નિત્ય સંતુષ્ટ રહેનારો, આશ્રય - આકાંક્ષારહિત મનુષ્ય કર્મ ફળની આસક્તિ છોડીને કર્મમાં પ્રવૃત થાય તો પણ તે કંઈ જ કરતો નથી. (૨૦)
ભાવાર્થ
આ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે એવો જ્ઞાની સંસારના આશ્રયે આનંદિત રહેતો નથી. તે તો નિજી આનંદમાં મગ્ન રહે છે. તેના આનંદનો સ્ત્રોત સંસાર નથી પરંતુ પરમાત્મા છે.
આવા જ્ઞાનીની નિજી મસ્તી જુઓ -
મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (૨)
જો સુખ પાયો નામ - ભજનમે
સો સુખ નામ અમીરીમેં - મન લાગ્યો
હાથમે લોટ બગલમે સોટા,
ચારો દિશી જાગીરીમેં - મન લાગ્યો
ભલા બૂરા સબકો સુણી લીજે
કર ગુજરાન ગરીબીમેં - મન લાગ્યો
કહત કબીર સુનો ભાઈ સાધો,
સાહેબ મિલે સબૂરીમેં - મન લાગ્યો
સંસાર - આશ્રિત સુખ ક્ષણિક હોય છે, ઈશ્વર - આશ્રિત સુખ નિત્ય હોય છે.
સંસાર સુખ આગયા આ ગયા.
રામકૃષ્ણ, કબીર, મીરાના આનંદ - મસ્તી સાંસારિક લાભ પર નિર્ભર નથી. દીકરો મળ્યો, બંગલો મળ્યો, લોટરી લાગી તેથી જે સુખ મળે તે ક્ષણભંગુર છે. બ્રહ્માનંદ શાશ્વત છે કારણ કે બ્રહ્મ શાશ્વત છે, ક્ષણભંગુર નથી. વિષયાનંદ ક્ષણભંગુર છે.
ફુગ્ગો બહુ ફૂલે તો ફૂટી જાય. ફુગ્ગાની હવા પારકી છે, ઉધાર છે, પોતાની નથી. સાંસારિક સુખ ફુગ્ગાની હવા જેવું છે. સાંસારિક સુખ દાદરની ખુજલી જેવું છે.
નિજી આનંદમાં રાચનાર વ્યક્તિને કર્તાપણાનો અહંકાર થતો નથી. તેને માટે કર્મનું જગત અભિનયનું જગત છે, એક્શન - ઍક્ટિંગનું જગત છે. તે આખા દિવસમાં કરેલા કર્મ રાત્રે ખંખેરી નાખીને સુઈ જાય છે. બીજે દિવસે સવારે ઉઠે ત્યારે સંપૂર્ણ સ્વસ્થ - fresh હોય છે.
'બહુત જતનસે ઓઢી ચદરીયા' (કબીર). જરા પણ કર્મનો ડાઘ પડવા દીધો નહી. આ કર્મમાં અકર્મની સ્થિતિ,
કર્મણિ અકર્મ ય: પશ્યેત |
તમે બધું હારી જાઓ અને સ્વયંને જીતી લો તો તમે મહાન વિજેતા છો. તમે બધું જ જીતી લો પરંતુ સ્વયંને હારી જાઓ તો તે તમારો મોટામાં મોટો પરાજય છે.
જેણે પોતાની જાતને જીતી લીધી છે તે જિન - જૈન.