હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે; (કેમ કે) હે પાર્થ ! સર્વ સંપૂર્ણ કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે. (૩૩)
ભાવાર્થ
સાંસારિક વસ્તુઓ સિદ્ધ કરવા માટે આપણે અનેક આકાંક્ષાઓ, ઈચ્છાઓ, વાસનાઓ લઈને આપણે આખી જિંદગીને હોમી દઈએ છીએ તે દ્રવ્યમય યજ્ઞ કહેવાય. આવા સકામ કર્મોમાં જે ચિંતાઓ પેદા થાય અને જલન પેદા થાય છે તે 'ચિતા' કહેવાય. જયારે નિષ્કામ કર્મ કરવામાં જે જલન પેદા થાય છે તેને 'હવન' કહેવાય. માટે નિષ્કામ કર્મયજ્ઞને એટલે કે જ્ઞાનયજ્ઞને હવન કહેવાય, 'ચિતા' ના કહેવાય અને આવો જ્ઞાનયજ્ઞ તે દ્રવ્યમય યજ્ઞ કરતા ઘણો શ્રેષ્ઠ છે.
અસલી યજ્ઞ તો જ્ઞાનયજ્ઞ છે, જે શ્રેષ્ઠતમ છે. જ્ઞાનયજ્ઞનો અર્થી એ કે તેમાં કોઈ સાંસારિક ભૌક્તિક માંગણી નથી, વાસના નથી. વાસના માત્ર સાંસારિક હોય છે. શાંતિની કોઈ માંગણી નથી હોતી. નિષ્કામ કર્મમાં (જ્ઞાનયજ્ઞમાં) અશાંતિથી મુક્ત થવાય છે. અને શાંતિ પરિણમિત થાય છે. શાંતિને માટે માંગણી ના હોય, માત્ર અશાંતિ છૂટી જાય ત્યાં જ શાંતિ પ્રસ્થાપિત થાય છે. મોક્ષની પણ માંગણી ના હોય. અજ્ઞાનમાં જ બંધન છે. જ્ઞાનમાં બંધન છે જ નહિ. પછી મોક્ષપ્રાપ્તિનો સવાલ જ નથી. મોક્ષની પણ માંગણી ના હોય કારણ કે માંગણી હોય ત્યાં સુધી બંધન છે, માંગણી જ બંધન છે. માંગણી જ ના રહે, પછી જે રહે તે મોક્ષ. માંગણી (વાસના)નું નામ જ સંસાર, બંધન.
જ્ઞાનની અવસ્થામાં માંગણી નથી, મૌન છે. જ્ઞાન મુખર નથી, મૂક છે. જ્ઞાન સાઇલેન્સ છે, શૂન્ય છે.
આપણે કહીએ છીએ કે સાંસારિક વસ્તુઓની ચાહના કરો નહીં, એમ નહીં. ચાહનાનું નામ જ સંસાર છે. મનને શાંત કરો એમ ના કહેવાય. શાંત મન જેવી કોઈ વસ્તુ જ નથી. અશાંતિનું નામ જ મન છે. અશાંતિ ના હોય તો મન છે જ નહીં. પછી મનને શાંત કરવાનો સવાલ જ નથી. શાંત મનનો અર્થ મન મરી ગયું, અમન થઇ ગયું. તોફાન શાંત થઇ ગયું. તેનો અર્થ તોફાન મરી ગયું. પછી તોફાનને શાંત કરવાનું રહ્યું જ નહીં. પંખો ફરતો બંધ કરો તો પછી બંધ કરો તેને પંખો ના કહેવાય. ફરે તો જ તેને પંખો કહેવાય. પંખો ફરે જ નહીં તો તેને ભંગાર કહેવાય. પંખો નહીં.
વાસનાઓનો ધુમાડો મટી જાય અને જ્ઞાનની જ્યોત (વાસનારહિત) જલતી રહે તેનું નામ જ્ઞાનયજ્ઞ. જ્ઞાન એટલે મોક્ષવિષયક જ્ઞાન અર્થાત્ આત્મજ્ઞાન. ફી આપીને ખરીદેલું જ્ઞાન તે અજ્ઞાન. (અવિદ્યા, ભૌક્તિકજ્ઞાન)
અજ્ઞાન બંધન છે, જ્ઞાન મુક્તિ છે. અજ્ઞાન રુગ્ણતા, બીમાર અવસ્થા છે. જ્ઞાન સ્વાસ્થ્ય છે. સ્વાસ્થ્ય એટલે સ્વયંમાં સ્થિર થવું - To be in one’s own original eternal immortal self. જરા પણ કંપન, વેવરીંગ, વાસના ના હોય તે સ્વાસ્થ્ય. જેટલી વાસના તેજ, જલદ તેટલું કંપન, વેવેરિંગ વધારે. વાસનાથી મુક્તિ એટલે મૃત્યુના ભયથી મુક્તિ.