શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્ ।

યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન ॥૪૩॥

તત્ર તમ્ બુદ્ધિસંયોગમ્ લભતે પૌર્વદેહિકમ્

યતતે ચ તત: ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન

લભતે - પામે છે,

ચ - અને

તત: - તેના પ્રભાવથી

ભૂયઃ - (તે) ફરીને

સંસિદ્ધૌ - (ભગવત્ પ્રાપ્તિરૂપ) સિદ્ધિ માટે

યતતે - પ્રયત્ન કરે છે.

કુરુનન્દન - હે કુરુનંદન ! (તે પુરુષ)

તત્ર - ત્યાં

તમ્ - તે

પૌર્વદેહિકમ્ - પૂર્વદેહમાં સાધન કરેલા

બુદ્ધિસંયોગમ્ - સમબુદ્ધિયોગના સંસ્કારોને

હે કુરુનંદન ! આ જન્મમાં તેને પૂર્વજન્મની (યોગસાધનાવાળી) બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી યોગસિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે. (૪૩)

ભાવાર્થ

જીવનમાં કરેલો કોઈ પણ પ્રયાસ - પુરુષાર્થ ખોવાતો નથી. જીવન એ સમસ્ત પ્રયાસ - પુરુષાર્થની જોડ છે તે તમે ક્યારેય પણ, ગમે ત્યારે કર્યા હોય તોય, સમયના અંતરાળથી તેમાં કાંઈ અંતર પડતું નથી. પ્રત્યેક કરેલું કર્મ અગર વિચાર આપણા પ્રાણનો હિસ્સો બની જાય છે. આપણે જયારે કાંઈ પણ વિચારીએ છીએ અગર કરીએ છીએ ત્યારે તે અગાઉ કરેલો વિચાર અગર કર્મ રૂપાંતરિત થાય છે અને તે રૂપાંતરણ આપણી સાથે ચાલે છે.

આજે આપણે જે છીએ તે આપણા વિચારો, ભાવો અને કર્મોની જોડ છે. આજે આપણે જે છીએ તે આપણા અતીતની પૂરી શૃંખલા છે. અનંત અનંત જીવનમાંથી માંડીને છેક એક ક્ષણ પહેલા સુધી આપણે જે કાંઈ વિચાર, ભાવ અગર કર્મ કર્યું છે તે તમામ આપણી અંદર આપણા અંતઃકરણના કોમ્પ્યુટરની અંદર સંગૃહીત થયેલું મોજૂદ છે.

આગળ જન્મોમાં ૯૮ ડિગ્રી સુધીની સાધના કરી હોય અને છેલ્લો દેહ છૂટી જાય અને પછી આ ચાલુ દેહમાં ચાલુ જીવનમાં અચાનક નાનીમોટી કોઈ એવી ઘટના બને જે બાકી રહેલી માત્ર બે ડિગ્રી સાધના પૂર્ણ કરવા માટે પર્યાપ્ત હોય તે માણસના ખ્યાલમાં પણ ના હોય અને માન્યામાં પણ ના આવે તેવી રીતે તે માત્ર નાની ઘટનાથી પણ યોગની પૂર્ણતાને પ્રાપ્ત કરી જાય. ભાભીનું અગર સાવકી માનું એક સામાન્ય મહેણું નરસિંહ અગર ધ્રુવના જીવનમાં મહાન પરિવર્તન લાવી શકે. અજામિલનો છેલ્લી ક્ષણનો નારાયણ શબ્દનો ઉચ્ચાર તેને મુક્ત કરી શકે. The last straw would break the camel’s back. એક નાના તણખલાની પણ પ્રતિષ્ઠા છે. - છેલ્લી ક્ષણે એક નાનામાં નાની ઘટના, એક નાની કાંકરીથી ઘડો ફૂટી જાય એવી ક્ષુદ્ર ઘટના પણ યોગસિદ્ધિ માટે નિમિત્ત બની જાય. પાછલા જન્મોની સાધના આ જીવનમાં કામમાં આવી જાય છે અને અનાયાસે જીવન અદ્ભૂત વળાંક લે છે. પરમાત્માની દિશામાં ઉઠાવેલું એકપણ કદમ કદાપિ વ્યર્થ જતું નથી. પાછલા જન્મોની સાધના આગળની યાત્રા માટે ધક્કો લગાવે છે. તેથી ઉલ્ટું એક ઇંચભર ચૂકી જવાને કારણે કદાચ અનેક જન્મોની યાત્રા પણ કરવી પડે.

અચેતન મન આપણા અતીત જન્મોનો સંગ્રહ છે. કોઈ માણસને જયારે જીવનમાં આત્મહત્યાનો વિચાર આવે તે જ ક્ષણે તત્કાલ તે સંન્યાસમાં રૂપાંતરિત કરી શકાય, કારણકે સંન્યાસનો અર્થ છે આત્મરૂપાંતરણ. શરીરને ખતમ કરવાથી કાંઈ ના વળે, આત્માને જ બદલી નાખો તે યોગ છે. એટલા માટે એક વિચિત્ર હકીકત કદાચ આપણા જોવામાં આવે છે કે જે દેશમાં વધારે સંન્યાસી હોય છે તે દેશમાં આત્મહત્યાઓ ઓછી હોય છે જયારે જે દેશમાં સંન્યાસી ઓછા હોય છે ત્યાં તેટલી માત્રામાં આત્મહત્યાઓ વધી જાય છે.

તમામ પ્રકારની સંપતિઓ આ જન્મમાં છૂટી જશે, કમાયેલું ધન છૂટી જશે, બનાવેલા મકાન - બંગલા છૂટી જશે, પરંતુ જે બહુ જ ઘેરા તળ - ઉપર કરેલા કર્મ, શુભ અગર અશુભ, યોગના પક્ષમાં અગર યોગના વિપક્ષમાં તે કદાપિ નહીં છૂટે. યોગના પક્ષમાં તે સંપત્તિ બની જશે અને યોગના વિપક્ષમાં તે વિપત્તિ બનીને સામે આવશે. યોગના વિપક્ષમાં જીવ્યા તો દેવાળું નીકળી જશે અને પછીના જન્મમાં દેવાળિયો જાહેર થશે. યોગના પક્ષમાં કાંઈ કર્યું હશે તો તે એક મહાન સંપત્તિનો માલિક થઈને ગુજરી જશે અને પછીના જન્મમાં સમ્રાટ તરીકે જાહેર થશે. સમ્રાટના ઘરમાં પણ યોગની સંપત્તિથી હીન આદમી પેદા થાય તો તે ભિખારી માલૂમ પડે, જયારે ભિખારીના ઘરમાં પણ યોગની સંપત્તિવાળો આદમી પેદા થાય તો તે સમ્રાટ માલૂમ પડે.