હું અજન્મા, નિર્વિકારસ્વરૂપ અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું; છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે હું જન્મુ છું. (૬)
ભાવાર્થ
ભગવાન કહે છે : હું જન્મરહિત, મરણરહિત, તથા સર્વભૂતોનો ઈશ્વર છું. છતાં મારી માયાને અધિષ્ઠાય એટલે કે ચિદાભાસ દ્વારા વશ કરીને હું મનુષ્યદેહે અવતરું છું. મારા સંકલ્પમાત્રથી હું મનુષ્યદેહે પ્રગટ થાઉં છું. આ મારુ માયારૂપ સ્વરૂપ નિત્ય છે. જયારે જયારે દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે તે સ્વરૂપ પ્રગટ થાય છે ત્યારે તે લોકોમાં હું ઉત્પન્ન થયેલો કહેવાઉં છું. હું મારી માયાને લીધે જ શ્રીકૃષ્ણરૂપે પ્રતીત થાઉં છું. પરમાર્થ દ્રષ્ટિથી હું લોકોની પેઠે જન્મ નથી લેતો. મારા જન્મમાં વિધાતા હેતુ નથી. હું ચતુર્ભુજ સ્વરૂપે જ પ્રગટ થયો હતો પરંતુ શંખચક્રગદાધારી ચાર ભુજવાળા મારા અલૌકિક સ્વરૂપને ઉપસંહાર કરવાની માતા દેવકીની પ્રાર્થનાથી મેં પ્રાકૃત શિશુરૂપ ધારણ કર્યું. (શ્રીમદ્ ભાગવત - ૧૦/૩/૩૦) મારુ શરીર ભૂતમય નહીં પરંતુ અપ્રાકૃત શુદ્ધ સત્ત્વમય છે.
પ્રકૃતિમ્ સ્વામ્ અધિષ્ઠાય એટલે મારી પ્રકૃતિને આધીન કરીને. સ્વામ્ પ્રકૃતિમ્ એટલે કે મારી પ્રકૃતિ, જે મારી શક્તિરૂપા મૂળ પ્રકૃતિ છે જેનું વર્ણન ગીતાના નવમા અઘ્યાયના સાતમા અને આઠમા શ્લોકમાં કરેલું છે અને જેને ચૌદમા અઘ્યાયના ત્રીજા શ્લોકમાં 'મહદ્ બ્રહ્મ' કહેવામાં આવેલી છે તે પ્રકૃતિને આધીન કરીને હું મારી યોગમાયાથી પ્રગટ થાઉં છું.
ભગવાન પોતાની જે યોગશક્તિથી સમસ્ત જગતને ધારણ કરી રહ્યા છે જે અસાધારણ શક્તિથી તે નાના પ્રકારના રૂપ ધારણ કરીને લોકોની સન્મુખ પ્રગટ થાય છે અને જેમાં સંતાઈ રહેવાને કારણે લોકો તેમને ઓળખી શકતા નથી તેને સમજાવવા આ શ્લોકમાં ભગવાન 'આત્મમાયયા' શબ્દનો ઉપયોગ કરે છે.
ભગવાન કહે છે : હું સાચે જ અજન્મા અને અવિનાશી છું. વાસ્તવમાં મારો જન્મ અને મારુ મૃત્યુ કદાપિ નથી હોતા તો પણ હું સાધારણ વ્યક્તિની માફક જન્મતો હોઉં તેવું લોકોને પ્રતીત થાય છે. એવી જ રીતે હું સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં એક સાધારણ વ્યક્તિની માફક પ્રતીત થાઉં છું. મારા અવતાર તત્ત્વને નહીં સમજનાર લોકો જયારે હું મત્સ્ય, કૂર્મ, વરાહ અને મનુષ્યાદિ રૂપમાં પ્રગટ થાઉં છું ત્યારે લોકો મારો જન્મ થયો માને છે અને જયારે હું અંતર્ધ્યાન થઇ જાઉં છું ત્યારે મૂર્ખ લોકો મને મરી ગયો માને છે તથા જયારે હું તે તે રૂપોમાં દિવ્ય લીલા કરું છું ત્યારે લોકો મને તેમના જેવો સાધારણ વ્યક્તિ સમજીને મારો તિરસ્કાર કરે છે. (ગીતા - ૯/૧૧) રામાવતારમાં મને મારા ગામનો અયોધ્યાનો ધોબી પણ ઓળખી શક્યો નહીં અને તેણે મારી નિંદા કરી.
કૃષ્ણાવતારમાં મારી સગી ફોઈનો દીકરો શિશુપાલ મને ઓળખી શક્યો નહીં અને તેણે આખી જિંદગી મને પેટ ભરીને ગાળો દીધી. એ બિચારાઓ એ વાતને ના સમજી શક્યા કે હું સર્વશક્તિમાન, સર્વેશ્વર, નિત્ય શુદ્ધ-બુદ્ધ- મુક્ત સ્વભાવ, સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા જ, જગતનું કલ્યાણ કરવા માટે આ રૂપમાં પ્રગટ થઈને દિવ્ય લીલા કરી રહ્યો છું, કારણ કે હું તે સમયે યોગમાયાના પડદામાં છુપાયેલો રહુ છું. (ગીતા - ૭/૨૫)
ચેતના કેવી રીતે પ્રગટ થાય છે પદાર્થમાં ?
પરમાત્મા કેવી રીતે આવિર્ભૂત થાય છે પ્રકૃતિમાં ?
અદ્રશ્ય કેવી રીતે દ્રશ્યના શરીરને ગ્રહણ કરે છે?
અલૌકિક કેવી રીતે લૌકિક બની જાય છે?
અજ્ઞાન અસીમ - અનંત કેવી રીતે સીમા અને સ્તંભમાં બંધાય છે?
આ ઉપરોક્ત બાબતો પરમાત્મા સમજાવવા માંગે છે. પરમાત્મા યોગમાયા દ્વારા Consciously શરીરમાં અવતરણ કરે છે, જયારે જીવાત્મા યોગમાયાના સંમોહનથી unconsciously શરીરમાં જન્મે છે.
આપણો જન્મ વાસનાથી ઘેરાઈને થાય છે.
પરમાત્માનું પ્રાગટ્ય કરુણાથી પ્રેરાઈને થાય છે.
પરમાત્માના જન્મને જન્મ ના કહેવાય. પ્રાગટ્ય કહેવાય, પ્રાદુર્ભાવ કહેવાય. પરમાત્માનો conscious birth - સચેષ્ટ જન્મ, કરુણાથી પ્રેરાઈને થાય છે, જયારે આપણો જીવાત્માનો unconscious birth -નિશ્ચેષ્ટ જન્મ વાસનાથી ઘેરાઈને થાય છે. એટલા માટે પરમાત્માના જન્મ અને કર્મ દિવ્ય છે. (ગીતા - ૪/૯) વાસના અહંકાર કેન્દ્રિત છે જયારે કરુણા અહંકાર-વિકેન્દ્રિત હોય છે.
ભગવાન કહે છે : હું બીજાઓની માફક મૂર્છિત નથી જન્મતો પરંતુ સચેષ્ટ મારી જ યોગમાયાથી, પોતાને જ જન્મ આપનાર શક્તિનો સ્વયં સચેતન રૂપથી પ્રયોગ કરીને દિલ ચાહે તે શરીરમાં જરૂરિયાત મુજબ પ્રગટ થાઉં છું.