હે કૌંતેય ! યજ્ઞ માટેના કર્મ સિવાય બીજા કર્મમાં આ લોક કર્મરૂપ બંધનવાળો થાય છે; માટે હે અર્જુન ! ફલાસક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર. (૯)
ભાવાર્થ
કર્મ કરીશ તો કર્મના બંધનમાં ફસાઇશ એ બીકથી કર્મનો ત્યાગ કરવો એ પોતાની પરતંત્રતાની ઘોષણા છે; સ્વતંત્રતાની નહીં. કારણ કે કર્મના બંધનથી તો ભાગી જઈ શકે જ નહીં. કારણ કે એક કર્મનો ત્યાગ કરશો તો તે 'કર્મ નહીં કરવાનું' કર્મ બની જશે અને તે બાંધશે. તેના કરતા નિયત કર્તવ્ય - કર્મ તો કરવું જ પરંતુ તે ઈશ્વર નિમિત્તે, ભગવદ્ પ્રીત્યર્થે (યજ્ઞાર્થાત્) કર્મ કરવું તો તે બંધન નહીં કરે.
કમજોર, ભયભીત માણસ જ ભાગી જવાની વાત કરે, નિર્ભય - શક્તિશાળી નહીં. ગૃહસ્થીને ઘર બાંધતું નથી. દરવાજા ખુલ્લા છે. ઘર છોડીને નાસી જવાથી મુક્ત ના થવાય. ઘર બાંધતું પણ નથી અને મુક્ત પણ કરતુ નથી.
બંધન કર્મમાં નથી. કર્તાપણાના અહંકારમાં બંધન છે. કર્મમાં પડેલા રાગદ્વેષમાં બંધન છે. પલાયનવાદ - Escapism વ્યર્થ છે.
'મારુ કર્મ' (મમત્વ) માં બંધન છે.
'પરમાત્માનું કર્મ' (યજ્ઞ)માં બંધન નથી.
'યજ્ઞ' શબ્દનો પર્યાયવાચી (other word) દુનિયાની કોઈ ભાષામાં નથી. 'યજ્ઞ' એટલે એવું 'કર્મ' જેમાં કર્તા હું નહીં પરંતુ પરમાત્મા અને હું નિમિત્ત માત્ર.
ગુરુ નાનક તોલાટ તરીકે નોકરી કરતાં હતા. એક વખત તોલા જોખતા અગ્યારા, બારા, તેરા બોલતા તેરા (એટલા પરમાત્માનું) તેરા, તેરા, તેરાનો ઉચ્ચાર કરતા આગળ ચૌદા, પંદરા બોલી શક્યા નહીં. તેરા, તેરા, તેરા એમ દરેક તોલમાં બોલતા જમીનદારે પૂછ્યું કે, “અલ્યા તું પાગલ થઇ ગયો છું?” ગુરુ નાનકે કહ્યું, “અત્યાર સુધી હું પાગલ હતો પણ હવે નથી.” ગુરુ નાનકની જમીનદારની નોકરી છૂટી ગઈ અને પરમાત્માની નોકરી મળી ગઈ.
'હું કરું છું, આ મારુ છે' એવા અહંકારમાં બંધન છે. કર્તાપણાનો અહંકાર નીકળી જાય, કર્તા મટી જાય પછી કોણ બંધાય? કર્તા હોય તો બંધાય, કર્તાપણાના અહંકારથી બંધાય.
યજ્ઞાર્થંકર્મ એટલે
૧. રાગદ્વેષથી પ્રેરાયા સિવાય કરેલું કર્મ
૨. કર્તાપણાના અહંકાર સિવાય કરેલું કર્મ
૩. સમષ્ટિના કલ્યાણ માટે કરેલું કર્મ
૪. ઈશ્વર પ્રીત્યર્થે કરેલું કર્મ
૫. નિષ્કામ કર્મ, કર્મફળમાં આસક્તિરહિત કર્મ
આવું યજ્ઞાર્થં કર્મ, જીવાત્માને બિલકુલ બંધનકર્તા થતું નથી.
આ વાત સમજાવવા માટે પરમાત્મા 'ગીતા'માં અનેક વખત બોલ્યા છે.
ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્ ।
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ ॥ (ગીતા - ૫/૨૯)
યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ॥ (ગીતા - ૯/૨૭)
શુભાશુભફલૈરેવં મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ ।
સન્ન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસિ ॥ (ગીતા - ૯/૨૮)
મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્તઃ સઙ્ગવર્જિતઃ ।
નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાણ્ડવ ॥ (ગીતા - ૧૧/ ૫૫)
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ॥ (ગીતા - ૯/૩૪)
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઽસિ મે ॥ (ગીતા - ૧૮/૬૫)