કેટલાક યોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞને ઉપાસે છે. અને કેટલાક યજ્ઞ વડે યજ્ઞને જ બ્રહ્માગ્નિમાં હોમે છે. (૨૫)
ભાવાર્થ
બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞ વડે યજ્ઞનો હોમ કરવો એટલે કે પરબ્રહ્મ પરમાત્મામાં જ્ઞાને કરીને ઐક્યભાવથી સ્થિર થવું. પછી તેનું સમસ્ત જીવન યજ્ઞ બની જાય. સમસ્ત જીવન આહુતિ બની જાય. પોતે પોતાને જ હવનનો કુંડ બનાવી દે અને તેમાં પોતાના સમસ્ત કર્મ સમર્પિત કરી દે, હવન કરી દે એટલે કે પોતાની જાતને, પોતાના અહંકારને તેમાં બાળી નાખે એટલે તેના સમસ્ત કર્મો યજ્ઞ બની જાય.
ફી આપીને, કિંમત આપીને યજ્ઞ કરાવવો એ તો ધંધાદારી કહેવાય. યજ્ઞને ધંધો ના બનાવાય. ધંધાને યજ્ઞ બનાવાય. યજ્ઞ જયારે ધંધો બની જાય ત્યારે તે યજ્ઞ ના કહેવાય. ધંધાને યજ્ઞ બનાવવાને બદલે આપણે ઉલટું કરીએ છીએ અને યજ્ઞને ધંધો બનાવી દઈએ છીએ.
યજ્ઞમાં ઘઉં નાખવા એ તો પ્રતીકાત્મક - Symbolic છે. ઘઉંને જમીનમાં નાખો, વાવો તો તે અંકુરિત થાય અને તેના ફળ - ડૂંડા લણવા પડે. પરંતુ તે ઘઉં અગ્નિમાં શેકીને વાવો તો તે અંકુરિત નહીં થાય. તેવી જ રીતે કર્મને સકામ ભાવથી વાવો તો તેના ફળ ભોગવવા પડે અને ફળ ભોગવવા જન્મમરણના ચક્કરમાં પડવું પડે. પરંતુ તમામ કર્મોને જ્ઞાનાગ્નિમાં શેકી નાખીને જીવનયજ્ઞમાં હોમી દો તો તે કર્મના બંધનમાં આવવું પડે નહીં. ઘઉં - તલ - જવ વગેરે સ્થૂળ યજ્ઞમાં હોમવાનો પ્રતીકાત્મક રૂપે - Symbolically આ ભાવ છે.
ઘઉં - જવ - તલ વગેરે દ્રવ્યો અશુભ કર્મો અગર તો સકામ કર્મોના પ્રતીકરૂપે છે, Symbolic છે. આ દ્રવ્યો (ઘઉં - તલ - જવ વગેરે) તમે અગ્નિમાં નાખો તો તે અગ્નિને મંદ પાડી દે. એટલા માટે તેમાં તેની સાથે ઘી (શુભ કર્મો અગર તો નિષ્કામ કર્મો) નો હોમ કરવાથી યજ્ઞનો અગ્નિ પ્રજ્વલિત રહે અને સાથે સાથે સુગંધી ફેલાવે. પ્રતીકાત્મકરૂપે (symbolically) ઘી હોમવાનો અસલમાં આવો ઉદ્દેશ છે, ભાવ છે.
જીવનની જ્યોતમાં પણ આ બે પદાર્થોને (ઘઉં એટલે અશુભ તથા સકામ કર્મો અને ઘી એટલે શુભ તથા નિષ્કામ કર્મો) હોમવાના છે. તેમાં બુરાઈ બાળવાની છે. અને ભલાઈ નાખીને જીવનયજ્ઞની જ્યોતને પ્રજ્વલિત અને સુગંધિત રાખવાની છે. ઘી એટલે સ્નેહ, સ્નિગ્ધતા.
ઘી પ્રકૃતિમાંથી સીધું પેદા થતું નથી. તેને માટે દૂધ - દહીં - માખણ - મંથન વગેરે પરિશ્રમ કરવો પડે છે. ત્યારે તેમાંથી થોડુંક ઘી પેદા થાય છે. તેવી જ રીતે ભલાઈ પેદા કરવા માટે પરિશ્રમ કરવો પડે છે.
