Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

સ એવાયં મયા તેઽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ।
ભક્તોઽસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્ ॥ ૩॥

સ: એવ અયમ્ મયા તે અદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ

ભક્ત: અસિ મે સખા ચ ઈતિ રહસ્યમ્ હિ એતત્ ઉત્તમમ્

યોગઃ - યોગ

અદ્ય - આજે

મયા - મેં

તે - તને

પ્રોક્તઃ - કહ્યો;

હિ - ખરેખર

એતત્ - એ

ઉત્તમમ્ - ઉત્તમ

રહસ્યમ્ - રહસ્ય (મર્મનો વિષય) છે.

મે - મારો

ભક્ત: - ભક્ત

ચ - અને

સખા - સખા (તું)

અસિ - છે,

ઈતિ - એટલા માટે

પુરાતનઃ - પહેલા કહેલો

સ: - તે

એવ - જ

અયમ્ - આ

તે જ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઉત્તમ રહસ્ય છે; વળી તું મારો ભક્ત અને મિત્ર છે. (૩)

ભાવાર્થ

આ શ્લોકમાં ભગવાને એ ભાવ બતાવ્યો છે કે આ કર્મયોગ તમામ પ્રકારે દુઃખોથી અને બંધનોથી છોડાવીને પરમાનંદસ્વરૂપ અને પરમેશ્વરને પ્રાપ્ત કરાવનારો છે, એટલા માટે તે અત્યંત ઉત્તમ અને અત્યંત ગોપનીય છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રથમ સૂર્ય વગેરે પ્રત્યે આ કર્મયોગનો ઉપદેશ કરનાર તરીકે ગણાવે છે અને હાલમાં તું મારો ભક્ત હોવાથી હું તને (અર્જુનને) આ કર્મયોગ ફરીથી કહું છું એમ કહેવામાં ભગવાન પોતાનો અનાદિ સનાતન ઈશ્વરભાવ પ્રગટ કરે છે. આ એક મહાન ઉત્તમ રહસ્ય છે. રહસ્ય એટલા માટે કે આજે હું તારા આગળ મારો અનાદિ, સનાતન, શાશ્વત ઈશ્વરભાવ પ્રગટ કરું છું કે જે રહસ્ય (છુપાવી રાખેલું - secret) હતું. તું મારો સખા અને ભક્ત છે તેથી તારા આગળ મારુ રહસ્ય (secret) ઈશ્વરભાવ પ્રગટ કરું છું. બાકી બીજા કોઈ આગળ તો હું માત્ર માનુષી લીલા જ કરું, ઈશ્વરભાવ (રહસ્ય) પ્રગટ ન કરું.

ભગવાન અર્જુનને કહે છે તું મારો મિત્ર છે, ભક્ત છે તેથી હું તને આ રહસ્ય બતાવું છું. મિત્ર ના હોય અને શત્રુ હોય તો તેને આ રહસ્ય બતાવવામાં ભગવાનને શો વાંધો હોય? ભગવાનને તો કશોય વાંધો નથી. એ તો શત્રુને પણ રહસ્ય બતાવવા તૈયાર છે. પરંતુ ખરેખર તો શત્રુ તરફથી વાંધો છે. શત્રુને તો (દુર્યોધન જેવાને તો) આ રહસ્ય સાંભળવું પણ નથી અને જાણવું પણ નથી. તેથી ભગવાન દુર્યોધન જેવા શત્રુઓને આ રહસ્ય બતાવવા જાય તો પણ ભગવાનની સાથે દ્રોહ કરનારા દુષ્ટાત્માઓ ભગવાનની વાત સાંભળવા કે માનવા તૈયાર નથી. એટલા માટે ભગવાનને છેવટે ૧૮માં અધ્યાયમાં કહેવું પડ્યું છે કે આ ગીતાના સત્યો, ગીતાનું જ્ઞાન ગમે તેવા, પરવા વગરના અભક્તોને કહેવું નહીં.

ઇદં તે નાતપસ્કાય નાભક્તાય કદાચન ।

ન ચાશુશ્રૂષવે વાચ્યં ન ચ માં યોઽભ્યસૂયતિ ॥

(ગીતા - ૧૮/૬૭)

આ કર્મયોગનું સત્ય પુરાતન છે. સત્યમાં કશું ઉમેરી શકાતું નથી. અગર કાંઈ બાદ થઇ શકતું નથી. સત્ય તો સત્ય છે - સદાને માટે પુરાતન. સત્ય કોઈનું Invention નથી. સત્ય કોઈથી નિર્મિત થયેલું નથી. કોઈથી બનાવી શકાતું નથી. અસત્ય નિર્મિત થઇ શકે, બનાવી શકાય, ઉપજાવી શકાય અને મિટાવી પણ શકાય. સત્ય નિત્ય છે, અસત્ય અનિત્ય છે. જેને ઉપજાવી શકાય તે અસત્ય. જેનાથી બધું ઉપજી શકે તે સત્ય, સનાતન, પુરાતન.