આ લોકમાં કર્મોના ફળ ઇચ્છનારાઓ દેવતાઓને પૂજે છે; કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન્ન થનારી (ફળ) સિદ્ધિ તરત થાય છે. (૧૨)
ભાવાર્થ
જીવનના પરમ સત્યને જે લોકો નથી જાણતા તે લોકો પણ જીવનની ઘણી બધી શુભ શક્તિઓથી લાભાન્વિત થઇ શકે છે. પરમાત્મા પરમશક્તિ છે. પરંતુ આ પરમશક્તિ બીજા નાના રૂપોમાં પણ ઘણા ઘણા માર્ગોથી પ્રગટ થાય છે. (નાના નાના દેવો, દેવીઓના રૂપમાં). પરમશક્તિના સીધા સંપર્કમાં આવવું બહુ મુશ્કેલ પડે છે. સૂર્યનો સીધો સંપર્ક સાધવા જઈએ તો બળી જવાય. સૂર્યના કિરણોથી ઘણાબધા નાનામોટા લાભ લઇ શકાય. કલેકટર પાસે જવું મુશ્કેલ પડે પરંતુ નાના નાના કામો માટે તલાટી પાસેથી ઘણો બધો લાભ લઇ શકાય.
જે લોકો પરમશક્તિ પરમાત્મા સાથે સીધા સંબંધિત નથી થઇ શકતા તે લોકો પરમાત્માની ભિન્ન ભિન્ન શક્તિઓ ધારણા કરતા અને પરમાત્માના સ્વરુપભૂત એવા નાના નાના દેવો હનુમાનજી, ગણપતિ, બળીયાકાકા, ભદ્રકાળી વગેરે દેવતાઓ પાસેથી લાભ મેળવે છે અને તાત્કાલિક તેમના કર્મની સિદ્ધિ તેઓ પ્રાપ્ત કરે છે.
શુભ અગર અશુભ કામનાઓ, આકાંક્ષાઓ પુરી કરવા શુભ અગર અશુભ પ્રેતાત્માઓને આવાહન કરીને નિમંત્રણ - invocation દ્વારા તેમના મારફતે કર્મફળ ઝડપથી પ્રાપ્ત થાય છે. સમસ્ત યજ્ઞો વગેરેમાં શુભ આત્માઓ સાથે સંપર્ક સ્થાપવાની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે.
શુભ કર્મોમાં શુભ શક્તિ ધરાવતા વિદેહી આત્માઓ, પ્રેતાત્માઓ, દેવ-દેવીઓ તમારી પડખે ઉભા રહે છે અને તેવા કર્મોમાં બળ પ્રેરે છે. તેવી જ રીતે અશુભ કર્મોમાં અશુભ મલિન આત્માઓ વગેરે મદદ પ્રેરણા કરે છે.
કેટલાક હત્યારાઓ પોતાની મેળે નહીં, એકલા પોતાના બળથી નહીં, પરંતુ કેટલાક મલિન આત્માઓથી પ્રેરાઈને હત્યા કરે છે અને પછી તેમને તેમની ભયંકર ભૂલનું - કુકર્મનું ભાન થાય છે. પરંતુ કોર્ટ તે વાત માન્ય રાખતી નથી. કેટલાક ભૂતિયા મકાનોમાં અને રસ્તાઓ ઉપર અગર ઝાડ નીચે નિરંતર હત્યાઓ થતી હોય છે. કારણ કે ત્યાં વાસનાયુક્ત મલિન પ્રેતાત્માઓની મોજૂદગી હોય છે તેવી જ રીતે ટિલક, રમણ મહર્ષિ જેવા પવિત્ર આત્માઓ જેમને તેમની અત્યંત પવિત્ર અને શુભ વાસનાને અનુરૂપ હજુ દેહ મળ્યો નથી તેમ કહેવાય છે તેવા પવિત્ર આત્માઓ શુભ કર્મોમાં અપરોક્ષ રીતે સંયુક્ત થતા હોય છે.
કર્મના બંધનોના નાશની નહીં પરંતુ કેવળ કર્મફળની ઈચ્છા કરનાર લોકો ધારેલા કર્મફળ આ મનુષ્યલોકમાં ઉતાવળે પ્રાપ્ત થાય તે માટે તેઓ આ લોકમાં દેવતાનું યજન કરે છે. આ વાત 'ગીતા', અધ્યાય ૭. શ્લોક ૨૦-૨૧માં કહેલી છે.
પરમાત્માની આરાધનાનું ખરું ફળ તો મોક્ષ છે જે માનવજીવનનું ચરમ લક્ષ્ય છે અને તે કાળાન્તરે દીર્ઘ અને એકાંત ઉપાસનાથી જયારે કર્મબંધનોનો જ્ઞાનાગ્નિથી સંપૂર્ણ નાશ થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. પરંતુ આટલા દૂરદર્શી અને દીર્ઘ ઉદ્યોગી લોકો ઘણા જ થોડા હોય છે.
પરંતુ મોટા ભાગના લોકોને પોતાના કર્મોનું ફળ આ લોકમાં જ વહેલી તકે મળવું જોઈએ એવું તેમના મનમાં હોય છે અને તેવા લોકો દેવતાઓના નાદે ચઢે છે. પરંતુ તે પણ પરોક્ષ રીતે પરમાત્માનું જ પૂજન કરે છે અને આ યોગ વધતા વધતા તેનું પર્યવસાન નિષ્કામ ભક્તિમાં થઇ આખરે તેથી મોક્ષ સુદ્ધા મળે છે. (ગીતા - ૭/૧૯)