શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

તપસ્વિભ્યોઽધિકો યોગી જ્ઞાનિભ્યોઽપિ મતોઽધિકઃ ।
કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન ॥૪૬॥

તપસ્વિભ્ય: અધિક: યોગી જ્ઞાનિભ્ય: અપિ મત: અધિકઃ

કર્મિભ્ય: ચ અધિક: યોગી તસ્માત્ યોગી ભવ અર્જુન

કેમ કે :

જ્ઞાનિભ્ય: - (શાસ્ત્ર) જ્ઞાનીઓથી

અપિ - પણ

અધિક: - શ્રેષ્ઠ

મત: - માનેલો (છે);

તસ્માત્ - માટે

અર્જુન - હે અર્જુન ! (તુ)

યોગી - યોગી

ભવ - થા.

કર્મિભ્ય: - (સકામ) કર્મ કરનારાઓથી

યોગી - યોગી

અધિક: - શ્રેષ્ઠ છે,

તપસ્વિભ્ય: - તપસ્વીઓ કરતા

યોગી - યોગી

અધિકઃ - શ્રેષ્ઠ છે.

ચ - અને

આ યોગી તપસ્વીઓ કરતા અધિક, જ્ઞાનીઓથી પણ અધિક અને (અગ્નિહોત્રાદિ) કર્મ કરનારાઓથી પણ અધિક મનાયો છે; માટે હે અર્જુન ! તુ યોગી થા. (૪૬)

ભાવાર્થ

તપસ્વીઓ શ્રેષ્ઠ છે.

શાસ્ત્રોને જાણનાર જ્ઞાનીઓ શ્રેષ્ઠ છે.

સકામ કર્મ કરનારા પણ શ્રેષ્ઠ છે.

પરંતુ યોગી સર્વશ્રેષ્ઠ છે.

સાધારણ રીતે આપણને તપસ્વી શ્રેષ્ઠ માલૂમ પડે છે, કારણ કે તપશ્વર્યા પ્રગટ ચીજ છે, જયારે યોગ અપ્રગટ છે. તપશ્વર્યા દેખાય છે જયારે યોગ દેખાતો નથી. યોગ અંતરસાધના છે જયારે તપશ્વર્યા બહિરસાધના છે.

તપસ્વી પણ મૂળમાં તો શરીરથી બંધાયેલો છે જેટલો ભોગી બંધાયેલો છે. આપણે બધા શરીરવાદી છીએ એટલે આપણને ભોગી અને ત્યાગી તપસ્વી દેખાય છે, પરંતુ યોગી દેખાતો નથી. કારણ કે યોગીની સાધના શરીરથી નહીં પરંતુ અંતરથી છે. ત્યાગી તપસ્વી માત્ર શરીરથી લડે છે દુશ્મનની માફક. તે તાપમાં ભૂખ્યો - તરસ્યો અપવાસ કરીને એક પગે ઉભો રહે, શરીરને સતાવે - દુઃખી કરે તે બધાંયને દેખાય. તે તપસ્વી આંખોમાંથી વિકાર કાઢવા આંખો ફોડી નાખે, ઇંદ્રિયોની ભાંગફોડ કરે વગેરે.

યોગી આંખ નથી ફોડતો પરંતુ આંખની પાછળ જે ધ્યાન આપનારી શક્તિ છે તેને આંખથી હટાવી દે છે. આંખ ફોડના આસાન હૈ લેકિન મોડના મુશ્કિલ હૈ. યોગ એટલે આંતરિક રૂપાંતરણ (Inner transformation).

ભોગી ભોજન ખાતો હોય છે. ત્યાગી ભોજનનો ત્યાગ કરતો હોય છે જયારે યોગી ભોજન ખાતો પણ નથી અને ત્યાગતો પણ નથી. યોગી ભોજનના રસ (રાગ)નો ત્યાગ કરે છે, સ્વાદનો ત્યાગ કરે છે. જયારે અને જેટલો જરૂરી હોય તેટલો જ ખોરાક તે લે છે પરંતુ તેની પાછળનો સ્વાદ, લિપ્સા, વિક્ષિપ્તતાનો ત્યાગ કરે છે, જે બહારના લોકોને દેખાય નહીં. તપસ્વી કેટલીક વખત શારીરિક કષ્ટ ભોગવવાના પ્રયોગો કરે છે તે સર્કસના પ્રયોગોથી વિશેષ નથી હોતા.

