શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

શ્રીભગવાનુવાચ । - શ્રી ભગવાન બોલ્યા :-
પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે ।
ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્ દુર્ગતિં તાત ગચ્છતિ ॥૪૦॥

પાર્થ ન એવ ઈહ ન અમુત્ર વિનાશ: તસ્ય વિદ્યતે

ન હિ કલ્યાણકૃત્ કશ્ચિત્ દુર્ગતિમ્ તાત ગચ્છતિ

હિ - કેમ કે

તાત - હે વત્સ !

કલ્યાણકૃત્ - શુભ કર્મ કરનારો

કશ્ચિત્ - કોઈ પણ

દુર્ગતિમ્ - દુર્ગતિને

ન ગચ્છતિ - પામતો નથી

પાર્થ - હે પાર્થ !

તસ્ય - તે પુરુષનો

ઈહ - આ લોકમાં (તેમ જ)

અમુત્ર - પરલોકમાં

એવ - પણ

વિનાશ: - વિનાશ

ન વિદ્યતે - થતો નથી;

હે પાર્થ! આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ નથી જ; કેમ કે હે તાત ! શુભ કર્મ કરનારો કોઈ (મનુષ્ય) દુર્ગતિ પામતો નથી. (૪૦)

ભાવાર્થ

ચેતના (energy) અને પદાર્થ (matter) નો કદાપિ નાશ થતો નથી. પદાર્થનું રૂપાંતરણ થાય છે. Matter changes its form. તેથી તેને વિકારી કહે છે. પરંતુ નાશ નહીં. જયારે ચેતના (energy)નું રૂપાંતરણ થતું નથી. Energy does not change its form. તેથી તેને નિર્વિકારી કહે છે.

ચેતના અને પદાર્થ (energy and matter) નું નિર્માણ પણ થતું નથી અને વિનાશ પણ થતો નથી. બંને અનાદિ છે.

પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધ્યનાદી ઉભાવપિ ।

વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિસમ્ભવાન્ ॥

(ગીતા - ૧૩/૨૦)

પરંતુ પદાર્થ (matter) અને ચેતના (energy)નો 'સંયોગ' નષ્ટ થાય છે. પદાર્થ અને ચેતના આ બે અવિનાશી તત્ત્વો છે. તે બંનેનો સંયોગ પણ થાય છે તે બંનેનો સંયોગ નષ્ટ પણ થાય છે. મૃત્યુ વખતે matter(શરીર) અને energy (ચેતના) વચ્ચેનો સેતુ તૂટી જાય છે. હું આત્મા (energy) અને શરીર (matter)નો એક સંયોગ છું, જોડ છું. આ સંયોગ, જોડ તૂટી જાય એટલે હું મરી ગયો એમ કહેવાઉં છું. એક દિવસ આ સંયોગ (જોડ) પેદા થયો તેને જન્મ કહ્યો અને એક દિવસ આ સંયોગ વિસર્જિત થયો તેને મૃત્યુ કહ્યું. આ આત્મા અને શરીર વચ્ચેનો સંબંધ તે 'હું'. આ સંબંધ મારુ નામ છે, રૂપ છે. આ સંબંધ નિર્મિત થાય છે - વિકસિત થાય છે અને છેવટે વિનિષ્ટ પણ થાય છે.

ચેતના કદાપિ વિનષ્ટ થતી નથી. પાપીની ચેતના પણ વિનષ્ટ થતી નથી તો પુણ્યશાળીની ચેતનાનો તો વિનાશ હોય તો જ શાનો? કોઈ માણસને એનેસ્થેસીયાનું ઇન્જેક્શન આપીને તેને બેહોશ કરવામાં આવે અગર માથામાં ચોટ લાગવાથી અગર બીજા કોઈ કારણે માણસ બેહોશ થઇ જાય છે ત્યારે તેની આત્મા, ચેતના બેહોશ થતી નથી. શરીરને તો બેહોશ થવાનો સવાલ જ નથી. તો પછી બેહોશ થાય છે કોણ ? ચેતના - આત્મા તો બેહોશ થાય જ નહીં, કારણ કે તે તો 'સંપૂર્ણ હોશ - absolute consciousness છે. શરીર તો જડ છે તે તો સદા સંપૂર્ણ બેહોશ - જડ છે તેથી તેને તો બેહોશ થવાનું જ ના હોય. બેહોશ કોઈ થતું નથી, માત્ર શરીરથી આત્મા સુધીની ચેતનાનો જે પ્રવાહ છે તે પ્રવાહ અવરુદ્ધ થઇ જાય છે. શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ (Relationship - મન) શિથિલ થઇ જાય છે. સ્વીચ ઑફ (OFF) કરો એટલે બલ્બ બુઝાઈ જાય - વીજળી ના બુઝાય. કારણ કે વીજળી ઉર્જા (energy) છે તેવી જ રીતે માણસ બેહોશ થઇ જાય ત્યારે મન (સંબંધ - Relationship) બુઝાઈ જાય છે, વચ્ચેનો સેતુ તૂટી જાય છે, શરીર અને આત્મા વચ્ચેનું Communication - ખબરઅંતર આપતું બંધ થઇ જાય છે. અંદર માણસ (આત્મા) એટલો જ ચેતન હોય છે જે સદાકાળ હતો અને બહાર શરીર એટલું જ અચેતન હોય છે જેટલું તે સદાકાળ હતું. માત્ર આત્મા સાથે જે ચેતના શરીર સુધી પ્રવાહીત હતી તે હવે પ્રવાહીત થઇ બંધ થઇ ગઈ.

