પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા (મનુષ્યો) ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે; પૂર્ણ વસ્તુ નહિ જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણજ્ઞાની ચલિત ન કરે. (૨૯)
ભાવાર્થ
અજ્ઞાની લોકો(અકૃત્સ્ન વિદ:) પ્રકૃતિના ગુણોથી સંમોહિત થયેલા હોય છે અને તે સંમોહનમાં જ જીવી રહેલા હોય છે. જો જ્ઞાની તેમનું સંમોહન તોડવા પ્રયત્ન કરે તો તેમનું જીવન અસ્તવ્યસ્ત થઇ જવાની સંભાવના છે એટલા માટે કૃષ્ણ અર્જુનને કહે છે કે 'ભલે તું જાણતો હોય કે યુદ્ધ વ્યર્થ છે છતાં પણ યુદ્ધને માટે તત્પર થયેલા દુર્યોધન વગેરે અજ્ઞાનીઓને ખબર નથી કે યુદ્ધ વ્યર્થ છે. કારણ કે તેઓ તેમની પ્રકૃતિથી સંમોહિત થયેલા છે. આ સંજોગોમાં જો તું યુદ્ધ છોડીને નાસી જઈશ તો લોકો તને કાયર સમજશે અને તું નાસી જઈશ તો પણ યુદ્ધ તો થશે જ, રોકાશે નહીં. પરંતુ તું તારા ક્ષત્રિયધર્મમાંથી ચ્યુત થઇ જઈશ અને તું જે ધર્મ અને સત્યને માટે લડી રહ્યો છું તે ધર્મ અને સત્યનો તારે લીધે જ પરાજય થશે. તું જાણતો હોવા છતાં, દેખતો હોવા છતાં આ લોકો જે પ્રકૃતિના ગુણોથી સંમોહિત થઈને પાગલ થઇ ગયા છે તેમની વચમાં તું એવો વ્યવહાર કર કે જેથી તે લોકોના જીવનની વ્યવસ્થા વ્યર્થ - અસ્તવ્યસ્ત ના થઇ જાય અને તું એકલો યુદ્ધમાંથી ભાગી જઈને પણ કાંઈ નહીં કરી શકે. હા, તું એટલું જ કર કે જો તું પોતે હોશમાં હોઉં તો તું એટલું જ સમજી લે કે જિંદગીમાં સુખ - દુઃખ, જય -પરાજય બધું જ સમાન જ છે. અને તે પરમાત્માના હાથમાં છે તેમાં તું કર્તા નથી. તું કર્તાપણાનો અહંકાર છોડીને કર્મમાં ઉતરી જા.
શ્લોક ૪ થી ૨૯ = ૨૬ શ્લોકનો સાર
એક નિશ્ચિત કલ્યાણકારક સાધન બતાવવાના ઉદ્દેશથી શ્લોક ૪ થી ૨૯ સુધી પરમાત્માએ એક વાતને સિદ્ધ કરી કે મનુષ્ય જે કોઈ પણ સ્થિતિમાં હોય તે સ્થિતિમાં તેણે પોતાનો ધર્મ, આશ્રમ, સ્વભાવ અને પરિસ્થિતિને અનુરૂપ વિહિત કર્મ કરતા જ રહેવું જોઈએ.
આ વાતને સિદ્ધ કરવાને માટે પરમાત્માએ શ્લોક ૪ થી ૨૯ સુધી ક્રમશ: નીચે પ્રમાણેની વાતો કહી છે.
શ્લોક :
૪. (૧) કર્મ કર્યા વગર નૈષ્કર્મ્ય સિદ્ધિરૂપ કર્મનિષ્ઠા મળશે જ નહીં.
(૨) કર્મોનો ત્યાગ કરવા માત્રથી જ્ઞાનનિષ્ઠા પણ સિદ્ધ નહીં થાય.
૫. (૩) એક ક્ષણને માટે પણ કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકે જ નહીં.
૬. (૪) બહારથી કર્મોનો ત્યાગ કરીને મનથી વિષયોનું ચિંતન કરતા રહેવું તે મિથ્યાચાર છે.
૭. (૫) મન - ઇન્દ્રિયોને વશમાં કરીને નિષ્કામભાવથી કર્મ કરનાર શ્રેષ્ઠ છે.
૮. (૬) કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે.
(૭) કર્મ કર્યા વગર શરીરનિર્વાહ પણ નહીં થઇ શકે.
૯. (૮) યજ્ઞને માટે કરાયેલા કર્મ બંધનકર્તા નથી. એટલું જ નહીં, બલ્કે તે મુક્તિનું કારણ બને છે.
૧૦-૧૧. (૯) કર્મ કરવાને માટે પ્રજાપતિની આજ્ઞા છે અને નિ:સ્વાર્થભાવથી તેનું પાલન કરવામાં શ્રેયની પ્રાપ્તિ થાય છે.
૧૨ (૧૦) કર્તવ્યનું પાલન કર્યા વગર ભોગોનો ઉપભોગ કરનાર ચોર છે.
૧૩. (૧૧) કર્તવ્યપાલન કરીને યજ્ઞશેષથી શરીરનિર્વાહ માટે ભોજન વગેરે કરનાર બધા પાપોથી મુક્ત થાય છે.
(૧૨) જે માણસ યજ્ઞાદિ નહીં કરતા કેવળ શરીરપાલનને માટે જ ભોજન પકવે છે તે પાપી છે.
૧૬ (૧૩) કર્તવ્ય-કર્મના ત્યાગ દ્વારા સૃષ્ટિચક્રમાં અવરોધ ઉભો કરનાર મનુષ્યનું જીવન વ્યર્થ અને પાપમય છે.
૧૯ (૧૪) અનાસક્ત ભાવથી કર્મ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે.
૨૦ (૧૫) પૂર્વકાળમાં જનકાદિએ પણ કર્મો દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
૨૧ (૧૬) બીજા માણસો શ્રેષ્ઠ પુરૂષોનું અનુકરણ કરે છે. એટલા માટે શ્રેષ્ઠ મહાપુરુષોએ પણ કર્મ કરવું જ જોઈએ.
૨૨ (૧૭) ખુદ ભગવાનને કાંઈ પણ કર્તવ્ય કર્મ નથી છતાં ભગવાન પોતે પણ લોકસંગ્રહને માટે કર્મ કરે છે.
૨૫ (૧૮) જ્ઞાનીને માટે કોઈ કર્તવ્ય કર્મ નથી તો પણ તેણે લોકસંગ્રહ માટે પણ કર્મ કરવું જોઈએ.
૨૬ (૧૯) જ્ઞાનીએ પોતે વિહિત કર્મોનો ત્યાગ કરીને અગર તો કર્મત્યાગનો ઉપદેશ કરીને કોઈ પ્રકારે પણ લોકોને કર્તવ્યકર્મથી વિચલિત નહીં કરવા જોઈએ. પરંતુ સ્વયં પોતે કર્મ કરવા જોઈએ અને બીજાઓ પાસે કર્મ કરાવવા જોઈએ.
૨૯ (૨૦) જ્ઞાની પુરુષોને માટે તો એ જ ઉચિત છે કે તેમણે વિહિત કર્મોનો સ્વરૂપે કરીને ત્યાગ કરવાનો ઉપદેશ આપીને કર્માસક્ત મનુષ્યોને વિચલિત કરવા નહીં.