જેવી રીતે ઘઉં પ્રકૃતિમાંથી સીધા પેદા થાય છે તેવી જ રીતે અહંકાર પ્રકૃતિમાંથી સીધો પેદા થાય છે.
મનુષ્યની ચેતનાએ પૃથ્વી ઉપર ઘી પેદા કર્યું છે - મનુષ્ય ના હોત તો ઘી પેદા ના થાત. એકલું દૂધ જ પેદા થાત. એવી જ રીતે મનુષ્ય ના હોત તો પવિત્ર સાત્ત્વિક બુદ્ધિવાળી ભલાઈ પેદા ના થાત - શુભ પેદા ના થાત.
ઘઉં - જવ - તલ વગેરે (અશુભ તથા સકામ કર્મો) ને અગ્નિમાં નાખતા અગ્નિની જ્યોતિને (જીવનની ચેતનાને) તે ક્ષીણ કરશે. તે વખતે ઘી (શુભ તથા નિષ્કામ કર્મો)ની અગ્નિમાં આહુતિ આપીને અગ્નિની જ્યોતને (જીવનની ચેતનાને) પ્રજ્વલિત કરવી અને આખરે શુભ અને અશુભ, સકામ અને નિષ્કામ તમામ પ્રકારના તમામ કર્મો જીવનરૂપી યજ્ઞમાં સમાપ્ત કરીને (પૂરેપૂરા બાળી નાખીને) જન્મમરણના ચક્કરમાંથી નીકળી જવું.
જેનું જીવન યજ્ઞમય બની જાય, યજ્ઞને જે યજ્ઞમાં સમર્પિત કરી દે તે માણસ જ જીવનનો પરમ, ચરમ અનુભવ કરી શકે, એની ચેતના જ પરાત્પર બ્રહ્મને પામી શકે, આત્યંતિકને (અલ્ટીમેટને) સમજી શકે.
આપણે સ્થૂળ પ્રતીકને પકડી બેઠા છીએ. અસલ યજ્ઞ શું કહેવાય તે સમજ્યા નહીં તેથી કર્મઠની માફક સ્થૂળ યજ્ઞના અગ્નિમાંથી નીકળતો ધુમાડો સમજ્યા વગર બુકાટ્યા કરીએ છીએ.
બ્રહ્મા, શિવ, શક્તિ, ગણેશ, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર અને વરુણ વગેરે જે શાસ્ત્રસંમત દેવો છે તેમને માટે હવન કરવો, તેમની પૂજા કરવી, તેમના મંત્રનો જાપ કરવો, તેમના નિમિત્તે દાન આપવું અને બ્રાહ્મણ ભોજન કરાવવું વગેરે સમસ્ત કર્મોને પોતાનું કર્તવ્ય સમજીને મમતા, આસક્તિ અને ફલેચ્છા વગર માત્ર પરમાત્માની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રવિધિ અનુસાર પૂર્ણતયા અનુષ્ઠાન કરવું તે દેવતાઓના પૂજનરૂપ યજ્ઞનું બરાબર અનુષ્ઠાન કર્યું કહેવાય.
અનાદિસિદ્ધ અજ્ઞાનને લીધે શરીરની ઉપાધિથી આત્મા અને પરમાત્માનો ભેદ અનાદિકાળથી પ્રતીત થાય છે. આ અજ્ઞાનજનિત ભેદ - પ્રતીતિને અભ્યાસ દ્વારા મિટાવી દઈને શાસ્ત્ર તથા આચાર્યોના ઉપદેશથી સાંભળેલા તત્ત્વજ્ઞાનનું નિરંતર મનન અને નિદિધ્યાસન કરતે કરતે નિત્ય વિજ્ઞાનાનંદઘન ગુણાતીત પરબ્રહ્મ પરમાત્મામાં અભેદભાવથી આત્માને એક કરી દેવો - વિલીન કરી દેવો તેને બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનો હવન કર્યો કહેવાય.