ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આશ્રયસ્થાન કહેવાય છે; આ (‘કામ’) એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે. (૪૦)
ભાવાર્થ
આ ‘કામ’ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વડે આત્મા પર પોતાનું આધિપત્ય કરે છે તેથી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ 'કામ'ના અધિષ્ઠાન (રહેઠાણ) કહેવાય છે. અથવા ઇન્દ્રિયો, મન, બુદ્ધિની ચેષ્ટાનો હેતુ 'કામ' છે અને તેથી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ કામના સ્થાન (આશ્રય) કહેવાય છે.
આ કામ ઈંદ્રિયાદિનો આશ્રય કરી, વિવેકબુધ્ધીને ભ્રષ્ટ કરી, ઢાંકી દઈ 'દેહિનમ્' એટલે કે દેહાભિમાની પુરુષને વિવિધ પ્રકારે મોહ પમાડે છે.
કોઈ પણ પદાર્થના સ્વરૂપનું વિપરીત જ્ઞાન 'મોહ' કહેવાય છે. દેહાદિ અનાત્મ પદાર્થોમાં આત્મબુદ્ધિ થવી, અનિત્ય પદાર્થોમાં નિત્યબુદ્ધિ થવી, અપવિત્ર પદાર્થોમાં પવિત્ર બુદ્ધિ થવી, દુઃખરૂપ વિષયભોગોમાં સુખ-બુદ્ધિ થવી તે મોહ કહેવાય. દેહાભિમાની પુરુષની બુદ્ધિને ઢાંકી દઈં વિષયભોગોમાં આસક્ત કરી આ 'કામ' તેને શ્રેયથી ભ્રષ્ટ કરે છે. આ મોહ જ સંસારનું કારણ છે.
આ શ્લોકમાં પરમાત્મા આ નિત્યશત્રુ કામને સંતાઈ રહેવાની જગ્યાઓ (અધિષ્ઠાન) બતાવે છે. જેથી કરીને તેને ક્યાં ગોતવો તે જાણી શકાય. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં 'કામ' ને રહેવાનું સ્થાન (અધિષ્ઠાન) છે. ઇંદ્રિયોની બધી કામપ્રવૃત્તિઓનું કેન્દ્રસ્થાન મન છે. આમ ઇન્દ્રિયસુખો સંતોષવાના બધા વિચારોની વખાર મન છે. પરિણામે મન અને ઇન્દ્રિયો કામના કોઠાર બને છે. આના પછી આવે છે બુદ્ધિનું ખાનું. બુદ્ધિ કામવૃત્તિઓનું વડું મથક છે અને તે જીવાત્માની શાખપડોશી સહધર્મચારિણી પણ છે. કામાસક્ત બુદ્ધિ જીવાત્માને પ્રકૃતિ સાથે અને પછી મન અને ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય - એક થવા અને ખોટો અહંકાર પામવા પ્રભાવિત કરે છે. પરિણામે જીવાત્માને ભૌતિક ભોગો ભોગવવાની લત લાગે છે અને તે આ ભોગવૃત્તિને જ સાચું સુખ માની લેવાની ભૂલ કરે છે. આ રીતે વિષયાસક્ત બુદ્ધિ જીવાત્માને પોતાના અસલ સ્વરૂપની વિસ્મૃતિ કરાવી દે છે.