Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરુતેઽર્જુન ।
જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ॥ ૩૭॥

યથા એધાંસિ સમિદ્ધ: અગ્નિ: ભસ્મસાત્ કુરુતે અર્જુન

જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્ કુરુતે તથા

કુરુતે - કરે છે

તથા - તેમ જ

જ્ઞાનાગ્નિઃ - જ્ઞાનરૂપી અગ્નિ

સર્વકર્માણિ - (પાપ તથા પુણ્યરૂપ) સર્વ કર્મોને

ભસ્મસાત્ - ભસ્મ જેવા

કુરુતે - કરે છે.

અર્જુન - હે અર્જુન !

યથા - જેમ

સમિદ્ધ: - પ્રજ્વલિત

અગ્નિ: - અગ્નિ

એધાંસિ - લાકડાને (બાળીને)

ભસ્મસાત્ - ભસ્મ જેવા

હે અર્જુન ! જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. (૩૭)

ભાવાર્થ

પાપ એટલે સઘન અંધકાર, અનેક જન્મોનું જૂનું (condensed) - ઘટ્ટ અને ગહન. પરંતુ જ્ઞાનની એક દીવાસળી બસ છે. હજારો વર્ષોનો જૂનો અંધકાર સૂર્યના (જ્ઞાનના) એક જ કિરણથી સંપૂર્ણ રીતે નષ્ટ થઇ શકે છે.

અંધારું પોટલામાં બાંધીને ફેંકી દો. ડોલોથી ઉલેચો તો પણ તે નષ્ટ નહીં થાય. નીતિશાસ્ત્રીઓ, નૈતિકવાદીઓ - Moralists પાપોને પુણ્યથી કાપવા પ્રયત્ન કરે છે પરંતુ તે Fail જાય છે - સફળ થતા નથી. કારણ કે કોઈ પણ પુણ્યકર્મ સૂક્ષ્મ પાપ વગર થઇ શકતું નથી. દરેક પુણ્યકર્મમાં કાંઈક પાપ તો છુપાયેલું જ હોય છે. તેથી Vicious circle ચાલુ જ રહે છે.

પાપ જ્ઞાનથી જ કપાય. કારણ કે જ્ઞાન કોઈ કૃત્ય (કર્મ) નથી, જેમાં પાપ કરવું પડે. જ્ઞાન અનુભવ છે. આત્માની અનુભૂતિ છે. પાપ સ્વપ્ન જેવું છે. જ્ઞાન જાગ્રત અવસ્થા છે. પુણ્ય પણ સ્વપ્ન જેવું છે. સ્વપ્નું સ્વપ્નાથી ના કપાય. સ્વપ્નું સ્વપ્નાને કાપે તો પણ સ્વપ્નું જ ચાલુ રહે.

Christianity - ઈસાઈયત આ વાત નથી સમજ્યા. તેથી Christianity guilt ridden - અપરાધી ભાવથી ભારેખમ થઇ ગઈ. પાપથી છુટકારો તેમને ના જડ્યો. જિસસે તો કહ્યું હતું કે Seek the kingdom of God (આત્મજ્ઞાન) first, and everything else will be added to you. પરંતુ ખ્રિસ્તીઓ જીસસને ના સમજી શક્યા. હિંદુઓ કૃષ્ણને ના સમજી શક્યા, જૈનો મહાવીરને ના સમજી શક્યા. તેઓ પાપને કાપવા પુણ્ય કરવા મંડી પડ્યા, તેમાં પુણ્યઇનો અહંકાર ઉભો કરીને નવા પાપ ઉમેરતા ગયા અને Vicious circle ચાલુ રહ્યું. આત્મજ્ઞાનની ખોજ ના કરી.

કર્મમાં બાદબાકી નથી. તમે પાંચ મણ પુણ્ય કરો અને ત્રણ મણ પાપ કરો અને પછી પુણ્યમાંથી પાપની બાદબાકી કરીને તમારે હવે બે મણ પુણ્ય જ ભોગવવાનું રહે એવો હિસાબ કરો તો તે હિસાબ ખોટો છે. પાંચ મણ પુણ્ય કરો તેના ફળસ્વરૂપ પાંચ મણ સુખ ભોગવો અને ત્રણ મણ પાપ કરો તેના ફળસ્વરૂપે ત્રણ મણ દુઃખ ભોગવો - એમ કુલ આઠ મણ પાપપુણ્યના ફળ સ્વરૂપે આઠ મણ સુખદુઃખ તમારે ભોગવવું પડે.

કાળા બજાર કરીને, લાંચો લઈને તે પાપ ધોવા દાન કરો તો તે દાનથી પાપ ના ધોવાય પરંતુ દાન કર્યાનો અહંકાર વધે અને અહંકાર જ પાપનું મૂળ છે. સગાભાઈનું મકાન પડાવી લઈને ગરીબોને ઝુંપડા બંધાવી આપ્યાનો અહંકાર પેદા કર્યો. દવાઓમાં ભેળસેળ કરીને હોસ્પિટલમાં દાન કર્યું, અનેક લોકોને ધધામાં ઉઘાડા કર્યા (લૂંટ્યા) અને પછી ગરીબોને શિયાળામા ધાબળા ઓઢાડવા નીકળ્યા અને આ રીતે નૈતિકવાદી દાનેશ્વરી તરીકેનો અહંકાર પેદા કર્યો.

