જનક વગેરે કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે; (વળી) લોકસંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા યોગ્ય છે. (૨૦)
ભાવાર્થ
જનક રાજાની માફક મમતા, આસક્તિ અને કામનાઓ ત્યાગ કરીને માત્ર પરમાત્માની પ્રાપ્તિ માટે જ કર્મ કરનાર અશ્વપતિ, ઇક્ષ્વાકુ, પ્રહલાદ, અંબરિષ વગેરે કર્મયોગ દ્વારા સિદ્ધિને પામ્યા છે. નિષ્કામ કર્મો દ્વારા જેમના અંતઃકરણ શુદ્ધ થઇ જાય છે તેમને પરમાત્માની કૃપાથી તત્ત્વજ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે (ગીતા - ૪/૩૮) તથા કર્મયોગયુક્ત મુનિ તત્કાલ પરમાત્માને પ્રાપ્ત થાય છે. (જુઓ ગીતા - ૫/૬)
સમસ્ત પ્રાણીઓના ભરણપોષણ અને રક્ષણની જવાબદારી મનુષ્ય ઉપર છે. તેથી પોતાના વર્ણ, આશ્રમ, સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર કર્તવ્ય - કર્મોનું સારી રીતે આચરણ કરીને જે બીજા લોકોને પોતાના આદર્શ દ્વારા દુર્ગુણ, દુરાચારથી હટાવીને સ્વધર્મમાં લગાડે તેને લોકસંગ્રહ કહેવાય.
તેથી લોકસંગ્રહ માટે પણ માણસે સતત કર્તવ્ય કર્મ કરતા જ રહેવું જોઈએ.