ચેતનાને નષ્ટ થવાનો સવાલ જ નથી, પાપીની પણ ચેતના નષ્ટ ના થાય. પાપી ગમે તેટલું પાપ કરે, ગમે તેટલું બૂરું કરે, ગમે તેટલો સંસારમાં આસક્ત રહે છતાં તેની ચેતના નષ્ટ ના થાય. હા, ચેતના વિકૃત - દુઃખદ સંતાપોથી ઘેરાયેલી બને, નર્કમાં જાય, પીડામાં - કષ્ટમાં ગહનમાં ગહન સંતાપમાં ડૂબતી જાય પણ નષ્ટ ના થાય, જેવી રીતે સૂર્યના એક પણ કિરણને અગર તો રેતીના એક પણ કણને આપણે નષ્ટ કરી શકતા નથી.

આત્મા અપ્રગટ ચેતના છે, તેને પ્રગટ થવાનું માધ્યમ - Medium - instrument - શરીર મળી જાય તો આત્મા પ્રગટ થાય.

હવે અર્જુનનનો પ્રશ્ન જુઓ.

અર્જુન પૂછે છે કે કોઈ માણસ પૂરેપૂરો શ્રદ્ધા સહિત શુભ કર્મો કરે પરંતુ તેનું મન સમત્વયોગથી ચલાયમાન થઇ જવાને લીધે અને તેથી તે 'અયતિ:' તેના યત્નો - પ્રયત્નો શિથિલ થઇ જવાને લીધે 'યોગ - સંસિદ્ધિ:' એટલે કે ભગવદ્ સાક્ષાત્કારને પ્રાપ્ત ના કરી શકે તો તેની શી ગતિ થાય? આવો માણસ જે ભગવદ્દપ્રાપ્તિના માર્ગમાં મોહિત થયેલો (વિમૂઢો બ્રહ્મણ: પથિ) અને આશ્રય-રહિત થયેલો (અપ્રતિષ્ઠ:) માણસ બંને બાજુથી એટલે કે ભગવદ્પ્રાપ્તિ અને સાંસારિક ભોગોથી ભ્રષ્ટ થયેલો, તે નષ્ટ તો ના થઇ જાય? બંને બાજુથી તે લટકી પડે?

ભગવાન કહે છે, ના. જેનું શુભ કર્મ સફળ ના થાય તેની દુર્ગતિ ના થાય. જેણે શુભ કર્મ કરવાની ચાહના કરી, કામના કરી, કોશિશ કરી તેના મનમાં શુભના બીજ રોપાઈ ગયા અને કદાચ તે અંકુરિત ના થયા, વૃક્ષ ના બન્યું, ફૂલ ના બેઠા, ફળ ના લાગ્યું પરંતુ જેણે શુભકર્મનું માત્ર બીજ નાખ્યું અને તે અંકુરિત ના થયા તો પણ તે માણસના જીવનમાં કદાપિ દુર્ગતિ ના થાય.

માણસ શુભની યાત્રા ઉપર નીકળે અને કદાચ તેનું મન સાથ ના દે, તેનો ભાવ તો હોય પરંતુ તેના સંસ્કાર કામ ના આપે, તેની તીવ્ર આકાંક્ષા - ઈચ્છા હોય કે હું સામે કિનારા પહોંચી જાઉં પરંતુ તેની હોડી કમજોર હોય, તેની હોડીમાં છિદ્ર હોય અને તે વચમાં જ ડૂબી જાય તો પણ ભગવાન કહે છે કે જેણે શુભકર્મ કરવાનું બીજ વાવ્યું, વિચાર્યું અને શ્રદ્ધાપૂર્વક આચરણ કરવા છતાં તે સંપૂર્ણ સફળ ના થયું તો પણ તેની દુર્ગતિ થાય નહીં.

કારણ કે અત્યારે આપણે જેવા છીએ તે આપણા વિચારોનું ફળ છે. માણસ અશુભ કર્મ કરે અને તેમાં તે સફળ ના થાય તો પણ તેની દુર્ગતિ થાય. અંતઃકરણમાં ઉઠેલો અશુભ વિચાર તેનું બીજ વવાયુ એટલે તે દુર્ગતીની યાત્રા તરફ જ લઇ જાય. દુર્ગતિને માટે માત્ર ગલત - નઠારો - અશુભ વિચાર જ બસ છે, કાફી છે. દુર્ગતિથી બચવા માટે માત્ર શુભ વિચાર બસ છે, કાફી છે. કારણ કે આખરે તો માણસના જીવનનું ફળ તેના વિચારો જ છે. ફળ ક્યાંય બહારથી આવતું નથી તમે દુઃખી છો તેનું કારણ તમારા વિચારો છે. તમે સુખી છો તેનું કારણ પણ તમારા વિચારો જ છે. જેવો વિચાર તેવો આચાર - તેવું કર્મ. ખરાબ વિચાર કદાચ અસફળ થાય તો પણ ખરાબ ફળ જ મળે, છેવટે બીજા કોઈને નુકસાન ના કરે તો પણ તમને તો નુકસાન કરે જ, તમારું અંતઃકરણ તો મલિન કરે જ.

સત્ કર્મની, શુભ કર્મની દિશામાં કરેલો માત્ર એક વિચાર અગર ઉઠાવેલું એક પગલું પણ શુભકર્મની દિશા પૂરી થાય કે ના થાય તો પણ જીવાત્માની દુર્ગતિ થવા ના દે, તેને તે કલ્યાણની દિશામાં જ લઇ જાય.