ભારતીય ચિંતન immoral(અનૈતિક) નથી પરંતુ amoral (અતિનૈતિક) - super moral છે. ભારતીય ચિંતન નીતિની પાર જાય છે. આ શ્લોકમાં કૃષ્ણનું વક્તવ્ય amoral, super moral છે, અતિનૈતિક છે, નીતિ - અનીતિથી પેલી પાર, પાપ - પુણ્યથી પેલી પારનું વક્તવ્ય છે.

કર્મ કોઈ વસ્તુ નથી, કર્મ છે ભાવ. કર્મ કોઈ પદાર્થ નથી, કર્મ છે વિચાર. કર્મનો જન્મદાતા વ્યક્તિ નથી, કર્મનો જનમસ્ત્રોત આત્મા નથી. કર્મનો જન્મદાતા છે અજ્ઞાન. અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે વિચાર. અજ્ઞાનમાં ઉઠે છે ભાવનો તરંગ. અજ્ઞાનમાં ભાવ અને વિચારના આધાર ઉપર થાય છે કર્મ. બધાયનો મૂળમાં આધાર છે અજ્ઞાનનો.

ખરેખર તો જ્ઞાન કર્મોનો નાશ પ્રત્યક્ષ રીતે નથી કરતુ પરંતુ પરોક્ષમાં કરે છે. જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે પરંતુ અજ્ઞાનનો નાશ થવાથી કર્મોની આધારશિલા (અજ્ઞાન) તૂટી જાય છે. જ્યાં કર્મ સંગ્રહિત થાય છે તે આધાર ગરી જાય છે. જ્યાંથી કર્મ પેદા થાય છે તે સ્ત્રોત નષ્ટ થઇ જાય છે. જ્યાંથી કર્મ પેદા થઇ શકે, ભવિષ્યમાં, તે બીજ (અજ્ઞાન) દગ્ધ થઇ જાય છે.

જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણિ |

જ્ઞાન વસ્તુતઃ: સીધેસીધું (directly) કર્મોને નષ્ટ નથી કરતુ પરંતુ જ્ઞાન તો અજ્ઞાનને નષ્ટ કરે છે. અને અજ્ઞાન કર્મના બંધનની જનયિત્રી છે. અજ્ઞાન નષ્ટ થતાની સાથે જ કર્મના બંધન નષ્ટ થઇ જાય છે.

દાખલા તરીકે અંધારામાં ભય પેદા થાય છે. અજવાળું કર્યું કે ભય નષ્ટ થઇ ગયો. ખરેખરે તો અજવાળાએ તો માત્ર અંધકારનો નાશ કર્યો, ભયનો નહી. પરંતુ ભય આપોઆપ નષ્ટ થઇ ગયો. કારણ કે ભયનો આધાર હતો અંધારું.

આપણા સમસ્ત કર્મબંધનનો આધાર અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે લાગે છે કે હું કર્તા છું. અને તેથી ભોક્તાપણું ચોંટે છે. કર્તાપણાનો અહંકાર જ્ઞાનમાં ટકી શકે નહી.

નૈવ કિંચિત કરોમી ઈતિ યુક્ત: મન્યેત તત્ત્વવિત્ ।

(ગીતા - ૫/૮)

ઈંદ્રિયાણિ ઈન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન્ ॥

(ગીતા - ૫/૯)

જ્ઞાનીનાં કર્મ પાણી ઉપરની રેખા જેવા છે. અજ્ઞાનીનાં કર્મ કાગળ ઉપરની રેખા જેવા છે. જેમાં કર્તાપણાનો અહંકાર ભૂંસાતો નથી. જ્ઞાનીનું અંતઃકરણ દર્પણ જેવું છે. જેમાં કર્તાપણાના અહંકારની છાપ કર્મ કર્યા પછી નષ્ટ થઇ જાય છે. જયારે અજ્ઞાનીનું અન્તઃકરણ કેમેરાના ફોટોપ્લેટ જેવું છે. જેમાં કર્મ થઇ ગયા પછી પણ કર્તાપણાનો અહંકાર નષ્ટ થતો નથી અને તેથી ભોક્તાપણું ચોંટે છે.

કર્મ સારું અગર ખરાબ નથી. અજ્ઞાને કરીને કર્તાપણાનો ભાવ અને તેથી ભોક્તાપણું પેદા થાય છે. જ્ઞાનથી અજ્ઞાનજનિત કર્તાપણાનો અહંકાર (અંધકાર) નષ્ટ થઇ જાય છે અને તેથી તેમાં ભોક્તાપણું રહેતું નથી.

શ્વાસ લેવા - મૂકવાની ક્રિયામાં તમે માત્ર તે ક્રિયાના જ્ઞાતા, દ્રષ્ટા, સાક્ષી છો પરંતુ કર્તા નથી. તેવી રીતે તમારી ક્રિયાઓમાં જ્ઞાને કરીને તમે દ્રષ્ટા, સાક્ષી તરીકેનો ભાવ કેળવો તો કર્તાપણું - ભોક્તાપણું ના રહે. જ્ઞાનમાં કર્તાપણાનો ભ્રમ (greatest illusion) નષ્ટ થઇ જાય.

મા બાળકને જન્મ આપતી નથી, જન્મ થાય છે, પ્રકૃતિવશાત્ - by biological force. જન્મની પ્રક્રિયામા મા તો ઉપકરણ, માધ્યમ, સાધન, medium છે. તેમાં કર્તાપણાનો અહંકાર અજ્ઞાનજનિત છે.