શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતીહ યઃ ।
અઘાયુરિન્દ્રિયારામો મોઘં પાર્થ સ જીવતિ ॥ ૧૬॥

એવમ્ પ્રવર્તિતમ્ ચક્રમ્ ન અનુવર્તયતિ ઈહ યઃ

અઘાયુ: ઈન્દ્રિયારામ: મોઘમ્ પાર્થ સ: જીવતિ

ન અનુવર્તયતિ - અનુસરતો નથી (શાસ્ત્ર અનુસાર કર્મ કરતો નથી)

સ: - તે

ઈન્દ્રિયારામ: - ઇન્દ્રિય લંપટ

અઘાયુ: - પાપમય જીવનવાળો

મોઘમ્ - વૃથા

જીવતિ - જીવે છે.

પાર્થ - હે પાર્થ

યઃ - જે પુરુષ

ઈહ - આલોકમાં

એવમ્ - એ પ્રમાણે

પ્રવર્તિતમ્ - ચલાવેલા

ચક્રમ્ - સૃષ્ટિચક્રને

હે પાર્થ! એમ આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો નથી, તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિયલંપટ હોઈ વ્યર્થ જીવે છે. (૧૬)

ભાવાર્થ

જીવન જીવવાના બે ઢંગ છે:

૧. સૃષ્ટિના ક્રમ અનુસાર, સૃષ્ટિચક્રને અનુસરીને (અનુવર્તયતિ)

૨. સૃષ્ટિક્રમની વિરુદ્ધ - પ્રતિકૂળ (ન અનુવર્તયતિ)

બે પ્રકારના લોકો છે:

૧. જીવનની ધારાની સાથે જીવનધારાને અનુકૂળ વહેનારા

૨. જીવનધારાની ઉલટી દિશામાં તરનારા દા.ત. એન્જીલસ, લેનિન, સ્ટેલીન, માઓ જેમણે ઇશ્વર્નો ઇન્કાર કર્યો, નાસ્તિક.

ઈશ્વર સાથે પ્રેમ થાય, પ્રાર્થના થાય, લડાય નહીં. 'જીવનના ક્રમને અનુસરનાર'નો અર્થ 'આખું જગત મારાથી ભિન્ન નથી' એવી સમજણ. હું જગતમાં (પરમાત્મામાં) પેદા થયો છું. અને જગતમાં (પરમાત્મામાં) લીન થવાનો છું. એવી સમજણ સાથે શાસ્ત્રસંમત, શાસ્ત્રવિહિત કર્મ કરે છે અને જીવનની એક અખંડ ઐક્યનો સ્વીકાર કરે. એટલા માટે શાસ્ત્રોએ બ્રહ્મચર્યાશ્રમ વગેરે ચાર આશ્રમોની અને બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે ચાર વર્ણની વ્યવસ્થા કરી છે. અર્જુન હજી સંન્યાસ લઈ શકે તેવા વર્ણ - આશ્રમને માટે પરિપક્વ નથી એવું ભગવાન તેને સમજાવવા માંગે છે.

જે મનુષ્ય પોતાનું જીવન યજ્ઞરૂપ બનાવે છે, ઇન્દ્રિયસંયમ કરે છે, પરમેશ્વરીય મહાયજ્ઞમાં આત્માર્પણ કરે છે. એ જ સફળ જીવન વ્યતીત કરે છે. આનાથી વિપરીત, જે સ્વાર્થનું જીવન વ્યતીત કરે છે એનું ભૌતિક સાધનસંપન્ન જીવન સુખમય છે એવું જોકે કેટલાક સમય સુધી દેખાશે તો પણ એના પાપી જીવનનું ભયાનક દુષ્પરિણામ કોઈ ને કોઈ વખતે તેને ભોગવવું જ પડશે.

કોણ પુણ્યાત્મા છે અને કોણ પાપાત્મા છે એની પરીક્ષા આ કસોટી છે. જે સર્વ ભૂતોનું હિત કરવા માટે પોતાની આહુતિ આપે છે તે પુણ્યાત્મા છે અને જે પોતાના સ્વાર્થ માટે સર્વભૂતોની આહુતિ આપે છે તે પાપાત્મા છે. રાક્ષસી વૃત્તિવાળા પાપાત્માઓનું કેટલોક વખત ઘણું સારું ચાલે છે તો પણ તેનાથી મોહિત થવું જોઈએ નહીં. કેટલોક વખત રાહ જોવાથી પાપાત્માની દુર્ગતિ થવાનો અને યજ્ઞરૂપ જીવન જીવનાર પુણ્યાત્માની શુભ ગતિ થવાનો અનુભવ થઇ જાય છે. આથી દરેક મનુષ્યને ઉચિત છે કે તે પોતાનું જીવન યજ્ઞમય બનાવવાનો યત્ન કરે અને પોતાના જીવનને કૃતકૃત્ય બનાવે.

મનુષ્યની કૃત્કૃત્યતાનું પ્રતિપાદન હવે પછીના ત્રણ શ્લોકોમાં ભગવાન કરે છે.