આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો. (૧)
ભાવાર્થ
ઇમમ્ યોગમ્ - આ યોગ એટલે કયો યોગ?
ગીતાના બીજા અધ્યાયના ૩૯ માં શ્લોકમાં કર્મયોગનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરીને ભગવાને બીજા અધ્યાયના અંત સુધી કર્મયોગનું બરાબર પ્રતિપાદન કર્યું. ત્યારે પછી પણ ત્રીજા અધ્યાયના અંત સુધી મોટે ભાગે કર્મયોગનું જ અંગ - પ્રત્યંગો સહિત પ્રતિપાદન કરાયું છે. તે ઉપરાંત આ યોગની પરંપરા બતાવતા ભગવાને આ શ્લોકમાં સૂર્ય અને મનુ વગેરેના નામો ગણાવ્યા છે. તે બધા ગૃહસ્થી અને કર્મયોગી જ હતા. એટલા માટે આ શ્લોકમાં પણ 'ઇમમ્ યોગમ્' આ યોગનો અર્થ 'આ કર્મયોગ' એમ સમજવું ઉચિત ગણાશે.
'ઇમમ્ યોગમ્ અવ્યયમ્' એટલે કે આ કર્મયોગ અવ્યયમ્ અર્થાત નિત્ય, અનાદિ, સનાતન સત્ય છે.
ગીતાના તમામ સત્યો સનાતન સત્યો છે. Fundamental Truths of Life. ગીતાના સત્યો નવા નથી. સત્ય નવું પણ નથી હોતું અને જૂનું પણ નથી હોતું. સત્યનો જન્મ પણ નથી તેથી મૃત્યુ પણ નથી. સત્ય નવું નથી તેથી જૂનું પણ નથી થતું. સત્ય હંમેશા સનાતન છે અને તેથી તે સમયની બહાર (beyond time) કાલાતીત છે.
જે સમયની અંદર હોય તે જન્મે, મરે, નવું થાય, જૂનું થાય, જુવાન થાય, ઘરડું થાય, સ્વસ્થ થાય, અસ્વસ્થ થાય, તે સદા પરિવર્તનશીલ (Everchanging) હોય.
સનાતન જ્ઞાન શાસ્ત્રોમાંથી નથી મળતું. શાસ્ત્રોમાંથી જ જો જ્ઞાન મળતું હોય તો બુદ્ધ, મહાવીર, જીસસ, મહંમદ, રામકૃષ્ણ પરમહંસ વગેરેને ક્યુ શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થયું હતું? શાસ્ત્ર કંઠસ્થ કરવાથી કાંઈ જ્ઞાન ના થાય. ઉલ્ટું શબ્દોની માથાઝીકમાં ગૂંચવાઈ જવાય. જ્ઞાન તો હંમેશા અંતર્મુખ થવાથી મૌન અને શૂન્યમાં પ્રગટે છે.
એક વખત મહાવીર અને બુદ્ધ એક જ દિવસે એક જ ગામમાં અને એક જ ધર્મશાળામાં ઉતર્યા હતા. પરંતુ તેઓ એકબીજા સાથે બોલ્યા પણ નહીં. લોકોને લાગે કે બંને અહંકારી હશે. પરંતુ એવું નહોતું. (જ્ઞાન) શૂન્યની સાથે શૂન્ય મૂકો તો પણ શૂન્યની કિંમત શૂન્ય જ રહે. તેની કિંમતમાં કાંઈ વધારો ઘટાડો થાય નહીં. કોઈ આંકડાની (અહંકારીની) આગળ પાછળ શૂન્ય (જ્ઞાન) મૂકો તો આંકડાની કિંમતમાં વધારો ઘટાડો થાય.
જ્ઞાનીને અજ્ઞાનીની સાથે બેસાડો તો વાતચીત શરુ થાય, શાસ્ત્ર અને શાસ્ત્રાર્થ પેદા થાય અને ઉપદ્રવ શરુ થાય.
સત્ય વિરાટ છે, શબ્દ સંકીર્ણ છે, સત્યને (જ્ઞાનને) શબ્દોમાં - શાસ્ત્રોમાં ના બાંધી શકાય.
સૂર્ય, મનુ વગેરે ગૃહસ્થી અને કર્મયોગી હતા તેથી આ શ્લોકમાં 'યોગમ્'નો અર્થ 'કર્મયોગ' થાય છે.
અહીં જયારે શ્રીકૃષ્ણ કહે છે કે આ કર્મયોગ સૌ પ્રથમ મેં જ સૂર્યને કહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણ એક વ્યક્તિ તરીકે (વસુદેવના દીકરા તરીકે) નથી બોલતા પરંતુ સમષ્ટિની માફક પરમાત્મા તરીકે બોલી રહ્યા છે.
જે ઘટનાઓ સમયની અંદર બનેલી હોય તે બાબતોમાં શ્રીકૃષ્ણ અર્જુનના મિત્ર તરીકે બોલે છે પરંતુ જે સમયની બહારની (કાલાતીત) ઘટનાઓ હોય તે બાબતોમાં શ્રીકૃષ્ણ પરમાત્માની હેસિયતથી બોલે છે. ગીતામાં જે વક્તવ્યો સમયની બહારના સનાતન સત્યો છે તે શ્રીકૃષ્ણ સીધા પરમાત્માની હેસિયતથી બોલે છે.