર્તાપણાનો અહંકાર છોડીને પરમાત્માને પોતાની જાતનું આત્મસમર્પણ કરવું તે મોટામાં મોટું સાહસ - Adventure છે અને તે બહુ અઘરું છે. જે કર્તાપણાનો અહંકાર છોડીને સમર્પિત થઇ જાય તે પછી ચોરી, હત્યા, બેઈમાની કોને માટે કરે? તેની બધી કામના - વાસના છૂટી જ જાય.