એનો અર્થ એવો નથી કે જે યોગી યોગને ઉપલબ્ધ થયેલો છે તેના જીવનમાં તપશ્ચર્યા નથી હોતી. યોગી સુખની માંગણી નથી કરતો તેથી તેના ઉપર કદાચ દુઃખ આવી પડે તો તે ચુપચાપ તેને સંતોષથી વહન કરે છે. તેના જીવનમાં તપશ્ચર્યા હોય છે પરંતુ તે તપશ્ચર્યા ઉપજાવેલી કાઢેલી (cultivated) નથી હોતી એટલો ફરક છે. યોગીના જીવનમાં સ્વાભાવિક રીતે એક પ્રકારની તપશ્ચર્યા - austerity આવી જાય છે અને તે અત્યંત સૂક્ષ્મ હોય છે.

તપસ્વીને ભૂખ લાગી હોય, ભોજન તૈયાર હોય, શરીરને જરૂરિયાત હોય તો પણ તે હઠપૂર્વક ભોજનનો ત્યાગ કરીને દુઃખનું આયોજન કરે છે જયારે ભોગીને ભૂખ ના લાગી હોય તો પણ ભોગ્ય પદાર્થોને અનીતિથી પણ પ્રાપ્ત કરીને તે કૃત્રિમ સુખનું આયોજન કરે છે. પરંતુ યોગી દુઃખનું અગર સુખનું આયોજન કરતો નથી. અનાયાસે ન્યાય-નીતિપૂર્વક જે કાંઈ આવી મળે તેમાં 'યથા લાભ સંતોષ દ્રઢાઈ' પ્રારબ્ધવશાત્ જે કાંઈ પ્રાપ્ત થાય તેને ભગવદ્દપ્રસાદી માનીને સ્વીકારી લે છે, માટે ભગવાન અર્જુનને યોગી થવાનું કહે છે.

તસ્માત્ યોગી ભવ અર્જુન

જ્ઞાનિભ્ય: અપિ મત: અધિકઃ |

શાસ્ત્રજ્ઞ જ્ઞાની કરતા પણ યોગી શ્રેષ્ઠ છે.

શાસ્ત્ર જાણવાથી માત્ર શબ્દો સિવાય બીજું કાંઈ મળતું નથી. શાસ્ત્રોથી શબ્દો મળશે પરંતુ સત્ય નહીં મળે. ફિલોસોફી મળશે, સિદ્ધાંતો મળશે અને આ બધા સિદ્ધાંતો મગજમાં ઘૂસી જઈને માંખોની માફક ચટકા ભરશે પરંતુ અનુભૂતિ નહીં મળે. કબીર કોઈ શાસ્ત્ર ભણ્યો નહોતો પરંતુ તેણે પ્રખર શાસ્ત્રપંડિતને સ્પષ્ટ સંભળાવી દીધું કે -

'તુ કહેતા હૈ કાગદ લેખી, મેં તો કહતા આંખન્હ દેખી'

સાચું જ્ઞાન તો સ્વયંના દર્શનથી પેદા થાય છે દર્શનની વિધિ યોગ છે.

શાસ્ત્રજ્ઞાન પ્રમાણ - witness બની શકે, સત્ય નહીં.

શાસ્ત્રજ્ઞાન બીજા નંબરનું જ્ઞાન છે, પહેલા નંબરનું જ્ઞાન અનુભવ છે.

-યોગની સાધનાનો આધારભૂત નિયમ, તેની પહેલી શરત - condition એ છે કે તમે નિષ્કામ થઇ જાઓ. વાસના અને કામનાથી સંયોજિત જે કોઈ પણ આયોજન છે તેના કરતા અનેક ગણો શ્રેષ્ઠ નિષ્કામ કર્મયોગ છે. યોગી એટલે નિષ્કામ કર્મયોગી. શાસ્ત્રોમાં તો માત્ર શબ્દો સિવાય બીજું કાંઈ નહીં મળે.